ઝાડેશ્વર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ આપતા રૂ. 1247.57 કરોડના 73 વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત તેમજ રૂ. 102 કરોડના 66 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી ભરૂચના નાગરિકોને કુલ અંદાજિત રૂ. 1350.68 કરોડના કુલ 139 વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય, રોડ નેટવર્ક, ખેતી, ઉદ્યોગ જેવા વિકાસના કોઈપણ કામ માટે નાણાની ક્યારેય કમી ન રહે તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને એક્સલન્સ સુધી અને પ્લેગ્રાઉન્ડથી લઈને પ્લગ એન્ડ પ્લે સુધીનો સર્વગ્રાહી વિકાસ થઈ રહ્યો છે, ત્યારે શહેર-જિલ્લામાં જનપ્રતિનિધિઓની નવા વિકાસકામો માટેની રજૂઆત, લાગણી અને માંગણીને પૂર્ણ કરવા રાજ્ય સરકાર હરહંમેશ તત્પર છે.
ઈઝ ઓફ લિવિંગમાં નોંધપાત્ર વધારો કરશે
ભરૂચના ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર સંકુલમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ભરૂચ જિલ્લામાં આજે લોકાર્પિત અને ખાતમુહૂર્ત થયેલા માતબર રકમના પ્રોજેક્ટ્સ નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં નોંધપાત્ર વધારો કરશે. માળખાગત સુવિધાઓથી લઈને શિક્ષણ અને આરોગ્ય સુધીના તમામ ક્ષેત્રોમાં થયેલા આ કામો ભરૂચના વિકાસમાં ચાવીરૂપ બનશે.
ભરૂચ જિલ્લાના વિકાસમાં ચાવીરૂપ બનશે
પૂણ્ય સલિલા મા નર્મદાના પાવન તટેથી કરોડોના વિકાસકામોની ભેટ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ભરૂચ જિલ્લામાં આજે લોકાર્પિત અને ખાતમુહૂર્ત થયેલા આ પ્રોજેક્ટ્સ નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં નોંધપાત્ર વધારો કરશે માળખાગત સુવિધાઓથી લઈને સ્પોર્ટ્સ, પરિવહન, શિક્ષણ અને આરોગ્ય સુધીના તમામ ક્ષેત્રોના શ્રેણીબદ્ધ પ્રકલ્પો ભરૂચ જિલ્લાના વિકાસમાં ચાવીરૂપ બનશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવું સરળ બનશે
ઔદ્યોગિક હબ તરીકે ઉભરેલા ભરૂચના વિકાસને વધુ વેગવાન બનાવવા સાથે ભરૂચની એર અને રોડ કનેક્ટિવિટી વધારવા માટે મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતા કહ્યું કે, ભરૂચ, અંકલેશ્વર, દહેજ અને સાયખા જેવા ઔદ્યોગિક વિસ્તારોને વૈશ્વિક સ્તરે જોડવા માટે અંકલેશ્વરમાં એરપોર્ટ ડેવલપમેન્ટનું કામ શરૂ કરાયું છે. અંકલેશ્વર-રાજપીપળાના 44 કિમી લાંબા રોડને રૂ.760 કરોડના ખર્ચે હાઇ-સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ કરવાની કામગીરીનો આરંભ થયો છે, જેનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) સુધી પહોંચવું સરળ બનશે. લોજિસ્ટિક્સ સુવિધા માટે ભરૂચ-દહેજ રોડને એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસવે બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
નર્મદાની પરિક્રમા કરતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા વધી
વિશ્વમાં ગ્લોબલ કેમિકલ હબ તરીકે ખ્યાતિપ્રાપ્ત ભરૂચ જિલ્લાના જંબુસરમાં એક હજાર એકરમાં દેશનો પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક આકાર લઈ રહ્યો છે એમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભરૂચ, નેત્રંગ, રાજપારડી અને જંબુસર ખાતે રૂ. 50 કરોડના ખર્ચે બનનારા કોમર્શિયલ શોપિંગ સેન્ટર કમ રેસ્ટ હાઉસ સ્થાનિક વેપાર અને મુલાકાતીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. મા નર્મદાની પરિક્રમા કરતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભરૂચ અને ઝઘડિયામાં 8 અલગ-અલગ સ્થળોએ વિશ્રામ હોલના નિર્માણથી શ્રદ્ધાળુઓ માટે પરિક્રમા વધુ આરામદાયક બનશે.
વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.