Wed Sep 16 2026

Logo

કચ્છવાસીઓ માટે ખુશખબર: શુક્રવારથી ભુજ-દિલ્હી વચ્ચે ત્રીજી ટ્રેન દોડશે

2026-05-20 11:32:00
Author: Mumbai Samachar Team
કચ્છવાસીઓ માટે ખુશખબર: શુક્રવારથી ભુજ-દિલ્હી વચ્ચે ત્રીજી ટ્રેન દોડશે

ભુજઃ સરહદી જિલ્લા કચ્છથી દેશની રાજધાની દિલ્હી વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓ માટે વધુ એક સીધી રેલ સેવા શરૂ થવા જઈ રહી છે. લાંબા સમયથી સોશિયલ મીડિયા સહિત વિવિધ સ્તરે કરાતી લોક માંગને પગલે રેલવે વિભાગ દ્વારા આગામી ૨૨મી મે (શુક્રવાર)થી ભુજ-દિલ્હી નવી ટ્રેનને દોડાવવા માટે આખરી મંજૂરી આપી દેવામાં આવી છે. 

રેલવેના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી ૨૨મી મેના રોજ સાંજે ૫:૦૦ વાગ્યાના અરસામાં ભુજ રેલવે સ્ટેશન ખાતેથી પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રેય પાંડે આ નવી ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે, જેના માટે રેલવે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે.

ભુજથી દિલ્હી વાયા ભીલડી અને ઝાલોરના રૂટ પર દોડનારી આ ટ્રેન અંદાજે ૨૪ કલાકમાં દિલ્હી પહોંચશે. જાણકાર વર્તુળોના મતે, આ ટ્રેન ભુજથી સવારે ૧૧:૦૦ વાગ્યે રવાના થશે, જો કે તેનું સત્તાવાર આખરી સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરાશે. અત્યાર સુધી કચ્છથી દિલ્હી માટે માત્ર ભુજ-બરેલી અને ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા ટ્રેન જ ઉપલબ્ધ હોવાથી મુસાફરોનો ભારે ધસારો રહેતો હતો.
 
હવે આ ત્રીજી દૈનિક ટ્રેન શરૂ થવાથી અન્ય ટ્રેનો પરનું ભારણ ઘટશે અને પ્રવાસીઓને દિલ્હી ઉપરાંત રાજસ્થાનના વિવિધ શહેરો માટે પણ ઉત્તમ કનેક્ટિવિટી મળી રહેશે.

(ઉત્સવ વૈદ્ય)