ગાંધીનગરઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાવાર્ત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયો એટલે કે ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને જળ સંપત્તિ - પાણી પુરવઠા પ્રધાન ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં પાણી સંચય અંગેના સુચારૂ વ્યવસ્થાપન થકી રાજ્યમાં દિન-પ્રતિદિન પીવાના અને સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધી રહી છે.
રાજ્યના જળાશયોમાં કેટલો છે પાણીનો સંગ્રહ
રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ ૧૨૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના પરિણામ સ્વરૂપે તા. ૦૫ માર્ચ ૨૦૨૬ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૬.૪૬ લાખ મિલિયન ક્યુબિક ફીટ-MCFT એટલે કે, કુલ પાણીનો જથ્થો ૭૨ ટકાથી વધુ છે. આમ ગત વર્ષની સાપેક્ષમાં વિસ્તારવાર એકંદરે રાજ્યમાં ૪.૧૫ ટકા જેટલો વધારે જ્યારે સરદાર સરોવર જળાશયમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં ૧.૬૩ ટકા વધારે પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. જેથી રાજ્યમાં આગામી ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેશે.
નર્મદા ડેમમાં કટલો છે જળ સંગ્રહ
ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલની સ્થિતિએ ૭૪ ટકાથી વધુ એટલે કે ૨.૪૭ લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૨.૩૪ લાખથી વધુ MCFT પાણીનો જથ્થો જળાશયોમાં સચવાયો છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં ૬૫,૧૭૯ MCFT, ઉત્તર ગુજરાતમાં ૪૧,૮૪૨ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. સૌરાષ્ટ્રમાં ૫૩,૬૨૧ અને કચ્છ વિસ્તારમાં ૪,૩૯૨ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. આમ રાજ્યમાં કુલ ૬,૪૬,૫૫૬ MCFT એટલે કે ૭૨.૪૯ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે.
ગત વર્ષની સરખામણીએ તા. ૫ માર્ચ, ૨૦૨૫ સ્થિતિએ રાજ્યમાં વિસ્તારવાર ઉત્તર ગુજરાતમાં ૨૭,૮૪૭ MCFT, મધ્ય ગુજરાતમાં ૫૭,૮૮૨ MCFT, દક્ષિણ ગુજરાતમાં ૨,૨૪,૧૮૨ MCFT, સૌરાષ્ટ્રમાં ૫૨,૨૬૪ MCFT અને કચ્છ વિસ્તારમાં ૫,૩૩૨ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત સરદાર સરોવર જળાશયમાં ૨,૪૧,૯૫૨ MCFT એટેલ કે ૭૨.૪૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. રાજ્યમાં ગત વર્ષે કુલ ૬,૦૯,૪૫૯ MCFT એટલે કે ૬૮.૩૪ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો તેના કરતાં આ વખતે રાજ્યમાં ૪.૧૫ ટકા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ૧૪૧ જળાશયો, ઉત્તર ગુજરાતમાં ૧૫, મધ્ય ગુજરાતમાં ૧૭, દક્ષિણ ગુજરાતમાં ૧૩, કચ્છમાં ૨૦ તેમજ સરદાર સરોવર સહિત ગુજરાતમાં કુલ ૨૦૭ જળાશયો-ડેમ આવેલા છે.