આંતરજ્ઞાતીય લગ્નો સામે આવી સૂગ શા માટે?
એક જમાનો હતો જ્યારે સમાજ કે જ્ઞાતિના કહેવાતા `ડાહ્યા' વડીલો કોઈનો દીકરો કે દીકરી કયાં પરણે એ નિર્ણય લેતા અને બધાએ એ માન્ય રાખવો પડતો. આજનાં જુવાન હૈયાં જીવનસાથીની પસંદગી કરતાં થઈ ગયાં એમાં પેલાં જુનવાણી વડીલોનો ગરાસ ગયો હોય તેમ નવી પેઢી પર સમાજ-જ્ઞાતિની `આબરૂ'ના નામે આંતરજ્ઞાતીય લગ્નો સામેની સૂગ વધુ પ્રબળ કરી એમાં ય ગુજરાત સરકારે બંધારણને બાજુએ મૂકીને લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરીને સમગ્ર વાતાવરણ ડહોળી નાખ્યું છે.
કવર સ્ટોરી - વિજય વ્યાસ
ગુજરાતમાં લવ વર્સીસ કાસ્ટ એટલે કે પ્રેમ વિરુદ્ધ જ્ઞાતિવાદનો જંગ ચાલી રહ્યો છે. ગુજરાતમાં હમણાં જ ત્રણ જાણીતી ગાયિકા કિજલ દવે - આરતી સાંગાણી- કિજલ રબારીનાં લવ મેરેજના કિસ્સા બહુ ગાજ્યા છે. કંકુબેન ચૌધરીનાં લગ્નનો મુદ્દો તો હજુ ગાજી જ રહ્યો છે.
કંકુબેને બે વર્ષ પહેલાં રબારી યુવક સાથે લગ્ન કરેલાં ને બંનેને એક દીકરો પણ છે, પણ સમાજે તેની સામે વાંધો લઈને કંકુબેનને પાછાં તેમના માતા-પિતાના ઘરે લાવવાનું અભિયાન છેડ્યું તેમાં આ મુદ્દે ઘમાસાણ થાય એવાં એંધાણ છે.
આ ગાજવીજ વચ્ચે ગુજરાત સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી નાખી. આ જાહેરાત પ્રમાણે, હવે માતા-પિતાની જાણ કે પરવાનગી વિના લગ્ન નોંધણી ના કરી શકાય એનો ફતવો બહાર પાડી દીધો. નવા નિયમો પ્રમાણે, છોકરો-છોકરી લગ્નની નોંધણી માટે અરજી આપે તેમાં પોતે પુખ્ત વયનાં છે અને ભારતનાં નાગરિક છે તેની સાબિતીના પુરાવાની સાથે સાથે માતા-પિતાનાં આધાર કાર્ડ, સરનામું અને મોબાઈલ નંબર ફરજિયાતપણે આપવાં પડશે. એ પછી 10 દિવસમાં બંનેનાં માતા-પિતાને નોટિસ મોકલીને જાણ કરવામાં આવશે. આ જાણ કરવામાં આવે તેના 30 દિવસ પછી લગ્નનું રજિસ્ટે્રશન થશે.
બીજી શરત એ છે કે, યુવતીના આધાર કાર્ડમાં દર્શાવેલા સરનામાની કચેરીમાં જ નોંધણી કરાવી શકે અને માતા-પિતાને જાણ કરી છે તેવું ડિક્લેરેશન પણ છોકરા-છોકરીએ આપવું પડશે.
ગુજરાત સરકારનું કહેવું છે કે, છેતરપિંડીથી થતાં લગ્નો તથા લવ જિહાદ રોકવા માટે આ નિયમો બનાવવા પડ્યા છે. જેમણે પ્રેમલગ્નો રોકવા માટે ઉપાડો લીધેલો એવા જ્ઞાતિના આગેવાનોનું કહેવું છે કે, આ નવા નિયમોથી ભાગીને કરાતાં લગ્ન અટકી જશે અને છોકરીઓ પ્રેમના નામે ફસાઈને જિંદગી બરબાદ કરી નાંખે એવું હવે નહીં બને.
આ બધા વચ્ચે કોમિક વાત એ છે કે, ગુજરાત સરકાર અને જ્ઞાતિના આગેવાનો બંને જે નિયમો અમલી જ નથી એ નિયમોને પોતાની જીત માનીને હરખાઈ રહ્યા છે. ગુજરાત સરકારે જાહેરાત કરી પછી એ અંગે 20 ફેબ્રુઆરીએ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડીને 30 દિવસમાં વાંધા-સૂચનો મગાવેલાં. આ વાંધા કે સૂચનો મળી ગયાં હશે પણ સત્તાવાર રીતે નિયમો હજુ અમલી બન્યા નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં પાટીદારો સહિતની જ્ઞાતિઓએ ઉપાડો લીધેલો તેથી સરકારે તેમને શાંત પાડવા નવા નિયમોની જાહેરાત કરી દીધી, પણ નિયમોના અમલનાં ઠેકાણાં નથી.
બીજી હાસ્યાપદ વાત એ છે કે, લવ મેરેજ કરનાર છોકરા-છોકરીનાં માતા-પિતાને જાણ કરાય પછી એ લોકો વાંધો ઉઠાવે કે ના ઉઠાવે કોઈ ફરક પડતો નથી. એ લોકો લગ્ન રોકી શકવાનાં નથી કેમ કે ભારતના બંધારણ પ્રમાણે છોકરી 18 વર્ષની થાય ને છોકરો 21 વર્ષનો થાય પછી પોતાની મરજી હોય તેની સાથે લગ્ન કરી શકે છે. તેમણે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી કે કોઈને જાણ કરવાની પણ જરૂર નથી, છતાં જાણ કરવાનો નિયમ હવે ફરજિયાત કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારમાં બેઠેલા લોકો બંધારણ વિશે ઘોર અજ્ઞાન ધરાવે છે એવું તો કહી ના શકાય, પણ જ્ઞાતિના આગેવાનોને તેમણે બહુ સિફતથી બેવકૂફ બનાવી દીધા છે એ સ્પષ્ટ છે.
જો કે અહીં મૂળ મુદ્દો કોણે કોને બેવકૂફ બનાવ્યા તેનો નથી પણ આંતરજ્ઞાતિય લગ્નો સામેની સૂગનો છે. આ સૂગ કોને છે? જ્ઞાતિના બની બેઠેલા આગેવાનો અને વાંઢા રહી જનારાં સિવાય કોઈને સૂગ નથી પણ જેમને સૂગ છે એ બોલકાં છે તેમાં આખી જ્ઞાતિને પ્રેમ લગ્નો સામે વાંધો હોય એવો માહોલ પેદા કરી દેવામાં આવ્યો છે. જે વાંઢા રહી ગયા છે તેમની તકલીફ ને પ્રેમ લગ્નો સામેની સૂગ સમજી શકાય પણ જ્ઞાતિના આગેવાનોને પેટમાં શું દુ:ખે છે એ પણ સમજવા જેવું છે.
પહેલાં મોટા ભાગે પરિવારો દ્વારા લગ્ન ગોઠવાતાં તેથી જ્ઞાતિના કહેવાતા આગેવાનોનો ભાવ પુછાતો. ગામમાં જ્ઞાતિનો આગેવાન હોય તેને પૂછીને બીજા ગામનાં જ્ઞાતિજનો પોતાની છોકરી કે છોકરો આપતાં. લગ્ન પછી બંને વચ્ચે વિખવાદ થાય તો પણ આગેવાનોને વચ્ચે રાખીને વિખવાદનો અંત લાવવામાં આવતો તેથી આગેવાનોનું મહત્ત્વ હતું. આગેવાનો ન્યાયી રીતે વર્તતા કે યોગ્ય સલાહ આપીને લગ્નો કરાવતા એવું નથી. એ લોકો પોતાના સ્વાર્થ ખાતર લાકડે માંકડાં ગોઠવતા જ ને વિખવાદ થાય ત્યારે પણ સાચી વાત સાંભળ્યા વિના પોતાની અલ્પ મતિ પ્રમાણે ફરમાનો કરતા. લોકો પોતાને પૂછીને જ બધું કરે એ માટે એ મનફાવે એ રીતે વર્તતા.
હવે છોકરા-છોકરી ભણતાં થયાં તેથી બહાર ફરતાં થયાં છે. તેના કારણે એકબીજાના પરિચયમાં આવીને પ્રેમમાં પડે છે ને સામેનું પાત્ર માફક આવે એવું લાગે તો પરણી પણ જાય છે. માતા-પિતા પણ સુધર્યાં છે તેથી જ્ઞાતિ કે બીજી કોઈ પળોજણમાં પડ્યા વિના સંતાનોને ગમે ત્યાં પરણવાની છૂટ આપે છે તેથી આગેવાનોની પટલાઈના દિવસો પતી ગયા છે ને તેમનો ગરાસ લૂંટાઈ ગયો છે તેથી કાંખલી કૂટે છે. યુવાઓને કંઈ કહેવા જાય તો તોડીને ત્રણ કરી નાખે એટલે મા-બાપો પર દબાણ લાવે છે. મોટા ભાગનાં મા-બાપ તેમને ગણકારતાં નથી પણ નબળા મનનાં કોઈ મા-બાપ તેમના દબાણમાં આવી જાય એટલે એ લોકો કાગનો વાઘ કરી નાખે છે.
મોટા ભાગે છોકરીનાં મા-બાપ પર તેમની તરકીબો કામ કરે છે. `આપણે ઊંચા ને ફલાણા નીચા' એવી માનસિકતા મોટા ભાગના હિંદુઓમાં છે પણ છોકરીના મા-બાપ જતું કરે છે કેમ કે પુરુષવાદી સમાજમાં છોકરો પરિવારનો મોભ ગણાય છે. આગેવાનો જ્ઞાતિના નામે હોહા કરે છે ને ટોળાં ભેગાં કરીને દેકારો મચાવે છે તેથી તેમના મતોની ભૂખી સરકાર પણ તેમની વાત સાંભળે છે. બાકી બંધારણ પ્રમાણે વર્તતી સરકાર હોય તો આ બકવાસને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે.
આમ છતાં આઘાતજનક વાત એ કહેવાય કે, હિંદુત્વના નામે ચરી ખાતી સરકાર આંતરજ્ઞાતિય લગ્નોને રોકવાના કારસામાં સાથ આપીને આ બકવાસ નિયમો લાવી છે. હિંદુઓમાં એકતા માટે જ્ઞાતિનાં બંધારણોને ફગાવી દેવાની જરૂર છે એવું આ નેતાઓ ગાઈવગાડીને કહે છે. શાસક પક્ષના મૂળિયાં જેમાં છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ આ રેકર્ડ વગાડે છે પણ હિંદુઓમાં આંતરજ્ઞાતીય લગ્નોની વિરુદ્ધના આ નિયમો સામે સરકાર ને સંઘના નેતા બંને ચૂપ છે. આ કયા પ્રકારનું હિંદુત્વ છે?
આવાં લગ્ન કરનારને હવે સહાય નહીં મળે ?
ગુજરાત સરકાર જ્ઞાતિઓના આગેવાનો સામે ઘૂંટણ ટેકવીને બેઠી છે ત્યારે બીજી તરફ આ જ સરકાર આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે આર્થિક સહાયની યોજના ચલાવે છે. ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના' હેઠળ હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ (એસસી) એટલે કે દલિત સમાજની વ્યક્તિ અને હિન્દુ ધર્મની દલિત સિવાયની અન્ય જ્ઞાતિની વ્યક્તિ વચ્ચે લગ્ન થાય તો 2.50 લાખ રૂપિયાની સહાય મળે છે. આ યોજના હેઠળ 1 લાખ રૂપિયાની સહાય પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે અને 1.50 લાખ રૂપિયાની રકમ ઘરવપરાશના સાધનો ખરીદવા માટે આપવામાં આવે છે.
આ યોજનાનો ઉદ્દેશ ઉત્તમ છે. લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દૂર કરી સામાજિક સમરસતા લાવવા માટે આ યોજના ચલાવાય છે અને આ યોજનામાં ક્યાંય માતા-પિતાની સંમતિ ફરજિયાત નથી. બીજી તરફ સરકાર નવા નિયમ લાવી તેમાં પ્રેમલગ્ન માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરી નાખી છે. સવાલ એ છે કે, દલિત છોકરી કે છોકરા સાથે કોઈ લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ મળે કે ના મળે? સરકારે પોતે જ વિચિત્ર ગૂંચવાડો ઊભો કરી દીધો છે ત્યારે આ સ્પષ્ટતા જરૂરી છે.