નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત થઈ છે. ગુજરાતથી ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, રતન ટાટાએ તેમની સંપત્તિનો મોટો હિસ્સો કેન્સર રોગીઓ માટે આપ્યો. કારનું સપનું હોય કે નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન તેઓ હંમેશા આગળ રહ્યા હતા. રતન ટાટાએ હંમેશા દેશ પ્રેમ પ્રથમ રાખ્યો હતો. તેઓ યુવા પેઢી માટે માર્ગદર્શક પણ હતા તેથી ભારત રત્ન આપવો જોઈએ.
ગુજરાતમાં 2024માં રાજયસભાની ચાર બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગોવિંદ ધોળકિયા સહિત જે પી નડ્ડા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ કરાયો હતો.

કોણ છે ગોવિંદ ધોળકિયા
78 વર્ષના ગોવિંદ ધોળકિયા અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે. તેમણે સૌરાષ્ટ્રમાં જળસંચય માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ધોળકિયા નરેન્દ્ર મોદીની નજીકના માનવામાં આવે છે.
હીરા ઉદ્યોગમાં રામકૃષ્ણ ડાયમંડ્સના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ મૂઠ્ઠી ઊંચેરું નામ ગણાય છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં એમણે આગવી કાર્યપદ્ધતિ અને આધ્યાત્મિક સ્વભાવને લઈ આગવી ઓળખ ઊભી કરી છે. મૂળ અમરેલીના દૂધાળાના વતની ગોવિંદભાઈએ સાઠના દાયકામાં નાની ઉંમરે હીરા ઘસવાથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને સંઘર્ષ કરી તળિયેથી ટોચે પહોંચી હીરાઉદ્યોગમાં ઈતિહાસ રચી દીધો હતો.

માત્ર સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી કોઠાસૂઝ અને પ્રામાણિકતાપૂર્વક SRK એમ્પાયર ઊભું કર્યું છે, જેમાં 6000થી વધુ લોકોને રોજગારી મળે છે. તેઓ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય સેવામાં એમનું મોટું યોગદાન રહ્યું છે. એક સફળ ઉદ્યોગપતિની જિંદગી ઝાકમઝોળથી ભરેલી હોય એવી માન્યતાને સાદગીભર્યું સિદ્ધાંતપૂર્વકની આગવી જીવનશૈલી અપનાવી ગોવિંદકાકાએ જીવન જીવવાની ફિલોસોફી એમનાં સામાજિક કાર્યોમાં દર્શાવી છે. તેમની આ સિદ્ધિને ધ્યાને લઈ અમદાવાદની ઈન્ડ્સ યુનિવર્સિટી દ્વારા એમને માનદ્ પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી. ડો.ગોવિંદભાઈ ધોળકિયા ભલે ઓછું ભણેલા હશે, પણ એમની કોઠાસૂઝ કોઈપણ કોર્પોરેટને શરમાવે એવા વ્યવસાયી છે.
2021માં સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડના યોગ ટીચર બ્રેઇન ડેડ જાહેર થતા તેમનું લીવર ગોવિંદભાઈ ધોળકિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.