Fri Aug 28 2026

Logo

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: ૩૧ GAS અધિકારીઓ અને પ્રભારી સચિવોની બદલી

2026-03-27 21:42:18
Author: Devayat Khatana
ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: ૩૧ GAS અધિકારીઓ અને પ્રભારી સચિવોની બદલી

અમદાવાદ, સુરત અને વડોદરાના પ્રભારી સચિવો બદલાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગરઃ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એંધાણ પૂર્વ વહીવટી તંત્રમાં બદલીનો દોર શરૂ થઈ ગયો છે. ગઈકાલે પોલીસ વિભાગની ભરતી બાદ રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો જોવા મળ્યા હતા. 

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવોની નિમણૂકમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. વહીવટી કારણોસર કરવામાં આવેલા આ ફેરફારો મુજબ, અમદાવાદ જિલ્લાના પ્રભારી તરીકે અગ્ર સચિવ એમ. થેન્નારસન, સુરત માટે  શાલીની અગ્રવાલ અને વડોદરા માટે ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત, ડૉ. વિનોદ રાવને ગાંધીનગર, પી. ભારથીને વાવ-થરાદ અને રાજ કુમાર બેનિવાલને કચ્છ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. 

તે ઉપરાંત ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ના ૩૧ જેટલા અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી. આ ફેરફારો અંતર્ગત કાજલ અંબાલિયાની અમદાવાદ કલેક્ટર કચેરીમાં અને તેજસ ચૌધરીની અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીમાં વહીવટી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે પ્રશાંત માંગુડાને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળમાં નાયબ સચિવ તરીકે જવાબદારી સોંપાઈ છે. 

આઈ.ટી. સંવર્ગના 41 આઈ.સી.ટી. અધિકારીઓની લોન સેવાના ધોરણે મોટાપાયે બદલી કરવામાં આવી હતી. આ ફેરફારો અંતર્ગત આશિષ ચૌધરીને વિકાસ કમિશનરની કચેરીમાં, શરદ કુંભારાણાને ગુજરાત જાહેર સેવા આયોગમાં અને મુકેશકુમાર નિનામાને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળમાં નિયુક્તિ આપવામાં આવી છે. 

આઈ.ટી. કેડરના પાંચ નાયબ નિયામકો દેવેન પંડ્યાને ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર, વસીમ મન્સુરીને ઇન્સેન્ટીવ અને શ્રધ્ધા જાનીને એડમીન શાખામાં સંયુક્ત નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અનિતા બી. દેસાઈની ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશનમાં અને  કલ્પેશ પટેલની ડીપટેક અને ટેલિકોમ વિભાગમાં સંયુક્ત નિયામક તરીકે વરણી કરી તેમને વધારાના હવાલાઓ પણ સોંપવામાં આવ્યા છે.

વધુ જુઓ...