સુરત : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના પગલે દેશ સહિત ગુજરાતમાં પણ ઈંધણનો પૂરવઠો ઘટયો છે. જોકે, આ દરમિયાન રાજય સરકાર સતત ઈંધણના પૂરવઠાની સમીક્ષા કરી રહી છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્યમાં હાલ ઈંધણનો પૂરતો પુરવઠો છે. તેમજ સરકાર નિયમ મુજબ તેનું વિતરણ પણ કરી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. આ ઉપરાંત રાજ્યમાં ગેસની કાળાબજારી કરી રહેલા તત્વોને પણ ચીમકી આપી છે અને કહ્યું છે સરકાર કાળાબજાર કરનારા વિરુદ્ધ કડક પગલાં લેશે.
ગેસ સપ્લાયને લગતા પ્રશ્નો બાબતે ઉચ્ચતરીય સમીક્ષા બેઠક યોજાઇ
આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરતના ICC સેન્ટર ખાતે સુરત તેમજ અંકલેશ્વર, વાપી, ભરૂચ સહિતની દક્ષિણ ગુજરાતના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે કામદારો, ગેસ સપ્લાયને લગતા પ્રશ્નો બાબતે ઉચ્ચતરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉદ્યોગ મંડળો અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગેસ સપ્લાય અને કારીગરોની વ્યવસ્થાઓ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
હર્ષ સંઘવીએ કહ્યું ગુજરાતમાં ઇંધણ અને અનાજનો પૂરતો જથ્થો | Harsh Sanghavi
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) March 28, 2026
ઇંધણ અને અનાજના જથ્થા અંગે અફવાઓથી દૂર રહો. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખાતરી આપી છે કે રાજ્યમાં પુરતો સ્ટોક છે અને સપ્લાય ચેઇન પર સરકારની સતત નજર છે. કાળાબજાર કરનારાઓ સામે લેવાશે કડક પગલાં #gujaratnews… pic.twitter.com/78qV29ed7Y
ઝડપથી પી.એન.જી. કનેકશનો આપવા માટે કંપનીઓ કાર્યરત
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજયમાં હાલમાં ગેસ, પેટ્રોલ, ડિઝલ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો ઉપલબ્ધ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ પુરવઠાની સપ્લાય કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જે સ્થળોએ પી.એન.જી. કનેકશનો હોય અને લોકો એલ.પી.જીનો ઉપયોગ કરતા હોય તેઓને ઝડપથી પી.એન.જી. કનેકશનો આપવા માટે ગુજરાત ગેસ કંપનીની અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત ગેસ કંપનીની મેઈન લાઈનોની નજીકના સ્થળોને સત્વરે કનેકશનો પુરા પાડવા જણાવ્યું હતું.
કામદારોને પાંચ કિલોગ્રામના ગેસ સિલિન્ડરની પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્થા
આ બેઠક બાદ મીડિયા પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અફવાઓને કારણે કારીગરોમાં ડર પેદા ન થાય તે માટે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ મંડળો દ્વારા ઇન્ડસ્ટ્રિયલ કિચન અને ભંડારાઓ દ્વારા શ્રમિકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે જે સરાહનીય છે. પાંડેસરા, વાપી, અંકલેશ્વર અને દહેજ જેવા વિસ્તારોની ઇન્ડસ્ટ્રીઝદ દ્વારા કારીગરો માટે રહેવા-જમવાની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા કારીગરો માટે પાંચ કિલોગ્રામના ગેસ સિલિન્ડરની પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
માહિતીને સમજયા વિના ફોરવર્ડ કરનાર વિરૂધ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવશે
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ફેલાતી ભ્રામક વાતો કે અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને કોઈપણ માહિતી સરકારી વિભાગ જોડે ટેલી કરવા જણાવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરે તેવી કોઈ પણ ખોટી માહિતીને સમજયા વિના ફોરવર્ડ કરનાર વિરૂધ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવશે. તેમજ કાળાબજાર કરનારાઓ પર નજર રાખવા માટે દરેક જિલ્લામાં અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે. જો કોઈ ગેસ બોટલ, પેટ્રોલ-ડીઝલ કે જીવન જરૂરિયાતની વસ્તુઓના કાળાબજાર કરશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.