Wed Jul 29 2026

Logo

ગુજરાતમાં 5 એપ્રિલથી શરૂ થનારી વસતિ ગણતરી મોકૂફ, જાણો શું છે કારણ?

2026-04-03 14:09:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ચૂંટણી અને વસતિ ગણતરીની કામગીરી અટવાય નહીં તે માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ રાજ્યમાં 5 એપ્રિલથી શરૂ થનારી વસતિ ગણતરી મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

કેમ લેવામાં આવ્યો નિર્ણય

સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. વસતિ ગણતરીની કામગીરીમાં મોટાભાગે સરકારી શિક્ષકો અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ જોડાયેલા હોય છે. જો વસતિ ગણતરી અને ચૂંટણીની કામગીરી સાથે કરવામાં આવે તો વહીવટી તંત્ર પર ભારણ વધી શકે તેમ છે. આથી, ચૂંટણી પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી વસતિ ગણતરી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.

નવી તારીખ ક્યારે?

સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે 5 એપ્રિલથી શરૂ થનારી આ પ્રક્રિયા હવે પછીના આદેશ સુધી સ્થગિત રહેશે. વસતિ ગણતરી માટેની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અથવા અનુકૂળ સમયગાળામાં ફરીથી આ કામગીરી હાથ ધરવામાં આવશે.

નોંધનીય છે કે, વસતિ ગણતરી એ દેશ અને રાજ્યના વિકાસના આયોજન માટે અત્યંત મહત્વની પ્રક્રિયા છે, પરંતુ હાલમાં લોકશાહીના પર્વ સમાન ચૂંટણીને અગ્રતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં ક્યારે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે નામાંકન 6 એપ્રિલથી શરૂ થશે. 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો સહિત કુલ 393 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 26 એપ્રિલે મતદાન થશે. 28 એપ્રિલે પરિણામો જાહેર થશે.