નવી દિલ્હીઃ ભારત સરકારે ચીન સાથે જોડાયેલા વિદેશી રોકાણ (FDI) ની નીતિઓમાં એક મહત્વપૂર્ણ અને સંતુલિત મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સ્થાનિક ઇલેક્ટ્રોનિક્સ જાયન્ટ ડિક્સન ટેક્નોલોજીસ (ઇન્ડિયા) લિમિટેડ અને ચીની સ્માર્ટફોન કંપની વીવો મોબાઇલ ઇન્ડિયા (VMI) વચ્ચેના જોઈન્ટ વેન્ચર (JV) ને સત્તાવાર મંજૂરી આપી દીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ નવી ભાગીદારી હેઠળ ભારતમાં મોટા પાયે સ્માર્ટફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું ઉત્પાદન કરવામાં આવશે.
ડિક્સન ટેક્નોલોજીસના જણાવ્યા અનુસાર, ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના DPIIT (ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ) દ્વારા પ્રેસ નોટ-3 (2020) ના કડક નિયમોને આધીન રહીને આ મંજૂરી આપવામાં આવી છે.
શું છે પ્રેસ નોટ-3 નિયમ અને તેનું મહત્વ?
એપ્રિલ 2020 માં કોવિડ-19 મહામારી દરમિયાન સરકારે આ નિયમ લાગુ કર્યો હતો જેથી કોઈ વિદેશી કંપની ભારતીય કંપનીઓનું સસ્તામાં અધિગ્રહણ ન કરી શકે. ભારત સાથે જમીની સરહદ વહેંચતા દેશો (મુખ્યત્વે ચીન) માંથી આવતા કોઈપણ રોકાણ માટે સરકારની આગોતરી મંજૂરી લેવી ફરજિયાત બનાવવામાં આવી હતી. વર્ષ 2020 માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે સર્જાયેલા સૈન્ય તણાવ બાદ સુરક્ષાના કારણોસર આ નિયમ વધુ કડક કરાયો હતો.
ભારત હવે ચીન સાથે આર્થિક મોરચે નવી શરૂઆત
જો કે, વૈશ્વિક વેપાર સમીકરણો અને અમેરિકા સાથે બદલાતા વ્યાપારિક સંબંધો વચ્ચે, ભારત હવે ચીન સાથે આર્થિક મોરચે એક નવો અને વ્યવહારુ અભિગમ અપનાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ જોઈન્ટ વેન્ચર મુખ્યત્વે સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ માટે OEM તરીકે કામ કરશે. પરંતુ કંપનીનું નિયંત્રણ ભારતીય કંપનીના હાથોમાં રહેશે. સરકારના સુધારેલા રોકાણ નિયમો મુજબ, જે કંપનીમાં વિદેશી રોકાણ થાય છે, તેનું બહુમતી શેરહોલ્ડિંગ અને મેનેજમેન્ટ કંટ્રોલ હંમેશા ભારતીય નાગરિકો અથવા ભારતીય કંપનીઓ પાસે જ રહેશે. આનાથી વિદેશી ટેક્નોલોજી પણ દેશમાં આવશે અને રાષ્ટ્રીય સુરક્ષા અને નિયંત્રણ ભારતના હાથમાં અકબંધ રહેશે.
ટેક્સમાં રાહત અને ચીની પાવર કંપનીઓને છૂટછાટ
ગ્રીન સિગ્નલ આપવાની સાથે કેન્દ્ર સરકારે સ્થાનિક મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે ટેક્સ મોરચે પણ મોટી રાહતો આપી છે. નાણા મંત્રાલયે લિથિયમ-આયન સેલ બનાવવા માટે જરૂરી 85 કેપિટલ ગુડ્સ, ડિસ્પ્લે એસેમ્બલી અને વાયરલેસ ચાર્જિંગ માટેના રો મટિરિયલ પર લાગતી કસ્ટમ ડ્યુટીને માર્ચ 2029 સુધી નાબૂદ કરી દીધી છે. આનાથી ઓટોમોબાઈલ, મેડિકલ અને મોબાઈલ ઉદ્યોગને મોટો ફાયદો થશે.
આત્મનિર્ભર ભારત અભિયાન વધુ મજબૂત બનશે
આ પહેલા ભારતીય નાણા મંત્રાલય દ્વારા ભારતમાં ફેક્ટરી ધરાવતી ચાર ચીની પાવર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ (TBEA એનર્જી, નાનજિંગ ઇલેક્ટ્રિક, ન્યૂ નોર્થઇસ્ટ ઇલેક્ટ્રિક અને તાઈકાઈ ઇલેક્ટ્રિક) ને સરકારી ટેન્ડરોમાં ભાગ લેવા માટેના પબ્લિક પ્રોક્યોરમેન્ટ (જાહેર ખરીદી) નિયમોના કડક રજીસ્ટ્રેશનના નિયમોમાંથી મુક્તિ આપી દેવામાં આવી હતી. આ નિર્ણયના કારણે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ દેશમાં મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવા અને વેલ્યુ એડિશન વધારવા માટે સરકાર વિદેશી સહયોગ અને સ્થાનિક નિયંત્રણ વચ્ચે એક મજબૂત સંતુલન બનાવી રહી છે.