અમદાવાદઃ ગુજરાતીઓની ઓળખ વેપારી પ્રજા અને શેરબજારમાંથી કમાણી કરતાં લોકો તરીકેની છે. હાલ શેરબજારમાં મંદીનો માહોલ છે. એક મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલા ઈરાન યુદ્ધના કારણે ગુજરાતીઓ સહિત દેશભરના રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. માર્ચ મહિનાને બાદ કરતાં શેરબજારમાં મોટાભાગે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રથમ વખત ગુજરાત મહારાષ્ટ્રને પછાડીને SME IPO લિસ્ટિંગમાં આગળ નીકળી ગયું હતું.
ગુજરાતની કેટલી કંપનીઓએ SME IPO કર્યા લોન્ચ
NSE Emerge અને BSE SME ના ડેટા પ્રમાણે નાણાકીય વર્ષ 2026માં ગુજરાત સ્થિત 59 કંપનીઓએ SME IPO નો માર્ગ અપનાવ્યો હતો, જે મહારાષ્ટ્રની 55 કંપનીઓ કરતા વધુ છે. રાજ્યએ વાર્ષિક ફંડ એકત્ર કરવામાં પણ અત્યાર સુધીનો સર્વોચ્ચ આંકડો નોંધાવ્યો હતો.
ફંડ એકત્ર કરવામાં મહારાષ્ટ્ર મોખરે
ગુજરાતના SMEs એ ₹2275 કરોડ એકત્ર કર્યા છે, જે FY25 માં ₹1973 કરોડ અને FY24 માં ₹1509 કરોડ હતા. જોકે, મહારાષ્ટ્ર ₹3148 કરોડ સાથે ફંડ એકત્ર કરવામાં હજુ પણ પ્રથમ સ્થાને છે, પરંતુ ગુજરાતનો ઉદય SME સેગમેન્ટમાં તેના વધતા વર્ચસ્વનો સંકેત આપે છે.
ગુજરાતના કુલ આંકડામાંથી, NSE Emerge પર લિસ્ટેડ 22 કંપનીઓએ ₹992 કરોડ અને BSE SME પર લિસ્ટેડ 37 કંપનીઓએ ₹1283 કરોડ ઉભા કર્યા હતા. સમગ્ર ભારતની વાત કરીએ તો, FY26 માં 257 કંપનીઓએ SME IPO દ્વારા કુલ ₹11,658 કરોડ એકત્ર કર્યા છે, જે FY25 માં 241 કંપનીઓ દ્વારા મેળવેલા ₹9811 કરોડ કરતા વધુ છે. આ યાદીમાં દિલ્હી 41 લિસ્ટિંગ સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું.
સૂત્રો ગુજરાતની આ સિદ્ધિ પાછળ પાછળ મજબૂત ઔદ્યોગિક આધાર અને રોકાણકારોના ઉત્સાહને જવાબદાર માને છે. સૂત્રોના કહેવા પ્રમાણે, ગુજરાત SME IPO માટે પાવરહાઉસ બની ગયું છે. ઐતિહાસિક રીતે મહારાષ્ટ્ર લાર્જ-કેપ લિસ્ટિંગમાં મોખરે રહ્યું છે, પરંતુ ગુજરાતમાં SME પ્રત્યેનો આકર્ષક માહોલ રાજ્યની આક્રમક નીતિ અને નાના વ્યવસાયિકોના મૂડી પ્રત્યેના બદલાયેલા દૃષ્ટિકોણનું મિશ્રણ છે. SME IPO માટે પરિપક્વ નાના વ્યવસાયોની જરૂર હોય છે અને ગુજરાતના ઔદ્યોગિક ક્લસ્ટરો આ જરૂરિયાત પૂરી પાડે છે, જે ફંડ મળ્યા પછી SMEs માટે વૃદ્ધિની પ્રબળ શક્યતાઓને સુનિશ્ચિત કરે છે.
આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે, ગુજરાત અને મહારાષ્ટ્રના ઉદ્યોગસાહસિકો મૂડીબજારને વધુ સારી રીતે સમજે છે અને આ જ મુખ્ય કારણ છે કે બંને રાજ્યો આ સેગમેન્ટમાં અગ્રેસર છે. SEBI અને સ્ટોક એક્સચેન્જોએ SME IPO માટે કડક નિયમો અમલમાં મૂક્યા છે, જેમાં છેલ્લા ત્રણ વર્ષમાંથી બે વર્ષ માટે લઘુત્તમ ₹1 કરોડનો ઓપરેટિંગ પ્રોફિટ હોવો અનિવાર્ય છે. આનાથી રોકાણકારો કંપનીઓની ગુણવત્તા બાબતે વધુ સુરક્ષિત અનુભવે છે. કડક નિયમો અને છેલ્લા ક્વાર્ટરમાં નબળી ગતિ હોવા છતાં, ગુજરાતે સમગ્ર વર્ષ દરમિયાન વૃદ્ધિ નોંધાવી છે.