Wed Jun 17 2026

Logo

કોર્ટ મેરેજ માટે માતા-પિતાની ફરજિયાત સંમતિ ગેરબંધારણીય

2026-02-21 08:42:00
Author: Mumbaisamachar Team
Article Image

 

એકસ્ટ્રા અફેર - ભરત ભારદ્વાજ

ગુજરાત સરકારે અંતે પાટીદારો સહિતની જ્ઞાતિઓની દબાણ હેઠળ ઝૂકીને લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવાનું એલાન કરી દીધું. અત્યાર દેશમાં રજિસ્ટે્રશન ઓફ મેરિજીસ રૂલ્સ હેઠળ છોકરી 18 વર્ષની હોય ને છોકરો 21 વર્ષનો હોય એટલે પોતાની ઉંમર, ફોટોગ્રાફ અને રહેઠાણના પુરાવા રજૂ કરીને લગ્ન માટે રજિસ્ટે્રશન કરાવી શકે છે પણ હવે પછી લવ મેરેજ એટલે કે કોર્ટ મેરેજ કરતાં પહેલાં માતા-પિતાને જાણ કરવાની રહેશે ને આડકતરી રીતે તેમની સંમતિ  ફરજિયાત કરી દેવાઈ છે. 

ગુજરાત સરકારે કરેલી જાહેરાતમાં ગુજરાતમાં ભવિષ્યમાં કોર્ટ મેરેજ માટે કઈ પ્રક્રિયાને અનુસરવાનું રહેશે તેની આખી રૂપરેખા અપાઈ છે. આ પરેખા પ્રમાણે, લવ મેરેજ કરવા માગતાં યુવક-યુવતી મેરેજ રજિસ્ટ્રારને ત્યાં રજિસ્ટે્રશન કરાવે કે તરત તેમનાં મા-બાપને વોટ્સએપ મેસેજ મારફતે કે પછી પત્ર મોકલીને રજિસ્ટે્રશન કરાવ્યાની જાણ થશે. આ જાણ 10 દિવસમાં કરવાની છે ને તેનો મતલબ એ કે, મેરેજ રજિસ્ટ્રારે પ્રેમ લગ્ન માટે માતાપિતાને ફરજિયાત 10 દિવસની નોટિસ આપવાની રહેશે. 

પહેલાં રજિસ્ટે્રશનના 30 દિવસમાં મેરેજે રજિસ્ટર્ડ એટલે કે લગ્નની નોંધણી થઈ જતી પણ નવા નિયમમાં રજિસ્ટે્રશન કરાવ્યાના 10 દિવસમાં માતા-પિતાને જાણ કરવાની હોવાથી 40 દિવસમાં લગ્નની નોંધણી થશે. નવા નિયમમાં રજિસ્ટે્રશન વખતે માતા-પિતાના આધાર કાર્ડ અને રહેઠાણના પુરાવા પણ આપવાના છે.  માતા-પિતાના આધાર કાર્ડની ચકાસણી પણ ફરજિયાત કરાઈ છે અને કોર્ટ મેરેજની તમામ વિગતો માટે ખાસ  ઓનલાઈન પોર્ટલ શરૂ કરાશે. 

મીડિયાએ આ નવા નિયમો અત્યારથી અમલી બની ગયા હોય એવું ચિત્ર ઊભું કર્યું છે પણ વાસ્તવમાં ગુજરાત સરકારે નિયમોમાં સુધારો કરતાં પહેલાં લોકો પાસેથી વાંધા અને સૂચનો મગાવ્યાં છે. વાંધા અને સૂચનો 30 દિવસમાં મોકલી શકાશે. તેના પર વિચારણા કર્યા પછી નવા નિયમો અમલી બનશે પણ અત્યારથી જ ગુજરાતની ભાજપ સરકાર પર અભિનંદનોની વર્ષા થવા માંડી છે.  

