Sun Sep 06 2026

Logo

વિધાનસભામાં સીસીટીવીનો મુદ્દો ગાજ્યો: અમદાવાદ-ગાંધીનગરના અનેક પોલીસ સ્ટેશનમાં કેમેરા બંધ, સરકારે આપ્યો જવાબ...

2026-03-16 15:48:00
Author: Mayur Patel
વિધાનસભામાં સીસીટીવીનો મુદ્દો ગાજ્યો: અમદાવાદ-ગાંધીનગરના અનેક પોલીસ સ્ટેશનમાં કેમેરા બંધ, સરકારે આપ્યો જવાબ...

અમદાવાદઃ ચોરી, લૂંટફાટ, હત્યા જેવી ઘટનામાં CCTV મહત્વના પુરાવા છે. જોકે આ દરમિયાન ગુજરાત વિધાનસભામાં રાજ્યના પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરાનો મુદ્દો ગાજ્યો હતો. ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરાનો પ્રશ્ન પૂછ્યો હતો.  તેમણે પૂછ્યું કે, 31-12-2025ની સ્થિતિએ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં તાલુકાવાર કયા પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી  કેમેરા કયા કારણોસરથી બંધ હાલતમાં છે, તેના મેઈનટેનન્સ માટે બે વર્ષમાં કેટલો ખર્ચ કર્યો અને બંધ સીસીટીવી કેમેરા કયાં સુધીમાં ચાલુ કરવામાં આવશે?

જેનો જવાબ આપતાં નાયબ મુખ્યપ્રધાને કહ્યું, અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં 2, નિકોલ પોલીસ સ્ટેશનમાં 1, સરખેજ પોલીસ સ્ટેશનમાં 1, એમ ટ્રાફિક માં4, સાણંદમાં1, ડભોડાપોલીસ સ્ટેશનમાં 14 અને ગાંધીનગર સેકટર 21 પોલીસ સ્ટેશનમાં 2 સીસીટીવી કેમેરા બંધ છે. ગાયકવાડ અને નિકોલમાં ટેક્નિકલ ખામીનાકારણે, સરખેજમાં હાઈવે ડિમોલેશનના કારણે,એમ ટ્રાફ્કિમાં દબાણ આવતું હોવાથી કેમેરા  દૂર કર્યા હોવાથી, સાણંદમાં ટેકનિકલ ખામીના કારણે, ડભોડામાં એલઈડી બંધ હોવાના કારણે તથા સેક્ટર 21માં ટેક્નિકલ ખામીના કારણે સીસીટીવી બંધ છે. સીસીટીવી કેમેરા કંપનીની વોરંટી હેઠળ હોવાથી મેઈનટેનન્સ માટે કોઈ ખર્ચ થયો નથી.

આ ઉપરાંત વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનનમાં પડેલા ચોરીના ગુનામાં પકડાયેલા વાહનોની સંખ્યા 896 છે, જ્યારે પોલીસ સ્ટેશનમાં પડેલા અન્ય ગુનામાં પકડાયેલા વાહનોની સંખ્યા 5085 છે. આ પૈકી 2338 વાહનો મુળ માલિકોને છેલ્લા બે વર્ષમાં પરત સોંપવામાં આવ્યા છે.