નવી દિલ્હીઃ સરકારે મેટા કંપની સામે આકરૂ વલણ અપનાવ્યું છે. કાયદાકીય પગલાં લઈને ભારતમાંથી કંપનીની મુશ્કેલી વધારી દીધી છે. સરકારે ઈન્સ્ટાગ્રામ સામે કડક પગલાં લેતા હવે નોટિસ ફટકારી દીધી છે. મૂળ મુદ્દો એ છે કે, બાળકો તથા યુવાનોના શોષણ તેમજ દુર્વ્યહાર સાથે જોડાયેલા કેટલાક કોન્ટેટના વિષય પર સરકારે મેટાને નોટિસ ફટકારી છે. ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના મંત્રાલય દ્વારા ઈન્સ્ટાગ્રામને આવી તમામ પ્રકારની જાહેરાત અને કોન્ટેટ પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરવા આદેશ આપ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે મેટા સાત દિવસનો સમય આ માટે આપ્યો છે. સાત દિવસમાં એક વિસ્તૃત જવાબ આપવા કહ્યું છે.
શું છે આખરે મામલો?
આ વિષય પર કેટલાક સંબંધીત સૂત્રો તરફથી વિગત એવી મળી છે કે, મેટાની કોન્ટેટ મોડરેશન શૈલી, જાહેરાતની સમીક્ષા અને પ્રક્રિયા તેમજ એ પ્લેટફોર્મની કેટલીક ગેરકાયદે કોન્ટેટ સામગ્રીની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીને વધારે પ્રભાવી બનાવવા માટે જે પગલાં લેવામાં આવી રહ્યા છે એમાંથી આ એક છે.
આ વિષય પર હાલમાં મેટા કંપની તરફથી ખાસ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. આ પહેલા પણ મંત્રાલયે કંપનીને સવાલ કર્યા હતા કે, ઈન્સ્ટાગ્રામ પર આ પ્રકારની જાહેરાત કેવી રીતે પ્રસારિત કરવી એ અંગે વિચાર કેમ નથી કરવામાં આવતો? સિક્યોરિટી હોવા છતા આ પ્રકારની જાહેરાત કેમ પોસ્ટ થઈ ગઈ.આવી જાહેરાત વિશાળ લોકો સુધી પહોંચે એ પહેલા તેને રોકવા માટે ક્યાં પ્રકારના પગલાં લેવામાં આવ્યા? ખાસ કરીને બાળકો-યુવાનોના શોષણને લગતા કોન્ટેટ પોસ્ટ થતા રોકવા કંપનીએ શું પગલાં ભર્યા?
વોટ્સએપ યુઝરનેમ અંગે સ્પષ્ટતા
માત્ર ઈન્સ્ટાગ્રામ જ નહીં વોટ્સએપ પર યુઝરનેમના વિષય ઉપર પણ સરકારે મેટા કંપનીને ત્રણ દિવસનો સમય આપ્યો હતો. આ દરમિયાન,મેટાની ટીમે વોટ્સએપ યુઝરનેમ ફીચર અંગે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી, વિગતવાર જવાબ આપવા માટે ત્રણ દિવસનો સમય માંગ્યો હતો. મંત્રાલયે મેટાને નોટિસ ફટકારી છે. ભારત સરકારે વોટ્સએપ યુઝરનેમ ફીચરના રોલઆઉટ પર કામચલાઉ રોક લગાવ્યાના થોડા સમય પછી આ ઘટના બની છે. તેના જવાબમાં, વોટ્સએપે સ્પષ્ટ કર્યું કે નવી યુઝરનેમ ફીચર સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે.
કંપની જણાવે છે કે ઓળખ ચોરી, ઓનલાઈન છેતરપિંડી અને અનિચ્છનીય સંપર્ક જેવા મુદ્દાઓ સામે રક્ષણ આપવા માટે તેના અમલીકરણ પહેલાં ઘણા સુરક્ષા પગલાં સામેલ કરવામાં આવ્યા છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરના અનેક પ્રશ્નોના જવાબમાં, કંપનીએ જણાવ્યું હતું કે કોઈપણ યુઝર્સ માટે યુઝરનેમ બનાવવું ફરજિયાત રહેશે નહીં.
કંપનીનું મૌનવ્રત
વધુમાં, Instagram અને Facebook પર પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા વપરાશકર્તાનામો - તેમજ જાહેર વ્યક્તિઓ, સરકારી સંસ્થાઓ અને મેટા વેરિફાઇડ એકાઉન્ટ્સના નામ - ફક્ત તેમના કાયદેસર માલિકો દ્વારા જ ઉપયોગમાં લઈ શકાય તે સુનિશ્ચિત કરવા માટે અનામત રાખવામાં આવ્યા છે. આ સાથે એક પિન નંબર પણ જનરેટ કરવામાં આવ્યો છે.
ફીચરની માત્ર નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. અમુક યુઝર્સ સુધી આ ફીચર પહોંચ્યું નથી. આવનાર દિવસોમાં પૂરતી સિક્યોરિટી વ્યવસ્થા સાથે આ ફીચર રોલઆઉટ થશે એવી અપેક્ષા હાલ તો રાખવામાં આવી રહી છે. માત્ર ઈન્સ્ટાગ્રામની જ વાત નથી, ફેસબુકમાંથી પણ કેટલીક ભ્રામક જાહેરાતને લઈને કંપની સામે કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે. જેની સામે કંપનીએ હજુ સુધી કોઈ ફોડ પાડ્યો નથી.