ભુજ: ગુજરાતના ભુજમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની(પીજીવીસીએલ)ના ભુજ વર્તુળ કચેરી હેઠળ વીજબીલના બાકી લેણા પેટે 68. 25 કરોડ રૂપિયા ગ્રાહકો પાસેથી લેવાના બાકી છે. જેના પગલે પીજીવીસીએલ દ્વારા આગામી 25 ફેબ્રુઆરીના મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજશે. જેમાં બાકી વીજ લેણું વસૂલવા માટે ગ્રાહકોના વીજ જોડાણ કાપવા માટે ભુજ વર્તુળ કચેરી હેઠળની 20 પેટા વિભાગીય કચેરીમાં મેગા ડિસકનેક્શન ડ્રાઇવનું બુધવાર 25 ફેબ્રુઆરીનાં આયોજન કરાયું છે.
વીજગ્રાહકોનાં જોડાણનો પુરવઠો સ્થળ પર જ કાપવામાં આવશે
પીજીવીસીએલે બિલ ન ભરનારા ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ બાકી રહેતું વીજલેણું તાત્કાલિક ભરી નાખે અન્યથા આ ઝુંબેશમાં તેમનાં જોડાણ કાપી નાખવામાં આવશે. આ મહાઝુંબેશમાં વાણિજ્ય,ઔદ્યોગિક, રહેણાક અને ખેતીવાડી સહિતનાં વીજ-જોડાણને આવરી લેવામાં આવશે. પીજીવીસીએલની ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતા ગ્રાહકોમાં રહેણાક,વાણિજ્ય, ઔદ્યોગિક, ખેતીવાડી વિગેરે વીજ જોડાણોમાં મોટી રકમ ગ્રાહકો દ્વારા ભરપાઈ કરવાની બાકી છે. આ મેગા ડિસકનેક્શન ડ્રાઈવમાં આવતી ભુજ વર્તુળ કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીઓમાં ડ્રાઈવ સમયે બાકી વીજબિલનાં લેણાં ધરાવતા વીજગ્રાહકોનાં જોડાણનો પુરવઠો સ્થળ પર જ કાપવામાં આવશે.
ગ્રાહકોએ નિયમ અનુસાર રિ-કનેક્શન ચાર્જ ભરવો પડશે
આ કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપર કોઈ પણ નાણાં સ્વીકારવામાં કે વસૂલવામાં આવશે નહીં. વીજ પુરવઠો કપાઈ ગયા પછી ગ્રાહકે સંબંધિત પેટા વિભાગીય કચેરીમાં જઈને 100 ટકા લેણાંની રકમ ભરપાઈ કરવાની રહેશે. તેમજ ગ્રાહકોએ નિયમ અનુસાર રિ-કનેક્શન ચાર્જ ભરી અને જરૂરી ઇ-કેવાયસી રજૂ કરવાના રહેશે. જયારે બાકી લેણાંની રકમમાં અધૂરી રકમ સ્વીકારવામાં આવશે નહીં. જ્યાં સુધી બાકી લેણાંની પૂરી રકમ ભરપાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી વીજ-જોડાણ ચાલુ કરવામાં આવશે નહીં.
20 પેટા વિભાગીય કચેરીઓમાં આ આયોજન
વીજ બિલનાં બાકીનાં નાણાંની વસૂલાત માટે ભુજ વર્તુળ કચેરી હેઠળના 20 પેટા વિભાગીય કચેરીઓમાં આ આયોજન કરાયું છે. બાકી વીજ બિલની રકમ ધરાવતા ગ્રાહકો વીજ પુરવઠો બંધ થાય નહીં તે માટે બાકી વીજ બિલનાં લેણાંની રકમ તાત્કાલિક સ્થાનિક પેટા વિભાગીય કચેરીમાં અથવા ઓનલાઇન વિવિધ માધ્યમો દ્વારા ભરપાઈ કરી આપે તેવી અપીલ વીજ તંત્ર દ્વારા કરવામાં આવી છે.