અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન એવા ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘન મુદ્દે વિવાદ શરૂ થયો છે. ગીરમાં રાજભા ગઢવીને અપાયેલી વિવાદાસ્પદ મંજૂરી, ગીરમાં માઇનિંગ માટેની મંજૂરી તેમજ એક ગેરકાયદેસર રિસોર્ટ માટે કરવામાં આવેલી બિનખેતી જમીન જેવા મુદ્દે ગુજરાત રાજ્ય વન્યજીવન બોર્ડ (SBWL) ના પૂર્વ સભ્યોએ એક સંયુક્ત પત્ર લખીને ગીર પૂર્વ ડિવિઝનમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પાઠવેલા આ પત્રમાં ગીરના નાજુક ઇકોસિસ્ટમને બચાવવા માટે તાત્કાલિક અને નિષ્પક્ષ ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
આ સભ્યો દ્વારા પત્રમાં મુખ્ય ત્રણ ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. પ્રથમ મુદ્દામાં, રાજુલા નજીક આવેલા બાબરીયાકોટ રિઝર્વ ફોરેસ્ટની 75 હેક્ટર જમીનને માઇનિંગ (ખનન) હેતુ માટે ડાયવર્ટ કરવાની દરખાસ્તનો સખત વિરોધ કરાયો છે. સભ્યોના મતે આ વિસ્તાર 50 થી વધુ સિંહો અને શેડ્યૂલ-1 ના વન્યજીવોનું કાયમી નિવાસસ્થાન તથા મહત્વનો 'લાયન કોરિડોર' છે, જ્યાં માઇનિંગ માટે 5500 થી વધુ વૃક્ષો કાપવાનું આયોજન છે, જે પીએમ મોદીના સ્વપ્ન સમાન 'પ્રોજેક્ટ લાયન' અને 'એક પેડ મા કે નામ' અભિયાનની વિરુદ્ધ છે. બીજા મુદ્દામાં, લીલાપાણી નેસ વિસ્તારમાં એક લોક કલાકાર રાજભા ગઢવીને અગાઉના અધિકારીઓએ નકારેલી છતાં તાજેતરમાં અપાયેલી વિવાદાસ્પદ અને ગેરકાયદેસર માલધારી તરીકેની પર્યાવરણીય મંજૂરીનો ઉલ્લેખ છે, જે સરકારની માલધારીઓને ગીર બહાર વસાવવાની યોજનાથી તદ્દન વિપરીત છે.

ત્રીજા મોટા આક્ષેપ તરીકે, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામમાં આવેલા 'લિયોનિયા' નામના એક ગેરકાયદેસર રિસોર્ટનો પર્દાફાશ કરાયો છે. આ રિસોર્ટ માટે માત્ર રહેણાંક હેતુ માટે ખેતીની જમીન બિનખેતી (NA) કરાઈ હોવા છતાં તેનો વ્યાપારીક ઉપયોગ કરાઈ રહ્યો છે અને રિઝર્વ ફોરેસ્ટમાંથી ગેરકાયદેસર રસ્તો પણ અપાયો છે. સભ્યોએ ચેતવણી આપી છે કે હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં ગીર સંબંધિત બે જાહેરહિતની અરજીઓ પડતર હોવા છતાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવી એ અદાલતની અવમાનના સમાન છે, જે માનવ-વન્યજીવ સંઘર્ષ વધારે તેમ હોવાથી વર્ષ 2025 પછી અપાયેલી આવી તમામ વિવાદાસ્પદ મંજૂરીઓ પર કડક સુધારાત્મક પગલાં લેવાવા જોઈએ.