ગુજરાત સરકારે ભાગેડુ લગ્નો રોકવા માટે નિયમોમાં સુધારો કરવાની જાહેરાત કરી છે પણ આ રીતે કહેવાતાં ભાગેડુ લગ્નોને રોકી ના શકાય. તેનું કારણ એ કે, આ દેશનું બંધારણ પુખ્ત વયનાં લોકોને પોતાની મરજીથી લગ્નની છૂટ આપે છે અને તેના માટે માતા-પિતાની સંમતિ જરૂરી નથી. ભારતમાં લગ્નની સ્વતંત્રતા મૂળભૂત અધિકાર છે. બંધારણની કલમ 21 (જીવન અને સ્વતંત્રતાનો અધિકાર) અને કલમ 19 માં જ્ઞાતિ કે ધર્મને ધ્યાનમાં લીધા વિના  પુખ્ત વયના લોકોને પરસ્પર સંમતિથી તેમના જીવનસાથી પસંદ કરવાનો અધિકાર  આપે છે. આ સંજોગોમાં આ નવા નિયમો સંપૂર્ણરપણે ગેરબંધારણીય છે. આ નિયમો હેઠળ રજિસ્ટે્રશન પછી માતા-પિતાને જાણ થાય તો પણ એ લોકો લગ્નને કાયદેસર રીતે રોકી જ ના શકે. અલબત્ત ધમપછાડા કરી શકે ને  દબાણ લાવીને લગ્નને રોકવા ઉધામા કરી શકે.  
  
ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ ફેરફારો કહેવાતી લવ જિહાદને રોકવા માટે હોય એવું ચિત્ર ઊભું કરવા ડાયલોગ ફટકાર્યો છે કે, લવ મેરેજ સામે વાંધો નથી પણ કોઈ સલીમ સુરેશ બનીને છોકરીઓને ફસાવે એ નહીં ચલાવી લેવાય. સંઘવી સાહેબની ભાવના સારી છે પણ તેના માટે નવો કાયદો બનાવવાની ક્યાં જરૂર છે ? કોઈ મુસ્લિમ છોકરો પોતાની ઓળખ છૂપાવીને ખોટું નામ ધારણ કરીને કોઈ હિંદુ છોકરીને ફસાવે તો તેની સામે પગલાં પણ લઈ શકાય છે અને આ રીતે ખોટી ઓળખ બતાવીને કરેલાં લગ્નને રદ્દબાતલ પણ કરાવી શકાય છે. ખોટી ઓળખ આપીને છોકરીને ફસાવનાર સામે છેતરપિંડી, ઓળખ ચોરી એટલે કે આઈડેન્ટિટી થેફ્ટ અને બીજી કલમો હેઠળ ક્રિમિનલ કેસ ચલાવી શકાય છે અને ઓછામાં ઓછી 10 વર્ષની સજા પણ કરાવી શકાય છે.  

ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી)માં છેતરપિંડીથી લગ્ન કરનાર સામે કલમ 496 હેઠળ કેસ ચાલતો અને 7 વર્ષ સુધીની સજા થતી પણ નરેન્દ્ર મોદી સરકારે આઈપીસીના સ્થાને બનાવેલા ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)માં તો સજાની જોગવાઈ વધારીને 10 વર્ષ સુધીની કરી દેવાઈ છે. ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ 69 હેઠળ તો કોઈ વ્યક્તિ ઓળખ છૂપાવીને શારીરિક સંબંધો બાંધે તો બળાત્કારનો ગુનો લાગુ પડે છે અને ઓછામાં ઓછી 10 વર્ષની સજા છે. મુસ્લિમ યુવકો હિંદુ યુવક બનીને છોકરીઓને ભોળવે છે ને પછી તેમની સાથે શરીર સંબંધો બાંધીને તેમને લગ્ન કરવાની ફરજ પાડે છે એવા આક્ષેપો થાય છે. આ પ્રકારની ઘટનાઓમાં ખોટું નામ ધારણ કરનારને 10 વર્ષ માટ અંદર કરવાની જોગવાઈ મોદી સરકારે પોતે જ કરી છે. 

ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 83 હેઠળ છેતરપિંડી કરીને કરાતાં લગ્ન ફોજદારી ગુનો છે. એ જ રીતે કોઈ વ્યક્તિ પહેલાંથી જ પરિણીત હોય અને  પહેલાં લગ્ન છુપાવીને બીજા લગ્ન કરે તો પણ  કલમ 82 (2) હેઠળ 10 વર્ષની સજાની જોગવાઈ છે. ભારતીય ન્યાય સંહિતામાં બીજી પણ ઘણી કલમો એવી છે કે જે લગાડીને કહેવાતી લવ જિહાદ કરનારાંને જેલમાં ધકેલી શકાય છે અને આકરી સજા કરાવી શકાય છે. 

આ બધા કાયદા પાછા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જ બનાવ્યા છે ને પહેલાં જે પણ છટકબારીઓ હતી એ બંધ કરીને કોઈ કાયદાને પાંગળો નથી રહહેવા દીધો. એ  છતાં કોઈ સલીમ સુરેશ બનીને છોકરીઓને ફસાવતો હોય ને તેને કશું ના કરી શકાતું હોય તો એ પોલીસની નિષ્ફળતા કહેવાય, રાજ્ય સરકારની નિષ્ફળતા કહેવાય. 

આ નિષ્ફળતા નવો કાયદો બનાવવાથી દૂર થશે એવું ઠસાવવા સરકાર મથે છે ત્યારે એક બીજી વાત પણ સમજવા જેવી છે. જેમણે પણ લવ મેરેજ અંગે માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરવાનો ઉપાડો લીધો છે તેમને તો તમામ પ્રકારનાં લવ મેરેજ સામે વાંધો છે. સલીમ ને સુરેશની વાતો કરીને આખી વાતને કોમવાદી રંગ અપાઈ રહ્યો છે પણ હિંદુઓમાં થતાં આંતરજ્ઞાતિય લગ્નો સામે તેમને તો વાંધો છે. સંકુચિત માનસિકતા ધરાવતાં આ લોકો એમ જ માને છે કે, પટેલની છોકરી પટેલમાં જ પરણવી જોઈએ ને રબારીની છોકરી રબારીમાં જ પરણવી જોઈએ ને ક્ષત્રિયની છોકરી ક્ષત્રિયમાં જ પરણવી જોઈએ. તેમને તો હિંદુઓમાં જ બીજી જ્ઞાતિના છોકરા સાથે કોઈ છોકરી પરણે એ પણ મંજૂર નથી. આવી વાત ચોખ્ખેચોખ્ખી કહેવા જાય તો હિંદુ એકતામાં ફાચર મારે છે એવું આળ આવે એટલે  સલીમને સુરેશની વાતો માંડીને બેસી ગયા છે. 

આ સંકુચિત માનસિકતા ધરાવતી જ્ઞાતિઓની મતબેંકો મોટી છે તેથી સરકાર તેમને નારાજ કરવા નથી માગતી. ગુજરાતમાં મહિના-બે મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ને એ વખતે આ મુદ્દો ચાલે તો ભાજપને ફટકો પડી જાય. ભાજપ અત્યારે ચૂંટણીમાં નુકસાન વહોરવા માગતો  નથી તેથી આ નિયમ બનાવવાની વાત સ્વીકારી લીધી છે.  

ગુજરાત સરકારે 30 દિવસમાં વાંધા-સૂચનો મંગાવીને નવા નિયમોનો અમલ કરવાનું નક્કી કર્યું છે તેથી 30 દિવસ પછી શું થાય છે એ જોવાનું છે. બંધારણીય રીતે આવા વાહિયાત નિયમો બનાવી જ ના શકાય પણ ચૂંટણીમાં ફાયદો મેળવવાના ઈરાદાથી ભાજપ સરકારે કરેલી જાહેરાતનો સુપ્રીમ કોર્ટ ડૂચો કરી નાંખે એ પણ શક્ય છે તેથી ધીરી બાપુડિયાં, આગે આગે દેખિયે હોતા હૈ ક્યા.