Tue Jul 28 2026

Logo

ગ્રીસ જવાનો પ્લાન છે? તો આ એક નાનકડી ભૂલને કારણે તમને ભરવો પડશે રૂપિયા 80,000નો દંડ...

2026-03-04 16:17:00
Author: Darshana Visaria
Article Image

હાઈ હિલ્સ એ દરેક માનુનીની વેનિટીનો એક મહત્ત્વનો હિસ્સો હોય છે. પગની સુંદરતા વધારવાની સાથે સાથે હિલ્સ માનુનીઓની શોર્ટ હાઈટની સમસ્યાને પણ દૂર થઈ જાય છે. પરંતુ શું તમને ખબર છે કે દુનિયાનો એક દેશ એવો પણ છે કે જ્યાં હાઈ હિલ્સ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? આ દેશમાં હિલ્સ પહેરવા પર સજા કરવાની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવી છે. ચાલો જાણીએ આ અનોખા દેશ વિશે અને હાઈ હિલ્સ પર પ્રતિબંધ મૂકવાના કારણ વિશે... 

અમે અહીં જે દેશની વાત કરી રહ્યા છીએ એનું નામ છે ગ્રીસ. જો તમે પણ ગ્રીસ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો કે તમારા બકેટ લિસ્ટમાં ગ્રીસ છે તો આ સમાચાર તમારા માટે જ છે. જો તમે ગ્રીસના ઐતિહાસિક સ્મારકો પર સ્ટાઈલિશ ફોટા પડાવવા માટે 'હાઈ હીલ્સ' (High Heels) પહેરવાનું વિચારી રહ્યા હોવ, તો સાવધાન! તમારી એક નાનકડી ભૂલ તમને જેલના સળિયા તો નહીં, પણ રૂપિયા 80,000 સુધીનો મોટો દંડ થઈ શકે છે.

ક્યારથી અને કેમ અમલમાં આવ્યો આ નિયમ?.

વાત કરીએ ગ્રીસ સરકાર દ્વારા આ નિયમ ક્યાંથી અને ક્યારથી અમલમાં આવ્યો એની તો ગ્રીસ સરકારે વર્ષ 2009માં પોતાના ઐતિહાસિક વારસાને બચાવવા માટે એક મોટું પગલું ભર્યું હતું. પુરાતત્વવિદોનું માનવું છે કે દર વર્ષે લાખો પ્રવાસીઓ જ્યારે પ્રાચીન સ્મારકોની મુલાકાત લે છે, ત્યારે તેમના પગરખાં દ્વારા પથ્થરો પર સતત ઘસારો થાય છે. ખાસ કરીને હાઈ હીલ્સ આ નાજુક પથ્થરોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

હાઈ હીલ્સ પાછળનું વૈજ્ઞાનિક કારણ

ગ્રીસ સરકાર દ્વારા આ નિયમ હવામાં કે મનમાની રીતે નથી લેવામાં આવ્યો. આ પાછળ વૈજ્ઞાનિક કારણ અને તથ્ય પણ છે. વૈજ્ઞાનિકો અને આર્કિઓલોજિસ્ટ્સ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ હાઈ હીલ્સ પહેરે છે, ત્યારે તેના શરીરનું આખું વજન હીલ્સના ખૂબ જ નાના ભાગ પર કેન્દ્રિત થાય છે. આ અતિશય દબાણને કારણે સદીઓ જૂના માર્બલ અને પથ્થરોમાં ઝીણી તિરાડો પડવા લાગે છે અને ધીમે ધીમે તે તૂટી પણ શકે છે.

કયા સ્થળો પર છે પ્રતિબંધ?

ગ્રીસની સૌથી પ્રખ્યાત અને ઐતિહાસિક જગ્યાઓ પર આ નિયમ કડક રીતે લાગુ થાય છે.આ ઐતિહાસિક જગ્યાઓમાં એથન્સનું એક્રોપોલિસ અને પાર્થિયન મંદિર, ડાયોનિસસનું થિયેટર, ઓડિયન ઓફ હેરોડ્સ એટિકસનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળો પર માર્બલ અને પથ્થરના ફ્લોર અત્યંત સંવેદનશીલ હોવાથી ત્યાં હીલ્સ પહેરીને ચાલવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

80,000 રૂપિયાનો દંડ

જો કોઈ પ્રવાસી કે સ્થાનિક નાગરિક સરકાર દ્વારા બનાવવામાં આવેલો આ નિયમનું ઉલ્લંઘન કરતાં પકડાય તો તેને 900 યુરો અંદાજે 80,000 રૂપિયા સુધીનો દંડ ફટકાવનાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરોક્ત જણાવવામાં આવેલા સ્મારકોની સુરક્ષા પ્રત્યે લોકો ગંભીર રહે એ માટે સરકારે આટલી મોટી સજા રાખી છે.

સિક્યોરિટી અને એન્ટ્રી

ઐતિહાસિક સ્મારકના ગેટ પર તહેનાત સિક્યુરિટી ગાર્ડ્સ પ્રવાસીઓના ફૂટવિયર ચેક કરે છે અને  જો તમે અયોગ્ય ફૂટવિયર પહેર્યા હશે, તો તમારી પાસે ટિકિટ હોવા છતાં તમને પ્રવેશ નકારવામાં આવી શકે છે. આ ઉપરાંત, ઐતિહાસિક સ્થળોની સપાટી ઘણીવાર લપસણી અને ખાડા-ટેકરા વાળી હોય છે, જ્યાં હીલ્સ પહેરીને ચાલવાથી અકસ્માત અને ઈજા થવાનો ભય પણ રહે છે.

છે ને એકદમ કામની માહિતી? તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે આ માહિતી શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો, આવી જ બીજી કામની જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...