Wed Sep 09 2026

Logo

ખાદ્યતેલના વપરાશમાં ગુજરાત દેશમાં મોખરે, પણ શાકભાજી ખાવામાં પાછળ

2026-05-27 10:22:00
Author: Mayur Patel
ખાદ્યતેલના વપરાશમાં ગુજરાત દેશમાં મોખરે, પણ શાકભાજી ખાવામાં પાછળ

અમદાવાદ: ગુજરાતીઓની ઓળખ વેપારી સહિત ફાફડા-ગાંઠિયા અને ફરસાણ ખાનારા લોકો તરીકેની પણ છે. જોકે એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ ગુજરાતના શહેરી અને ગ્રામીણ એમ બંને વિસ્તારોમાં રહેતા પરિવારો અન્ય તમામ રાજ્યો કરતાં વધુ ખાદ્યતેલનો વપરાશ કરે છે. રાજ્યમાં તેલનો વપરાશ સૌથી વધારે હોવા છતાં શાકભાજી ખાવાનું પ્રમાણે રાષ્ટ્રીય સ્તરે ઘણું ઓછું છે.

તેલનો વપરાશ સૌથી વધુ, શાકભાજીમાં ઘણો મોટો ઘટાડો

રિપોર્ટ અનુસાર, ગુજરાતના શહેરી વિસ્તારોના રહેવાસીઓ દર 30 દિવસે વ્યક્તિદીઠ 1.422 કિલો ખાદ્યતેલ વાપરે છે. જે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ છે. ગ્રામીણ ગુજરાતમાં પણ દર મહિને વ્યક્તિદીઠ 1.2 કિલો તેલના વપરાશ સાથે યાદીમાં ટોચ પર છે. આ બંને આંકડા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ભલામણ કરાયેલી 0.81 કિલોની મર્યાદા કરતાં નોંધપાત્ર રીતે વધારે છે.

બીજી તરફ, શાકભાજીનો વપરાશ ચિંતાજનક રીતે ઓછો છે. ગુજરાતના શહેરી રહેવાસીઓ દર 30  દિવસે વ્યક્તિદીઠ માત્ર 5.251 કિલો શાકભાજી ખાય છે, જે ભલામણ કરાયેલા 12 કિલોના અડધા કરતાં પણ ઓછું છે. ગ્રામીણ ગુજરાતમાં તો આ પ્રમાણ તેનાથી પણ ઓછું, એટલે કે 4.789 કિલો છે. રાષ્ટ્રીય સ્તરે, શાકભાજીના વપરાશમાં શહેરી ગુજરાત 25મા ક્રમે અને ગ્રામીણ ગુજરાત 28મા ક્રમે છે.

ખાણીપીણીની બદલાતી આદતો અને બીમારીઓનું જોખમ

સૂત્રોના કહેવા પ્રમાણે, આ આંકડા ઝડપથી બદલાતી ખાણીપીણીની આદતો, પ્રોસેસ્ડ અને તળેલા ખોરાક પર વધતી નિર્ભરતા અને તમામ ઉંમરના લોકોમાં વધતી જતી સ્નેકિંગ કલ્ચર દર્શાવે છે. આજના સમયમાં વ્યસ્ત શિડ્યુલને કારણે લોકો ઘણીવાર પ્રોપર જમવાને બદલે નાસ્તો કરી લે છે. માત્ર 5 રૂપિયામાં પેકેજ્ડ ફૂડ મળી જાય છે, અને ઓનલાઈન ડિલિવરીને લીધે તળેલું અને પ્રોસેસ્ડ ફૂડ મિનિટોમાં ઉપલબ્ધ થઈ જાય છે. આ બાબત સીધી રીતે સ્થૂળતા,  ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને હૃદય રોગના વધતા કેસોમાં ફાળો આપી રહી છે.

કઠોળ અને દૂધની સ્થિતિ

ગુજરાતમાં કઠોળનો વપરાશ મધ્યમ રહ્યો છે પરંતુ હજી પણ તે ICMR ની ભલામણો કરતાં ઓછો છે. દર મહિને વ્યક્તિદીઠ 0.983કિલો કઠોળના વપરાશ સાથે શહેરી ગુજરાત રાષ્ટ્રીય સ્તરે 10મા ક્રમે છે, જ્યારે ગ્રામીણ ગુજરાત 0.828 કિલો સાથે 16મા ક્રમે છે.

દૂધનો વપરાશ સરખામણીએ સારો હતો. શહેરી પરિવારો દર 30 દિવસે વ્યક્તિદીઠ 8.098 કિલો દૂધ અને દૂધની બનાવટોનો વપરાશ કરે છે, જ્યારે ગ્રામીણ પરિવારો 6.655 કિલો વપરાશ કરે છે. જો કે, આ બંને આંકડા ICMR ની 9 કિલોની ભલામણ કરતા ઓછા છે.

યુવાનોમાં સ્વાસ્થ્યનું જોખમ વધારે

સૂત્રોએ જણાવ્યું કે, શાકભાજીના ઓછા વપરાશની સાથે તેલનો આટલો વધુ વપરાશ લાંબા ગાળાના સ્વાસ્થ્ય જોખમો ઊભા કરી રહ્યો છે. બહાર ખાવું અને એપ આધારિત ફૂડ ઓર્ડર કરવું હવે સામાન્ય બની ગયું છે, પરંતુ તેમાં ખરેખર હેલ્ધી ઓપ્શન્સ બહુ ઓછા હોય છે. ખરાબ આહાર પદ્ધતિ અને વ્યસ્ત જીવનશૈલી એ યુવાનોમાં હાઈ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સના વધતા કેસો પાછળના મુખ્ય કારણો છે. આ અભ્યાસમાં માત્ર ખાદ્યતેલની જ ગણતરી કરવામાં આવી હતી અને મોટા પાયે વપરાતા ઘી અને માખણ (બટર) ને ગણતરીમાં લેવાયા નથી. આપણે જેટલી કેલરી બર્ન કરીએ છીએ તેના કરતાં વધુ કેલરી લઈ રહ્યા છીએ, અને જેઓ કસરત કરે છે તેમનામાં પણ ડાયેટરી ઈમ્બેલેન્સ  જોવા મળે છે. વિભક્ત પરિવારો અને વ્યસ્ત પ્રોફેશનલ લાઈફને કારણે ફૂડ ઓર્ડર કરવું એ રૂટિન બની ગયું છે. આવી સ્થિતિમાં ભોજનનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે.