(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરને જોડનારો ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટમાં અવરોધ ઊભા કરતા ૨૩૪ બાંધકામને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહીના ભાગ રૂપે અમર નગર, ખીંડીપાડામાં ૨૩૪ અનધિકૃત રહેણાંક અને કમર્શિયલ બાંધકામ દૂર કરવામાં આવ્યા છે.
ગોરેગાંવ-મુલુંડ લિંક રોડની લંબાઈ ૧૨.૨૦ કિમી છે. આ લિંક રોડ પરનું કામ ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવવાનું છે, તેમાં રોડ, અંડરગ્રાઉન્ડ ટનલ, ફ્લાયઓવર વગેરેનો સમાવેશ થાય છે. ‘ટી’ વોર્ડ (મુલુંડ) ડિવિઝન હેઠળના અમર નગર, ખીંડીપાડામાં લગભગ ૩૮૪ બાંધકામ લિંક રોડના બાંધકામમાં અવરોધ ઊભો કરી રહ્યા હતા. આ બાંધકામમાંથી ગયા અઠવાડિયે લગભગ ૧૫૦ કમર્શિયલ અને રહેણાંક બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. તો બાકીના ૨૩૪ બાંધકામ શુક્રવાર, પાંચ જૂનના દૂર કરવામાં આવ્યા હતા.

આ અતિક્રમણ દૂર કરવાની કામગીરી ડેપ્યુટી કમિશનર (ઝોન-૬) ના માર્ગદર્શન હેઠળ અને આસિસ્ટન્ટ કમિશનર યોગિતા કોલ્હેના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી હતી. પાલિકાના ૧૦ એન્જિનિયરે, પાલિકાના ૧૦૦ કર્મચારીઓ, ૧૫૦ ખાનગી કામદારો - કર્મચારીઓ સાથે બે પોકલેન મશીન, ચાર જેસીબી મશીન, ૧૦ ડમ્પર વગેરેનો સમાવેશ થાય છે. બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. મુલુંડ પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા ૫૦ પોલીસ કર્મચારીઓને સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા હતા.