Tue Jun 16 2026

Logo

સુરત, રાજકોટમાં અખાદ્ય સામગ્રી પર તવાઈ, ગુજરાત સરકાર ભેળસેળીયાઓ પર ત્રાટકી

2026-06-16 17:22:42
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ગુજરાત સરકાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા અને ગુણવત્તા વિનાના પદાર્થો વેચનારાઓ પર ત્રાટકી છે. રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લાએ કરેલી જાહેરાત બાદ જાણીતા રેસ્ટોરાં પર ચેકિંગ થઈ રહ્યું છે જ્યારે બીજી બાજુ સુરતમાં પણ ફરી શંકાસ્પદ નકલી ઘીનો 140 કિલોનો જથ્થો મળી આવ્યો હતો. સુરતના કામરેજ વિસ્તારમાં પોલીસે દરોડા દરમિયાન એક શંકાસ્પદ નકલી ઘી ઉત્પાદન એકમનો પર્દાફાશ કર્યો હતો. કામરેજ પોલીસે બાતમીના આધારે શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, નવાગામમાં એક ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો અને નકલી ઘીના ઉત્પાદન માટે વપરાતા રિફાઇન્ડ તેલ અને ક્રીમનો મોટો જથ્થો જપ્ત કરીને સીલ કરી દીધો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ફેક્ટરી ફક્ત છેલ્લા 15 દિવસથી કાર્યરત હતી. ધ્યાન ખેંચાય નહીં તે માટે આખું કામ ઔદ્યોગિક વસાહત પર એક બંધ શેડમાં કરવામાં આવ્યું હતું.
દરોડા દરમિયાન, પોલીસે નકલી ઘીના ઉત્પાદનમાં વપરાતી 140 કિલોગ્રામ અત્યંત શંકાસ્પદ ક્રીમ અને બજારમાં સામાન્ય રીતે ઉપલબ્ધ સસ્તા રિફાઇન્ડ તેલના 15 મોટા કેન જપ્ત કર્યા હતા. 
આ સાથે રાજકોટમાં પણ રેયા ચોકડી નજીક આવેલા બાલાજી થાળ નામના રેસ્ટોરાંમાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી.  

તપાસ દરમિયાન  લોટ અને ચોખામાંથી જીવાત મળી આવી હતી, સાથે જ પુરણપોળી માટેનો અખાદ્ય મસાલો અને શંકાસ્પદ ચટણીનો જથ્થો પણ ઝડપાયો હતો. મરચા પાવડરની થેલીઓ તો એવી મળી જેમાં ન તો કંપનીનું નામ હતું, ન તો મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ હતી.  પ્રાથમિક દ્રષ્ટિએ આ સામગ્રી ગ્રાહકોને પીરસવા માટે તૈયાર રાખવામાં આવી હતી. રેસ્ટોરાંના માલિકે મીડિયા સાથે વાત કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતી. 

દરમિયાન રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના જથ્થાની તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘીનો 39,787 કિલો જથ્થો, ખાદ્ય તેલનો 1,67,256.60 કિલો, લિટર જથ્થો, દૂધ અને દૂધજન્ય પદાર્થોનો 675.40 કિલો જથ્થો તેમજ પનીરનો 5,229 કિલો જથ્થો મળી કુલ 2,12,948 કિલો, લિટરથી વધુ ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજ્યના મોટા શહેરોમાં કરેલી આ કાર્યવાહીમાં કુલ અંદાજિત રૂ. 5.89 કરોડથી વધુની કિંમતના ખાદ્ય પદાર્થોની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય પ્રધાન પ્રફુલપાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે.