નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયા સંઘર્ષ દરમ્યાન આયાતી રાંધણ ગેસનો સપ્લાય ઘટ્યા બાદ સરકારે ઘરેલુ એલપીજી ઉત્પાદન વધારવા માટે પહેલીવાર જુદીજુદી રિફાઇનરી એકમો અને તેલ-ગેસ કંપનીઓ માટે મહત્તમ ઉત્પાદન લક્ષ્ય નક્કી કર્યું છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના 13 ઓગસ્ટના આદેશ હેઠળ 21 રિફાઇનરી અને અપસ્ટ્રીમ કંપનીઓ માટે કુલ 63,810 ટન પ્રતિદિન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એસપીજી) ઉત્પાદન ક્ષમતા નિર્ધારિત કરવામાં આવી છે. તે 31 માર્ચ, 2026ના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષના ઘરેલુ એલપીજી ઉત્પાદનના બેગણાથી વધુ છે. સાથે જ આ આંકડો દેશની 70 ટકા દૈનિક વપરાશ બરાબર છે. આ લક્ષ્ય આપૂર્તિમાં કમીની સ્થિતિમાં લાગુ પડશે.
3.32 કરોડ ટન એલપીજીનો વપરાશ થયો
ભારતમાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન આશરે 3.32 કરોડ ટન એલપીજી (LPG) નો વપરાશ થયો હતો, જ્યારે ઘરેલુ ઉત્પાદન લગભગ 1.31 કરોડ ટન રહ્યું હતું. જેના કારણે આશરે 2.13 કરોડ ટન એલપીજીની આયાત કરવી પડી હતી. એટલે કે, દેશ તેની એલપીજી જરૂરિયાતનો 64 ટકા કરતાં વધુ હિસ્સો આયાત કરે છે.
સરકારનું આ પગલું એવા સંકટની પૃષ્ઠભૂમિમાં આવ્યું છે, જ્યારે પશ્ચિમ એશિયામાં સંઘર્ષના કારણે હોર્મુઝની ખાડીમાંથી એલપીજીની આયાત પ્રભાવિત થઈ હતી. તે સમયગાળા દરમિયાન ઘરેલુ એલપીજીનો પુરવઠો જાળવી રાખવા માટે રિફાઇનરી કંપનીઓએ ઉત્પાદન વધારવું પડ્યું હતું, વાણિજ્યિક અને ઔદ્યોગિક ગ્રાહકોને પુરવઠો મર્યાદિત કરવો પડ્યો હતો તથા ઘરેલુ ગ્રાહકો માટે સિલિન્ડર બુકિંગ (રિફિલ બુકિંગ)નો સમયગાળો લંબાવવા જેવા પગલાં લેવા પડ્યા હતા.
રિલાયન્સ માટે સૌથી વધુ મર્યાદા
નવા આદેશ હેઠળ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર ખાતે સ્થિત ઘરેલુ બજાર માટે સંચાલિત રિફાઇનરીને સૌથી મોટું લક્ષ્ય આપવામાં આવ્યું છે. તેણે જરૂર પડ્યે દરરોજ 18,000 ટન એલપીજીનું ઉત્પાદન કરવાનું રહેશે. જ્યારે, રશિયાની રોસનેફ્ટ સમર્થિત નાયરા એનર્જીની વાડીનાર રિફાઇનરી માટે દરરોજ 4,480 ટનનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
જાહેર ક્ષેત્રની 18 રિફાઇનરી એકમોને ભેગા કરીને દરરોજ 31,470 ટન એલપીજી ઉત્પાદનનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. રિલાયન્સની જામનગર ખાતેની માત્ર નિકાસ માટે જ સંચાલિત બીજી રિફાઇનરી માટે કોઈ લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું નથી.