Mon Oct 05 2026

Logo

ગુજરાત અને રાજસ્થાન ATS એ 25 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડ કરી, પાકિસ્તાન કનેક્શનની આશંકા

2026-04-08 22:33:29
Author: Vimal Prajapati
ગુજરાત અને રાજસ્થાન ATS એ 25 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડ કરી, પાકિસ્તાન કનેક્શનની આશંકા

અમદાવાદ/જૈસલમેર: ગુજરાત ATS અને રાજસ્થાન ATS એ સંયુક્ત રીતે મળીને એક મોટી કાર્યવાહી કરી છે. સંયુક્ત અને ગુપ્ત કાર્યવાહી દરમિયાન, બંને રાજ્યોના પોલીસ દળોએ આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન 5 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ મેથામ્ફેટામાઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂપિયા 25 કરોડની કિંમત હોવાનો અંદાજ છે.

ખાનગી બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી
​
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે  ગુજરાત ATS ને સરહદ પારથી આવતા માદક દ્રવ્યોના માલ અંગે બાતમી મળી હતી. આ ગુપ્ત બાતમીના આધારે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી હતી. આઓમાં રાજસ્થાન ATS ના સહયોગથી એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. બનાસકાંઠા-જૈસલમેર હાઇવે પર કડક નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન, એક શંકાસ્પદ કારને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જે કારની તપાસ કરવામાં આવી તેમાંથી  5 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન મળી આવતા પોલીસે ચોંકી ગઈ હતી. 

મેથામ્ફેટામાઇન સાથે બે આરોપીઓની ધરપકડ

પોલીસ દ્વારા 5 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન સાથે બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ બે આરોપીના નામ શંકરરામ અને સલમાન હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ ડ્રગ્સનો આ માલ પાકિસ્તાનથી ભારતમાં દાણચોરી કરવામાં આવ્યો હતો. તસ્કરોનો ઈરાદો તેને દેશના વિવિધ ભાગોમાં વહેંચવાનો હતો. 

જો કે, આરોપીઓની ઇચ્છા પૂરી થાય તે પહેલા જ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી અને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો. અત્યારે પોલીસે આરોપીઓ સાથે વધારે પુછપરછ કરી રહી છે, જેથી જાણકારી મળી શકે કે, પાકિસ્તાનમાં તેમનો મુખ્ય હેન્ડલર કોણ છે. આ લોકો કેવી રીતે ભારતમાં માલ લાવ્યા અને અહીં કોને પહોંચાડવાનો હતો?