Thu Jun 18 2026

Logo

રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ 'સ્પીડ'માં ગુજરાત, રાજ્યમાં કાર રજિસ્ટ્રેશન 50 લાખને પાર

2026-03-21 09:36:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. રાજ્યમાં કાર રજિસ્ટ્રેશનનો આંકડો 50 લાખને પાર થઈ ગયો છે. ગુજરાતમાં આ દર રાષ્ટ્રીય સરેરાશ કરતા નોંધપાત્ર રીતે ઘણો વધારે છે. ગુજરાત સરકારના સામાજિક-આર્થિક સમીક્ષા મુજબ, 31 માર્ચ, 2025 સુધીમાં રાજ્યમાં 49.5 લાખ કાર અને જીપ હતી. વાહન ડેશબોર્ડના ડેટા સૂચવે છે કે ત્યારપછી અંદાજે 3.5 લાખ વધુ કાર ઉમેરાઈ છે, જેનાથી રાજ્યમાં કારની કુલ સંખ્યા વધીને આશરે 53 લાખ થઈ ગઈ છે.

માથાદીઠ માલિકીમાં ગુજરાત મોખરે

આ આંકડા દર્શાવે છે કે ગુજરાત માત્ર કુલ કાર અને જીપની સંખ્યામાં જ અગ્રેસર નથી, પરંતુ માથાદીઠ માલિકીમાં પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણું આગળ છે. ગુજરાતમાં દર લાખની વસ્તીએ 6,735 કાર અને જીપ છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ દર લાખની વસ્તીએ 4,229 કાર અને જીપ છે.

રાજ્યની અંદાજિત વસ્તી 7.3 કરોડ છે, જ્યારે ભારતની અંદાજિત વસ્તી 141.3 કરોડ છે. રાષ્ટ્રીય સ્તરે કાર અને જીપની કુલ સંખ્યા 5.9 કરોડ છે. સમીક્ષા મુજબ, ગુજરાતમાં દર લાખની વસ્તીએ તમામ કેટેગરીના 47,177 વાહનો નોંધાયેલા છે. 31 માર્ચ, 2025 સુધીમાં ગુજરાતમાં કુલ 3.5 કરોડ નોંધાયેલા વાહનો હતા, જે રાજ્યમાં પર્સનલ મોબિલિટીનો વ્યાપ દર્શાવે છે.

ટોપ 5 રાજ્યોમાં સ્થાન

કુલ કારની સંખ્યામાં ગુજરાત દેશના ટોચના પાંચ રાજ્યોમાં સામેલ છે. 'વાહન' ડેશબોર્ડ મુજબ મહારાષ્ટ્ર 70.8 લાખ કાર સાથે મોખરે છે. ઉત્તર પ્રદેશ 55.5 લાખ કાર સાથે બીજા, ગુજરાત 53 લાખ કાર સાથે ત્રીજા,  કર્ણાટક 49.5 લાખ સાથે ચોથા અને  દિલ્હી 43.9 લાખ કાર સાથે પાંચમા ક્રમે છે.

તાજેતરના આંકડા મુજબ ગુજરાત કુલ કાર રજિસ્ટ્રેશનમાં કર્ણાટક અને દિલ્હીથી આગળ નીકળી ગયું છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં કારની માલિકીમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2020-21માં કાર અને જીપની સંખ્યા 36.9 લાખ હતી, જે 2024-25માં વધીને 49.5 લાખ થઈ છે, એટલે કે પાંચ વર્ષમાં 34.4% નો વધારો થયો છે. છેલ્લા એક દાયકામાં દર લાખની વસ્તીએ વાહનોની સંખ્યા 31,249 (2015-16) થી વધીને 47,177 (2024-25) થઈ છે, જે 51% નો વધારો સૂચવે છે.

વધારાના મુખ્ય કારણો

સૂત્રો આ વધારા પાછળ આર્થિક અને સામાજિક પરિબળોને જવાબદાર માને છે. ટ્રાફિક નિષ્ણાતના કહેવા પ્રમાણે,અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મુખ્ય શહેરોની સીમાઓ વિસ્તરી રહી છે અને મર્યાદિત જાહેર પરિવહનને કારણે વધુ પરિવારો ખાનગી વાહનો તરફ વળ્યા છે.

આ ઉપરાંત GIDC સાથે જોડાયેલા વિસ્તારોમાં વધતી આવકને કારણે લોકો નડિયાદ, વડોદરા અને પાદરા જેવા નજીકના શહેરો વચ્ચે અવરજવર માટે કારનો ઉપયોગ કરે છે. તેમજ ગ્રામીણ વિસ્તારોમાં જમીનના ભાવ વધતા લોકોની આર્થિક સ્થિતિ સુધરી છે, જેથી વધુ પરિવારો કાર ખરીદી રહ્યા છે.

RTO અધિકારીઓના મતે લગભગ 80% કાર ખરીદદારો લોન લેવાનું પસંદ કરે છે કારણ કે સસ્તા વ્યાજદરે ધિરાણ ઉપલબ્ધ છે. બાકીના રોકડમાં ખરીદી કરે છે. આ ઉપરાંત  ઓટોમેટિક ટ્રાન્સમિશન ને કારણે ડ્રાઇવિંગ સરળ બન્યું છે, જેનાથી મહિલાઓ અને યુવા ખરીદદારો ટુ-વ્હીલરથી કાર તરફ વળ્યા છે.