Thu May 14 2026

Logo

ગુજરાતમાં ‘ઉદ્યોગો અને સરકારી વિભાગોમાં ‘વર્ક ફ્રોમ હોમ’ શરૂ કરવા સરકારના સંકેત

2026-05-14 17:36:50
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ
: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઈંધણનો વપરાશ ઘટાડવા અને કરકસરના પગલાં અપનાવવાની કરેલી અપીલને ગુજરાત સરકાર પણ આગામી દિવસોમાં લાગુ કરવાની છે, તેવા સંકેતો મળી રહ્યા છે. રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર પ્રધાન કુંવરજી બાવળિયાએ જાહેરાત કરી છે કે સરકાર ટૂંક સમયમાં જ ઉદ્યોગો અને કોર્પોરેટ ગૃહો સાથે કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’નો વિકલ્પ આપવા અંગે ચર્ચા વિચારણા શરૂ કરશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં કર્મચારીઓની પ્રત્યક્ષ હાજરી ફરજિયાત નથી, ત્યાં આ પદ્ધતિ અપનાવી શકે છે. આ ઉપરાંત, પોલીસ વિભાગના ડાયરેક્ટર જનરલ કે.એલ.એન. રાવે પણ અધિકારીઓને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને પોલીસિંગમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા સૂચના આપી હતી, જ્યારે ગુજરાત માહિતી આયોગના કમિશનરોએ ‘કારપૂલિંગ’ શરૂ કરીને ઈંધણના વપરાશમાં ૩૫ ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.

આ મુહિમને વેગ આપતા, ‘ધી ગુજરાત સચિવાલય ફેડરેશન’ દ્વારા મુખ્યમંત્રીને એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જે પત્રમાં વડાપ્રધાનની અપીલને અત્યંત સમયસૂચક અને રાષ્ટ્રહિતમાં ગણાવી હતી. ફેડરેશનના મતે, સચિવાલય એ રાજ્યના વહીવટનું હૃદય છે જ્યાં વિવિધ જિલ્લાઓમાંથી આવતા કર્મચારીઓના કારણે ઈંધણનો મોટો વપરાશ અને ટ્રાફિકનું ભારણ વધે છે, જેને ‘વર્ક ફ્રોમ હોમ’ દ્વારા ઘટાડી શકાય તેમ છે.

સચિવાલય ફેડરેશને વધુમાં જણાવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન સરકારી વિભાગોમાં ‘વર્ક ફ્રોમ હોમ’, ઈ-ઓફિસ અને વર્ચ્યુઅલ મીટિંગ જેવી વ્યવસ્થાઓ સફળતાપૂર્વક અમલમાં મુકાઈ હતી. હાલમાં પણ સચિવાલયમાં ઈ-સરકાર, કર્મયોગી, નવિન ઝોહો મેઈલ અને વર્ક પ્લેસ સર્વિસ જેવી ડિજિટલ પહેલો કાર્યરત છે, જે આધુનિક કાર્યપદ્ધતિને ટેકો આપે છે. આ અનુભવને આધારે, કર્મચારીઓની શક્તિ અને સમયનો વ્યય અટકાવવા માટે સચિવાલયમાં પણ ‘વર્ક ફ્રોમ હોમ’ના અભિગમને પ્રોત્સાહન આપવા ફેડરેશને વિનંતી કરી હતી.