Thu Jun 18 2026

Logo

ગુજરાતમાં ધૂળેટીનો પર્વ બન્યો બેરંગ, 25 કરતા વધારે બાળક-યુવાન ડૂબ્યાં

2026-03-04 20:23:00
Author: Pooja Shah
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ  
તહેવારોની ઉજવણી દરમિયાન સાવધાની અને શિસ્ત ન જળવાય તો આનંદનો પ્રસંગ માતમમાં ફરી જતા સમય લાગતો નથી. આ વાતને સાચી ઠરાવતી અલગ અલગ ઘટનાઓ ગુજરાતમાં ઘટી હતી, જેમાં 25 કરતા વધુ બાળક અને યુવકે જીવ ગુમાવ્યા હતા. સુરત, અરવલ્લી,મહીસાગર, અમરેલી અને અમદાવાદ ગ્રામ્યમાં બનેલી ઘટનાઓમાં ધૂળેટી રમ્યા બાદ ન્હાવા માટે નદી-તળાવમાં પડેલા બાળકો-કિશોરો અને યુવાનો ડૂબી જતા ધૂળેટીનું પર્વ બેરંગ બની ગયું હતું. 

અરવલ્લી જિલ્લામાં બે પિતરાઈ ભાઈ જૈમિન ડામોર અને રાયચંદ ડામોર રંગોથી રમ્યા બાદ તળાવમાં ન્હાવા પડ્યા હતા અને ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.  માલપુર તાલુકાના નવા જાંબુ ફળી ગામના રહેવાસી બન્ને બાળકો પાંચમા અને છટ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા હતા. ઘટનાની જાણ થતાં મોડાસા ફાયર બ્રિગેડે બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના સીતાપુર ગામ નજીક આવેલા ઝોલાસર તળાવમાં ધૂળેટી રમ્યા બાદ ન્હાવા પડેલા પાંચ બાળકો ડૂબી રહ્યા હતા, જેમાંથી બેને બચાવી લેવાયા હતા, પરંતુ ત્રણના મોત થયાનું સૂત્રોએ જણાવ્યું હતું.  હાંસલપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. 

જ્યારે સુરતના માંગરોળ તાલુકાના પાનસરા ગામ પાસે કીમ નદીમાં નહાવા પડેલા ત્રણ મિત્ર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મૃતકોની ઓળખ સંજય ધનજી માંગુકિયા, ચંદ્રભૂષણ સિંહ અને હેપ્પી સિંહ તરીકે થઈ હતી. સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડે તેમના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. બીજી ઘટનામાં સુરતના બારડોલીના  ઇસરોલી ગામની નદીમાં પાંચ યુવક ડૂબ્યા હતા. ધૂળેટી રમ્યા બાદ નદીમાં ન્હાવા પડેલા પાંચમાંથી ચાર યુવક ડૂબી ગયા હતા અને એકનો બચાવ શક્ય બન્યો હતો, તેવી માહિતી સ્થાનિક સૂત્રોએ આપી હતી. 

 અમદાવાદના કોતરપુરમાં સાબરમતી નદીમાં નાહવા પડેલા ચાર યુવક ડૂબ્યા હતા. મળતી માહિતી અનુસાર ત્રણ યુવકના પાણીમાં જ ડૂબી જતાં મોત થયા હતા અને એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ચારેય યુવક શહેરના કુબેરનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. 

આવી જ દુઃખદ ઘટના મહીસાગરના કોઠંબા નજીક આવેલા મુવાડા ગામે પણ બની હતી. અહીં રંગોથી રમી તળાવમાં ન્હાવા પડેલા ચાર યુવાન ડૂબી ગયા હતા. લુણાવાડાની બચાવ ટીમે ચારેય યુવાનના મૃતદેહ કલાકો બાદ બહાર કાઢ્યા હતા. અમિતકુમાર વિનોદભાઈ બારીયા, તુષારકુમાર રુદ્રનાથ બારીયા, જયેશકુમાર જશવંતભાઈ બારીયા, વિપુલકુમાર જશવંતભાઈ બારીયા મૃત્યુ પામ્યા હતા, જેમાં બે સગા ભાઈનો સમાવેશ થાય છે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. 

બીજી બાજુ સૌરાષ્ટ્રના અમરેલીમાં શેત્રુંજી નદીમા ન્હાવા પડેલો એક યુવક ડૂબી જતા મોત થયું હતું. અહીંના  બહારપરા વિસ્તારમાં રહેતો એક યુવક ધૂળેટી રમ્યાં બાદ શેત્રુંજી નદીમાં નાહવા માટે ગયો હતો, ઊંડા પાણીમાં યુવક ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડે જહેમત બાદ તેને બહાર કાઢ્યો હતો. 

 આ સાથે મહેસાણાના કડીના થોળ રોડ પર આવેલી નર્મદા કેનાલમાં ડૂબી જતા એક યુવકનું મોત નિપજ્યું હતું. બીજી આવી ઘટના પણ મહેસાણામાં બની હોવાનું જાણવા મળ્યું હતું. અહીંની મોટી દઉં કેનાલમાં ચાર યુવક ન્હાવા પડ્યા હતા, જેમાંથી ડૂબી જતાં 2ના મોત થયાનું સૂત્રોએ જણાવ્યું હતું.