Mon Jun 15 2026

Logo

ગીરના એશિયાટિક સિંહોના મોત પર હાઈકોર્ટે સરકારને કર્યા સણસણતા સવાલ, પ્રોગ્રેસ રિપોર્ટ જમા કરાવવા આદેશ

2026-06-13 13:51:00
Author: mumbai samachar team
Article Image

અમદાવાદઃ ગુજરાતના વનવિભાગની આગવી શોભા સમાન એશિયાટિક સિંહના અકાળે થતા મોત મામલે ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો છે. એશિયાટિક સિંહના રક્ષણને લઈ હાઈકોર્ટે ફરી એકવાર કડક તથા સંવેદનશીલ વલણ અપનાવ્યું છે. ગીરના જંગલમાં સિંહમાં લાગુ પડેલી બીમારીને કારણે થયેલા મોતનો મામલો હાઈકોર્ટે ગંભીરતાથી લીધો છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ તથા જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે સમગ્ર મામલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. કોર્ટે સમગ્ર ઘટનાને માઠા વાવડ તરીકે ગણીને વન્યજીવની સુરક્ષા મામલે સવાલ ઊઠાવ્યા છે. 

કેવી રીતે ખબર પડશે શું કામગીરી થઈ?
વર્ષ 2018માં દાખલ કરેલી સુઓમોટો પિટિશનની સનાવણી દરમિયાન કોર્ટે સિંહના મોત પર ટીપ્પણી કરી છે.સિંહને બચાવવા માટે અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સરકારે કેવા પગલાં લીધા અને શું કર્યું એ અંગે સવાલ કર્યા હતા. આકરા શબ્દોમાં પૂછપરછ કરતા અનેક મુદ્દાઓ પરની વિગત માગી હતી. ખાસ કરીને સિંહ કોરિડોર તરીકે ઓળખાતા જંગલ વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈન પર સિંહોના અકસ્માતે થતા મૃત્યુ અટકાવવા માટે હાઇકોર્ટે સરકાર, રેલવે વિભાગ અને વન વિભાગના સત્તાવાળાઓ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી છે. સિંહોની સુરક્ષા માટે રેલવે અને વન વિભાગની બનેલી સંયુક્ત હાઈ લેવલ કમિટીને અદાલત સમક્ષ તાત્કાલિક પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. જેમાંથી સમગ્ર ચિત્ર શું છે અને કેવી કામગીરી થઈ છે એનો ચિત્તાર મળી જશે.

 

સરકારને આકરા સવાલ
ગુજરાત હાઈકોર્ટે આ અંગે સુનાવણી કરતા ચીફ જસ્ટિસની ખંડપીઠે સિંહ કોરિડોરમાં સિંહ દર્શનના બહાને રેલવેમાં વિસ્ટાડોમ કોચ જોડવાના સરકારના વિવાદાસ્પદ પ્લાન અંગે આકરા સવાલ કર્યા છે. આ સવાલ સામે સરકારને સ્પષ્ટતા કરવા માટે પણ કહ્યું છે. સરકારી પક્ષ તરફથી હાઈકોર્ટમાં ખાતરી આપવામાં આવી હતી કે, સિંહની સુરક્ષા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું ચાલું કરી દેવામાં આવ્યું છે. વન વિભાગ અને રેલવે વિભાગ દ્વારા સિંહ સુરક્ષા માટે ખાસ કરીને સિંહની અવરજવર વાળા વિસ્તારમાં ‘ઇન્ટ્રુઝન ડિટેકશન ડિવાઇસ’ ઈન્સ્ટોલેશનની કામગીરી ચાલું છે. આ કામગીરી ઓગસ્ટ મહિના સુધીમાં પૂરી થઈ જશે. આ ડિવાઈસ સિસ્ટમ ઈન્સ્ટોલ થઈ ગયા બાદ રેલવે ટ્રેકથી 15 મીટરના કોઈ વિસ્તારમાં સિંહ કે વન્યજીવની માત્ર હલનચલનથી તાત્કાલિક ધોરણે અપટેડ મળી જશે. આ સમગ્ર સિસ્ટમ વન વિભાગ તથા રેલવેના લોકોપાયલટને અગાઉથી જ એલર્ટ કરી દેશે. આનાથી ટ્રેનની ગતિને કંટ્રોલ કરી શકાશે. જેથી સિંહ અચાનક રેલવે ટ્રેક પર આવી ચડતા અકસ્માત અટકશે અને સિંહના મોત પણ નહીં થાય. 

પ્રિ-મોનસૂનની કામગીરી શરૂ
સિંહના મુક્ત વિહાર અને સુરક્ષા માટે કોરિડોરમાં રેલવે લાઈનને બ્રોડગેજમાં ફેરવવા અગાઉ જે નિર્ણય હતો એને પડતો મૂકી દેવામાં આવ્યો છે. આ વન્યજીવ માટે ખરા અર્થમાં રાહતના સમાચાર છે. ચોમાસા પહેલા પ્રિ-મોનસૂનની કામગીર રૂપે  કોરિડોરમાં આવેલા અંડરપાસ તથા બ્રિજના સમારકામની કામગીરી ચાલું કરી દેવામાં આવી છે. આ કારણે ચોમાસામાં સિંહને કોઈ મુશ્કેલી અવરજવરમાં નહીં પડે. ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા જામનગર, રાજુલા, મહુવા અને પીપાવાવ જેવા વિસ્તાર સિંહના કાયમી વસવાટ અને અવરજવર માટે જાણીતા છે. હાલમાં આ જ વિસ્તારોમાં આ ખાસ પ્રોજેક્ટ અંતર્ગત ડિવાઇસ લગાવવાનું કામ ચાલું છે. આ સમગ્ર પ્રોજેક્ટને રેલવે અને વન વિભાગના ઉચ્ચ સચિવોની બનેલી હાઈ લેવલ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ કારણે આ વિસ્તાર પર સિંહના વિહાર માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત થઈ જશે અને અકસ્માત થતા સિંહના મોત પણ અટકી જશે.