(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર પૂર્વમાં પ્રસ્તાવિત રમાબાઈ અને કામરાજ નગર સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ) પ્રોજેક્ટ માટે ૩૫ વૃક્ષો કાપવામાં આવવાના છે. તેની સામે માત્ર ૧૧ વૃક્ષને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવવાના છે, તેનો લગતો પ્રસ્તાવ મુંબઈ મહાનગરપાલિકાની ટ્રી ઓથોરિટી પર મંજૂરી માટે આવવાનો છે.
શુક્રવાર, ૧૪ ઓગસ્ટના રોજ ટ્રી ઓથોરિટીની બેઠકમાં ઝાડ કાપવા અને તેના ટ્રાન્સપ્લાન્ટ કરવાને લગતા પ્રસ્તાવ મંજૂરી માટે આવવાનો છે, જેમાં ઘાટકોપર વિલેજ નંબર ૧૯૪/બી (પાર્ટ), કામરાજ નગર ખાતેના પ્લોટને લગતી છે, જ્યાં ઝૂંપડપટ્ટી પુન:વિકાસ યોજના હેઠળ સૂચિત પુનર્વિકાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. પ્રસ્તાવ મુજબ સર્વેક્ષણમાં સાઇટ પર ૯૦ વૃક્ષ જોવા મળ્યા હતા, જેમાંથી ૪૬ પ્રોજેક્ટને લગતા ખોદકામ અને અન્ય કામોને કારણે અસર થવાની શક્યતા છે.
પાલિકાએ ૩૫ વૃક્ષ કાપવાનો, ૧૧ને ટ્રાન્સ્પ્લાન્ટ કરવાનો અને બાકીના ૪૪ વૃક્ષોને જાળવી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જે વૃક્ષો કાપવાના પ્રસ્તાવિત છે, તે વૃક્ષોમાં પીપળ, નારિયેળ, વરસાદી વૃક્ષ, બદામ, વિલાયતી ચિચ અને અન્ય પ્રજાતિઓનો સમાવેશ થાય છે. કેટલાક વૃક્ષો ૧૫ થી ૩૦ વર્ષની વચ્ચેના છે, જેમાં કેટલાકનો પરિઘ આઠ ફૂટ સુધીનો છે.
આ વૃક્ષ હટાવવામાં આવશે, તેની સામે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ આ વૃક્ષ કાપવાના ૧૫ દિવસની અંદર એ જ જમીન પર ૯૫૫ નવા વૃક્ષો વાવવાનું કામ હાથ ધર્યું છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે નવા વૃક્ષો ઓછામાં ઓછા છ ફૂટ ઊંચા હશે અને તેમાં સ્થાનિક પ્રજાતિઓ હશે.
નવા વૃક્ષોની રોપણી લગભગ ૨,૫૮૩ ચોરસ મીટર ખુલ્લી જગ્યામાં અને ૧,૨૩૪ ચોરસ મીટર મનોરંજનના મેદાન તરીકે આરક્ષિત છે. આ જગ્યાની આજુબાજુ વૃક્ષોની રોપણી કરવામાં આવવાની છે. આ પ્રસ્તાવ જાન્યુઆરી ૨૦૨૬ માં એમએમઆરડીએના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ૩૫ વૃક્ષો દૂર કરવા અને ૧૧ વૃક્ષો ફરીથી રોપવાની પરવાનગી માંગતી અરજીને અનુસરે છે. ત્યારબાદ એમએમઆરડીએના અધિકારીઓ દ્વારા સ્થળનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
પાલિકાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર (શહેરી વિસ્તારો) પ્રોટેકશન એન્ડ પ્રિઝર્વેશન ઑફ ટ્રીઝ એક્ટ, ૧૯૭૫ હેઠળ વૃક્ષની પરવાનગીની પ્રક્રિયા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ફેબ્રુઆરીમાં વાંધા અને સૂચનો આમંત્રિત કરતી એક જાહેરાત જારી કરવામાં આવી હતી, જેમાં વૃક્ષોને હટાવવાની દરખાસ્ત પર નોટિસ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.ટ્રી ઓથોરિટીને અધિનિયમની કલમ ૮(૩) હેઠળ પરવાનગી આપવા, શરતી રીતે મંજૂરી આપવા અથવા નકારવા વિનંતી કરવામાં આવી છે. દરખાસ્તમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પરવાનગી આપતા પહેલા નિયત ફી, ડિપોઝિટ અને વળતર ચૂકવવાનું રહેશે.