(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકાના લાંબા અંતરાલ બાદ 'ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ' (ઘોરાડ)ના બચ્ચાનો જન્મ થયો હોવાનું વન પ્રધાન અર્જન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
કચ્છમાં ઘોરાડની વસ્તીમાં નર પક્ષીઓની ગેરહાજરીને કારણે માદા ઘોરાડ ઈંડા તો મૂકતી હતી, પરંતુ તે અફલિત રહેતા હતા. આ સમસ્યાના ઉકેલ માટે રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું લેવામાં આવ્યું. પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં આ ઈંડાને ૧૯ કલાક સુધી સતત રોડ માર્ગે મુસાફરી કરાવીને સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું. તા. ૨૨ માર્ચના રોજ કચ્છની માદા ઘોરાડના માળામાં રહેલા અફલિત ઈંડાને બદલે આ ફલિત ઈંડું મૂકવામાં આવ્યું. માદા ઘોરાડ દ્વારા આ ઈંડાનું કુદરતી રીતે સેવન કરવામાં આવ્યું અને તા. ૨૬ માર્ચના રોજ તેમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો હોવાની માહિતી રાજ્ય સરકારે આપી હતી.
હાલમાં ફિલ્ડ મોનિટરિંગ ટીમ દ્વારા માદા ઘોરાડ અને તેના બચ્ચાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સફળતા પાછળ 'જમ્પસ્ટાર્ટ એપ્રોચ' નામની અત્યાધુનિક સંરક્ષણ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો હોવાની માહિતી મોઢવાડિયાએ આપી હતી.