Thu Jun 18 2026

Logo

લોકોના આકરા વિરોધ છતાં કરોડોના ખર્ચે ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી દરિયામાં ઠલવાશે; વિધાનસભામાં ખુલાસો

2026-03-16 12:52:00
Author: Devayat Khatana
Article Image

ગાંધીનગર: ગુજરાતમાં ઉદ્યોગોના પાણીને નદી, તળાવ કે ખુલ્લી જમીનમાં છોડી દેવાના કારણે ફેલાતા પ્રદૂષણના મુદ્દાના નિવારણ માટે સરકારે ઉદ્યોગોના કેમિકલવાળા પ્રદૂષિત પાણીને સીધું જ દરિયામાં છોડવાની યોજનાનો અમલ કર્યો છે. જેનો પોરબંદર સહિત ઘણા સ્થળોએ ભારે વિરોધ ઉઠ્યો હતો. ત્યારે આ મુદ્દો હવે વિધાનસભામાં પણ ચર્ચાયો હતો. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે વિગતો રજૂ કરી હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે સરકારના આ પ્રોજેક્ટથી ઔદ્યોગિક એકમોના કેમિકલ યુક્ત પાણીને દરિયામાં ઊંડે સુધી છોડવાની વ્યવસ્થા ઊભી થશે, જેથી કિનારાના પ્રદૂષણમાં ઘટાડો થવાની અપેક્ષા છે. 

રાજ્ય સરકારે જવાબમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરિયાકિનારે પ્રદૂષિત પાણીના નિકાલ માટેની 'ડીપ સી ડિસ્ચાર્જ યોજના' અંતર્ગત ખંભાતના અખાત અને પોરબંદરના દરિયામાં પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત અમદાવાદ, અંકલેશ્વર, સાયખા અને જેતપુર જેવી ઔદ્યોગિક વસાહતોને દરિયાઈ પાઇપલાઇન સાથે જોડવા માટે વિવિધ તારીખે વહીવટી મંજૂરીઓ આપવામાં આવી છે. સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલી માહિતી મુજબ, 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ આ પ્રોજેક્ટ્સ પર મોટાપાયે કામગીરી ચાલી રહી છે.

પ્રોજેક્ટની વિગતો મુજબ, ખંભાતના અખાત માટે અમદાવાદ ઔદ્યોગિક વસાહત અને જેતપુર પ્રોજેક્ટને 26 નવેમ્બર 2019ના રોજ મંજૂરી મળી હતી. જ્યારે સાયખા પ્રોજેક્ટને માર્ચ 2021 અને અંકલેશ્વર પ્રોજેક્ટને માર્ચ 2022માં મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ્સ પાછળ થતા ખર્ચ અંગે સરકારે જણાવ્યું છે કે, જેતપુર પ્રોજેક્ટ માટે GWIL દ્વારા રૂ. 108.38 કરોડ અને અંકલેશ્વર-સાયખા પ્રોજેક્ટ માટે GIDC દ્વારા રૂ. 629.53 કરોડનો તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો છે.

પર્યાવરણની સુરક્ષાને ધ્યાને રાખીને સરકાર દ્વારા અંકલેશ્વર, સાયખા અને જેતપુરના પ્રોજેક્ટ્સ માટે ફીઝીબીલીટી અને એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (EIA) અભ્યાસ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. આ ત્રણેય પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલય (MoEF & CC) દ્વારા જરૂરી CRZ ક્લિયરન્સની મંજૂરી પણ મળી ગઈ છે. બીજી તરફ, અમદાવાદ ખાતેના પ્રોજેક્ટ માટે અત્યારે તાંત્રિક તજજ્ઞોની નિમણૂંક કરીને અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું સરકારે જવાબમાં જણાવ્યું હતું.