લોકમાન્ય તિલકે જ્યારે સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરી ત્યારે તેનો એકમાત્ર ઉદ્દેશ્ય સમાજને એક તાંતણે બાંધવાનો, જનજાગૃતિ ફેલાવવાનો અને રાષ્ટ્રીય ચેતના જગાડવાનો હતો. પરંતુ આજે ગલી-મહોલ્લાઓમાં નજર ફેરવીએ તો સ્પષ્ટ જણાય છે કે આપણે તિલકના એ ભવ્ય વિચારને સંપૂર્ણપણે વિસરી ચૂક્યા છીએ. આજનો ગણેશોત્સવ શ્રદ્ધા, સાદગી અને સમર્પણનો ઉત્સવ મટીને મંડળો વચ્ચેની પ્રતિષ્ઠાની લડાઈ, ઈવેન્ટ મેનેજમેન્ટ અને આંધળી હરીફાઈનો અડ્ડો બની ગયો છે.
ઊંચાઈની હરીફાઈ: ભક્તિ મોટી કે અહંકાર?
આજે મંડળો વચ્ચે સૌથી મોટો ઝઘડો એ વાતનો છે કે કોની મૂર્તિ કેટલી ઊંચી. "અમારી મૂર્તિ ૨૫ ફૂટની તો સામેવાળાની ૩૦ ફૂટની કેમ?" આ અહમ સંતોષવા માટે લાખો રૂપિયાનું અંધાધૂંધ આંધણ થાય છે. આકાશને આંબતી મૂર્તિઓ બનાવવાની લ્હાયમાં તંત્રના નિયમો, ટ્રાફિકની સમસ્યા, લાઈટના તાર કે પર્યાવરણની ચિંતાને સાવ નેવે મૂકી દેવામાં આવે છે.
વિસર્જન વખતે જ્યારે આ જ વિશાળકાય મૂર્તિઓને ક્રેનથી ખેંચવી પડે છે કે તારમાં અટવાઈને ખંડિત થતી જોવી પડે છે, ત્યારે પ્રશ્ન થાય છે કે આમાં આરાધ્ય દેવ પ્રત્યેનો આદર ક્યાં છે? કદ વધવાથી ક્યારેય ભક્તિ મોટી નથી થતી.

મૂળ સ્વરૂપ સાથે ચેડાં અને 'બેલેન્સિંગ' ગણપતિનું ઘેલું
છેલ્લા કેટલાક સમયથી કલાકારી અને નવીનતાના નામે ગણેશજીના પૌરાણિક, મંગલકારી અને આદરણીય સ્વરૂપ સાથે જે અખતરા થઈ રહ્યા છે તે અત્યંત ચિંતાજનક છે:
અભદ્ર પોઝ અને એક્રોબેટિક્સ:
એક આંગળી પર ઊભેલા, સાઇકલ ચલાવતા, ક્રિકેટ રમતા કે પછી એક પગ પર સમતોલન સાધતા 'બેલેન્સિંગ ગણપતિ' બનાવવાની જાણે સ્પર્ધા ચાલી રહી છે. અરે અનેક જગ્યાએ તો ગણેશપ્રતિમાઓ તો લિટરલી સિક્સ અને એઈટ પેકવાળી પણ બનાવવામાં આવે છે. અરે વિઘ્નહર્તાનું એક નામ લંબોદર છે અને એનો અર્થ છે કે જેનું ઉદર મોટું છે એ. ગજાનન એ બુદ્ધિ અને ગંભીરતાના દેવ છે, કોઈ સર્કસના કલાકાર કે શોપીસ નથી કે આપણે તેનું મૂળ સ્વરુપ બદલી નાખીએ. ગણેશજીના દરેક રૂપ અને મુદ્રાનો એક આગવો અર્થ છે.
સિનેમેટિક નકલ:
ક્યારેક ફિલ્મી હીરો કે સુપરહીરોના રૂપમાં તો ક્યારેક બાહુબલી કે પુષ્પાના અંદાજમાં બાપ્પાની મૂર્તિઓ ઘડાય છે. આ કલા નથી, પણ ભક્તોનીઆસ્થા સાથે કરવામાં આવતી ગંભીર છેડછાડ છે.
મૂળ શાસ્ત્રોક્ત ભાવ ગાયબ:
મોદક, પરશુ, અભયમુદ્રા અને મુષક સાથેનું જે પરંપરાગત, શાંત અને તેજસ્વી સ્વરૂપ મનને શાંતિ આપે છે, તેને વિસારીને સોશિયલ મીડિયા પર 'રીલ્સ' અને 'વાયરલ' થવા માટે વિકૃત કલ્પનાઓ થોપવામાં આવી રહી છે.
ગણેશોત્સવ માટે આપણે કહીએ છીએ કે અમારે ત્યાં બાપ્પાની સ્થાપના થાય છે, ગણપતિનું આગમન થાય છે, બિરાજમાન થાય છે જેનો અર્થ થાય છે કે બાપ્પા સુંદર મજાના સિંહાસન પર આરૂઢ થયેલા હોવા જોઈએ પણ આજના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં બાપ્પાનું એ સૌમ્ય સ્વરૂપ ખોવાઈ ગયું છે અને એનું સ્થાન આકરાળ વિકરાળ અને જોઈને પણ સવાલ થાય કે શું આ આપણા લાડકા બાપ્પા છે એવી મૂર્તિઓએ લઈ લીધું છે.
ડીજેનો ઘોંઘાટ અને કમર્શિયલ બજાર
જ્યાં મંત્રોચ્ચાર, અથર્વશીર્ષના પાઠ અને આરતીની ગૂંજ હોવી જોઈએ, ત્યાં આજે કાનના પડદા ફાડી નાખે તેવા ડીજે સિસ્ટમ પર અભદ્ર, દ્વિઅર્થી અને ફુવડ ફિલ્મી ગીતો વાગે છે. સ્પોન્સર્સના મોટા-મોટા હોર્ડિંગ્સ, વીઆઈપી પાસની લાઈનો અને દાન ઉઘરાવવાની પઠાણી રીતોએ ઉત્સવને વિશુદ્ધ કોર્પોરેટ ઈવેન્ટ બનાવી દીધો છે. દર્શન માટે પણ સામાન્ય ભક્ત અને વીઆઈપી વચ્ચે ભેદભાવ કરવામાં આવે છે, જે સીધો ગણેશજીના સમભાવના સિદ્ધાંત પર પ્રહાર છે.
આપણે એ વિચારવાની તાતી જરૂર છે કે ઉત્સવ કોના માટે છે? લાખો રૂપિયાના દેખાડા, વિકૃત પોઝવાળી મૂર્તિઓ અને કાન ફાડી નાખતા અવાજથી બાપ્પા પ્રસન્ન નહીં પણ વ્યથિત થતા હશે. સમય આવી ગયો છે કે આપણે આ હરીફાઈમાંથી બહાર નીકળીએ. માટીની નાની, સુંદર અને શાસ્ત્રોક્ત પ્રતિમા, ઘરમાં કે સોસાયટીમાં સાદગીભરી પૂજા અને સમાજ ઉપયોગી કાર્યો તરફ વળીએ. ઉત્સવનું માપ મૂર્તિની ઊંચાઈ કે ડીજેના અવાજથી નહીં, પણ હૃદયમાં રહેલા ભાવ અને ભક્તિથી નક્કી થવું જોઈએ.