Wed Apr 29 2026

Logo

પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ વધારવાનો સરકારનો નવો પ્રસ્તાવ: હવે E85 અને E100 ઈંધણ પર દોડશે વાહનો

2026-04-29 17:24:12
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નવું ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાં પેટ્રોલમાં ઈથેનોલ બ્લેંડિંગની માત્રા વધારવા અને E85 ફ્યૂલ ઉમેરવા માટેનો પ્રસ્તાવ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. આ પહેલા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ કાર કંપનીઓને ફ્યૂલના નવા અપડેશન માટે તૈયાર રહેવાની વાત જણાવી હતી. દેશમાં વધી રહેલી પેટ્રોલની કિંમત અને આયાત પરની નિર્ભરતાને ઓછી કરવા માટે સરકાર હવે એક મોટું પગલું ભરવા જઈ રહી છે. 

મોટા ફેરફાર થવાના એંધાણ

કેન્દ્ર સરકાર એક ડ્રાફ્ટ નોટિફિકોશન જાહેર કર્યું છે, જેમાં પેટ્રોલમાં વધુ માત્રામાં ઈથેનોલ મિક્સ કરવાના નિયમને લાગુ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. હવે આ નિયમ લાગુ થઈ ગયો તો આવનારા દિવસોમાં કાર સંપૂર્ણ રીતે ઈથેનોલ ઉપર પણ દોડશે. પરિવહન મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર 27 એપ્રિલના રોજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત એક ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું હતું.

આ નોટિફિકેશનનો હેતુ ઈમિશન સાથે જોડાયેલા નિયમો, ફ્યૂલ ક્લાસિફિકેશન અને હાઈ ઈથેનોલ બ્લેડ સાથે જોડાયેલા કેટલાક ટેકનિકલ પરિબળોમાં ફેરફાર કરવાનો છે. આ પ્રસ્તાવમાં સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989માં સંશોધિત  E85 અથવા E100 સુધી ફ્યૂલ માટે વ્હીકલ સ્ટાન્ડર્ડ સામેલ કરવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પહેલા આ મર્યાદા E85 સુધી જ સીમિત રહી હતી. 

જોગવાઈઓ સ્પષ્ટ કરવામાં આવી

આ બદલાવ અંતર્ગત પેટ્રોલ સાથે ઈથેનોલના મિશ્રણની મર્યાદા E10થી વધીને E20 સુધી કરવામાં આવી રહી છે. આ સાથે B100 બાયોડીઝલ માટે પણ કેટલીક જોગવાઈઓ સ્પષ્ટ કરવામાં આવી છે. આનાથી એકવાત સ્પષ્ટ થાય છે કે, સરકાર હવે હાઈબ્લેંડ ફ્યૂલ પર સંપૂર્ણ રીતે સમર્થન આપીને નિયમ તૈયાર કરવાના મૂડમાં છે. સરકારે આ ડ્રાફ્ટ નોટિફિકેશનને હાલમાં પબ્લિક કોમેન્ટ માટે જાહેર કર્યું છે. સામાન્ય લોકો અને ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો આ મુદ્દા પર પોતાના મંતવ્યો મોકલી શકે છે. સરકારને તમામ પ્રકારના મતંવ્યો મળ્યા બાદ કોઈ મોટો અને અંતિમ નિર્ણય લઈ શકે છે. 

આયાત ઓછી કરવાનું લક્ષ્યાંક

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એપ્રિલ મહિનામાં દેશભરમાં E20 ફ્યૂલ લાગૂ કરવામાં આવ્યું હતું, જેમાં પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિશ્રિતને માન્યતા આપવામાં આવી હતી. હવે સરકાર આનાથી પણ આગળ એક ડગલું ભરવાના મૂડમાં છે. વધારે બ્લેંડિંગની દિશામાં સરકાર એક નિર્ણય કરવા જઈ રહી છે, જેનો હેતુ પેટ્રોલિયમ પ્રોડક્ટને લઈ થતી આયાતને ઓછી કરવાનો અને ધીમે ધીમે તે બંધ કરવાનો છે. વધારે ઈથેનોલ મિશ્રિત કરવાથી ક્રૂડ ઓઈલની જરૂરિયાત ઓછી થઈ જશે, જેનાથી દેશને આર્થિક મોરચે ઘણો ફાયદો થશે. પર્યાવરણ ઉપર પણ એની એક પોઝિટિવ ઈમ્પેક્ટ દેખાશે.

નવા ફ્યુઅલનો ઓપ્શન

હવે જો આ નિયમ લાગુ થઈ ગયો તો આવનારા દિવસોમાં લોકોને એક નવા પ્રકારના ફ્યુઅલનો ઓપ્શન મળી રહેશે, જોકે આના માટે વ્હીકલ્સમાં પણ મોટા ફેરફાર કરવા અનિવાર્ય છે જેથી જે તે વાહન વ્યવસ્થિત રીતે ઈથેનોલ પર દોડી શકે. આ બદલાવ ધીમે ધીમે લાગુ થશે પણ દેશની ફ્યૂલ સિસ્ટમમાં એક મોટું પરિવર્તન જોવા મળી શકે છે.

આ માટેની તૈયારીઓ પણ થઈ ચૂકી છે. ગત મહિને બજેટ સત્ર દરમિયાન લોકસભામાં વડા પ્રધાન મોદીએ ઈથેનોલ બ્લેંડિંગના ફાયદા ગણાવીને આ બિલ અંગે ઈશારો કર્યો હતો. મોદીએ સ્પષ્ટતા કરી હતી કે, હવે આપણે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ બ્લેંડિંગ કરી રહ્યા છીએ એનાથી વાર્ષિક સાડા ચાર કરોડ બેરલ ક્રૂડ પેટ્રોલ ઓછું આયાત કરવું પડે છે. 

કંપનીઓને કરી ટકોર

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ થોડા દિવસો પહેલા દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં આ ટ્રેડિશનલ ફ્યુઅલ પર દોડનારી ગાડીનું કોઈ ભવિષ્ય રહેશે નહીં. કાર અને ટુ વ્હિલર્સ બનાવતી કંપનીઓએ પણ કહ્યું હતું કે, ઓછામાં ઓછા સમયમાં બાયોફ્યૂલ તથા અન્ય વૈકલ્પિક ફ્યુઅલ તરફ શિફ્ટ થઈ રહ્યા છીએ. કંપની પણ આ માટે તૈયારીઓ કરે. પેટ્રોલ અને પેટ્રોલ સંબંધિત ઉત્પાદન ન માત્ર મોંઘા છે પણ દેશ માટે પણ ગંભીર સમસ્યાઓ બની રહ્યા છે.