Sun Mar 08 2026

Logo

ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા ‘ટ્રેડ ડિલ હટાવો, કિસાન બચાવો’ના પોસ્ટર સાથે વિધાનસભા પહોંચ્યાં

2 weeks ago
Author: MayurKumar Patel
Article Image

 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આશરે 21 મિનિટ સુધી ગૃહને સંબોધન કર્યું હતું.પોતાના પ્રવચનમાં રાજ્યપાલે રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, કૃષિ વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબ કલ્યાણ માટેના પ્રયાસોનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા ‘ટ્રેડ ડિલ હટાવો, કિસાન બચાવો’ના પોસ્ટર સાથે વિધાનસભા પહોંચ્યાં હતાં.રાજ્યપાલના સંબોધન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ ‘ખેડૂતોનું દેવું માફ કરો’ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના મુદ્દે સરકાર પર દબાણ બનાવવા માટે કોંગ્રેસે ગૃહમાં અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે ભાજપના ધારાસભ્યોએ પાટલીઓ ખખડાવી વિરોધનો જવાબ આપ્યો હતો. ગૃહમાં થોડો સમય તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.

ગોપાલ ઈટાલિયાએ કહ્યું, અમેરિકાના દબાણમાં આવીને ભારત સરકારે ટ્રેડ ડીલ કરી. અમેરિકાને ફાયદો થાય અને ગુજરાત સહિત પૂરા ભારતના ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગોને નુકસાન થાય એવી એક તરફી ટ્રેડ ડીલ કરવામાં આવી. ભારત સરકાર અમેરિકા સામે સરેન્ડર થઈ.  પહેલા ભારતની વસ્તુઓ પર અમેરિકામાં 0% ટેક્સ હતો હવે 18% ટેક્સ લાગશે. ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ તેનો AAP સખત શબ્દોમાં વિરોધ કરે છે.

રાજ્યના પ્રથમ બજેટનું કદ 115 કરોડ રૂપિયા હતું

ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ, 1960ના રોજ રજૂ થયું હતું. 1 મેના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. જેના કારણે સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટ મહિનામાં રજૂ થયું હતું. ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયાનું હતું. જે બાદ બજેટના કદમાં સતત વધારો થઈ રહ્યો છે.  ગયા વર્ષે, નાણાં પ્રધાન કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે₹ 3,32,465  કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, આ વર્ષે રાજ્યનું બજેટ ₹4,00,000 કરોડને પાર કરી શકે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જો આ અંદાજ સાચો ઠરે તો ગુજરાતના ઈતિહાસમાં આ સૌથી મોટું બજેટ સાબિત થશે. ગત વર્ષની સરખામણીએ આશરે 15 ટકા વધારો નોંધાઈ શકે છે.