અમદાવાદ: અમદાવાદના ચંડોળા ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના વર્કશોપના 14 જેટલા હેલ્પરો દ્વારા વિભાગીય યાંત્રિક ઈજનેર વિરુદ્ધ કરવામાં આવેલા ગંભીર ફરિયાદોથી ખળભળાટ મચી ગયો હતો અને આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હવે આ બનાવ અંગે નિગમે કાર્યવાહી કરીને યાંત્રિક ઈજનેર (DME) હિરેન જી. રાવલને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના અમદાવાદ ખાતે ફરજ બજાવતા વિભાગીય યાંત્રિક ઈજનેર (DME) હિરેન જી. રાવલ સામે ચંડોળા વર્કશોપના હેલ્પરો દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ આખરે એસ.ટી. નિગમે કડક કાર્યવાહી કરી છે. યોગ્ય સત્તાધિકારીના આદેશાનુસાર, ગંભીર પ્રકારની અનિયમિતતાઓ આચરવા બદલ એચ.જી. રાવલને તાત્કાલિક અસરથી એટલે કે તારીખથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ફરજ મોકૂફી હેઠળ (સસ્પેન્ડ) મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ વિવાદની વિગતો મુજબ, વર્કશોપ હેલ્પરો દ્વારા એચ.જી. રાવલ સામે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને જબરજસ્તીથી ઘરકામ કરાવવા, રજાના દિવસે પણ ઓન ડ્યુટી (OD) ભરીને ઘરે બોલાવવા અને ગાડી સાફ કરાવવા જેવા વ્યક્તિગત કામો કરાવવાના આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત, પીડિતોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારી દ્વારા તેઓને પરાણે દારૂ પીવડાવવામાં આવતો હતો અને નશાની હાલતમાં તેમના શરીર તથા પ્રાઇવેટ પાર્ટ પર અયોગ્ય રીતે હાથ ફેરવીને જાતીય શોષણ કરવામાં આવતું હતું. આ મામલે એક પુરુષ કર્મચારી સાથે અડપલાં કરતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થયો હતો, જે બાદ કર્મચારીઓએ દાણીલીમડા પોલીસ સ્ટેશન તેમજ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્કશોપના હેલ્પર અને અન્ય કર્મચારીઓ સાથે મારામારી થતાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, જેમાં આરોપી એચ.જી. રાવલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ જાહેરમાનમાં અપમાન કરવા, સ્વેચ્છાએ ગંભીર ઈજા પહોંચાડવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા તથા બળજબરીપૂર્વક અકુદરતી સેક્સ્યુઅલ એબ્યુઝ (જાતીય શોષણ) કરીને જીવનું જોખમ ઊભું કરવા બદલ પ્રથમ દ્રષ્ટિએ ગુનો સાબિત થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.