Fri Jul 03 2026

Logo

ગુજરાત રાજ્યની જીએસટીની આવકમાં 28 ટકાનો નોંધપાત્ર વધારો, ત્રણ મહત્ત્વના સેક્ટરમાંથી કુલ 11873 કરોડનું ફંડ ક્લેક્શન

2026-07-02 21:42:39
Author: Devayat Khatana
Article Image

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં કરદાતાઓની સંખ્યામાં ઐતિહાસિક પ્રગતિ જોવા મળી રહી છે. જુન મહિનામાં જીએસટીની આવકમાં 28 ટકાનો વધારો થતા સરકારને એક મોટી રકમ પ્રાપ્ત થઈ છે. બીજી તરફ અનેક એવા સ્ટાર્ટઅપ્સ અને MSME સેક્ટરમાં થતી ઔદ્યોગિક પ્રવૃતિઓના સાહસના પગલે નવા નંબર જાહેર થતા એ નંબર પરથી પણ સરકારને મોટી આવક મળી રહી છે. માત્ર નવ વર્ષના ટૂંકાગાળામાં રાજ્ય સરકારના ટેક્સબેઝમાં 181નો એક રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. 

આંકડાકીય રિપોર્ટ

જે સમયે દેશમાં જીએસટી લાગુ પડ્યો એ સમયે દેશમાં કુલ 5.08 લાખ કરદાતાઓ હતા. આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 14.31 લાખ કરદાતાઓની નોંધણી સરકારના સત્તાવાર ડેટાબેઝમાં જોવા મળી રહી છે. કરવેરા પ્રણાલીમાં ડિજિટાઈઝેશનથી કરદાતા અને સરકાર બન્નેને ફાયદો થયો છે. વેપારીઓ માટે સરળ પ્રક્રિયાથી નંબરથી લઈને નાણા રીટર્ન સુધીની પ્રક્રિયા આસાન થઈ જતા સરકારની સાથે ગ્રાહકોને પણ ફાયદો મળી રહ્યો છે.

આમ રાજ્યની જીએસટીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાત રાજ્ય સતત પાંચ વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રીટર્ન ભરવામાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ક્રમે રહ્યું છે. ગત વર્ષના એક રિપોર્ટમાં એ વિગત મળી રહી છે કે, રાજ્યમાંથી 99.6 ટકા જેટલા રેકોર્ડ બ્રેક પત્રકો ભરાયા હતા. આના પરથી કહી શકાય છે કે, રાજ્યની આર્થિક સ્થિતિ કોરાના કાળ બાદ મજબૂત બની રહી છે. 

મહત્ત્વના ત્રણ સેક્ટરમાંથી આવક

જીએસટી અંતર્ગત રાજ્યની આવક છેલ્લા પાંચ વર્ષમાં 20 ટકાથી વધારે નોંધાઈ છે. વર્ષ 2020માં રાજ્યની જીએસટી આવક 30,628 કરોડ હતી. જે નાણાકીય વર્ષ 2025માં ઉછાળા સાથે 83,066 કરોડ સુધી પહોંચી ગઈ છે. ચાલું નાણાકીય વર્ષના જુન મહિનામાં જીએસટીની આવકમાં 28 ટકાનો મોટો વધારો નોંધાયો છે. એક જ મહિનામાં રાજ્ય સરકારને કુલ 7800 કરોડની આવક થઈ હતી.

જે ગત વર્ષની ટકાવારી કરતા 28 ટકા વધારે છે. જુન 2026માં વેટ અંતર્ગત રાજ્ય સરકારને 3073 કરોડની આવક, વિદ્યુત શુલ્ક પેટે 979 કરોડ અને પ્રોફેશનલ ટેક્સમાંથી 21 કરોડની આવક થઈ છે. આમ ત્રણેય સેક્ટરમાંથી રાજ્ય સરકારને કુલ 11873 કરોડની આવક થઈ છે. જીએસટી અમલીકરણ દિવસની ઉજવણી અંતર્ગત વિભાગ તરફથી એક સામાજિક પહેલ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.