Mon Sep 07 2026

Logo

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે હવે ઉડશે એર ટેક્સી, ગિફ્ટ સિટી પાસે બનશે આધુનિક હેલિપેડ

2026-03-22 15:39:00
Author: Mumbai samachar Team
ગાંધીનગર-અમદાવાદ વચ્ચે હવે ઉડશે એર ટેક્સી, ગિફ્ટ સિટી પાસે બનશે આધુનિક હેલિપેડ

ગાંધીનગર: ગુજરાતનું પાટનગર ગાંધીનગર હવે ગ્લોબલ બિઝનેસ હબ બનવા તરફ વધુ એક ડગલું આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી માત્ર સરકારી મહાનુભાવો અને VVIP મૂવમેન્ટ પૂરતી મર્યાદિત રહેલી હેલિકોપ્ટર સેવા હવે ટૂંક સમયમાં સમાન્ય નાગરિકો અને ઉદ્યોગપતિઓ માટે પણ ઉપલબ્ધ બનશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર પાટનગરમાં એક અત્યાધુનિક 'કોમર્શિયલ હેલિપેડ' વિકસાવવાની તૈયારી કરી રહી છે. આ પ્રોજેક્ટના અમલીકરણ સાથે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટીમાં ક્રાંતિ આવશે, જેનાથી પ્રવાસનો સમય મિનિટોમાં સિમિત થઈ જશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરની પરિવહન સુવિધાઓથી સજ્જ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અધિકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કોમર્શિયલ હેલિપેડ માટે ગિફ્ટ સિટી અથવા તેની આસપાસના વિસ્તારોમાં જગ્યાની પસંદગી કરવામાં આવી શકે છે. ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) દ્વારા આ માટે ટેકનિકલ ફિઝિબિલિટી સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. આ હેલિપેડની સૌથી મોટી વિશેષતા એ હશે કે અહીં 'નાઈટ લેન્ડિંગ'ની સુવિધા ઉપલબ્ધ હશે, જેના કારણે હેલિકોપ્ટર સેવા 24 કલાક કાર્યરત રહી શકશે. આ એર ટેક્સી સર્વિસ શરૂ થવાથી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધીનું અંતર જે રોડ માર્ગે 40 મિનિટ લે છે, તે હવે માત્ર થોડી જ મિનિટોમાં કાપી શકાશે. ખાસ કરીને વિદેશી રોકાણકારો અને મોટા ઉદ્યોગ સાહસિકો માટે આ સુવિધા સમય બચાવનારી સાબિત થશે.

આ નવું હેલિપેડ માત્ર મુસાફરી કે બિઝનેસ માટે જ નહીં, પરંતુ આરોગ્ય સેવાઓ માટે પણ અત્યંત મહત્વનું કેન્દ્ર બનશે. અહીંથી એર એમ્બ્યુલન્સ ઓપરેટ કરવા માટે વિશેષ માળખું ઊભું કરવામાં આવશે. ગંભીર રીતે બીમાર દર્દીઓને તાત્કાલિક અન્ય શહેરોની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં ખસેડવા માટે આ સેન્ટર જીવનરક્ષક સાબિત થશે. પાટનગરમાં વધતી જતી વસ્તી અને ટ્રાફિકની ગીચતા વચ્ચે મેડિકલ ઈમરજન્સીમાં ઝડપી પરિવહન માટે આ સુવિધા ખૂબ જ અનિવાર્ય હતી. આ ઉપરાંત, કુદરતી આપત્તિ કે અન્ય કટોકટીના સમયે પણ આ હેલિપેડનો વ્યાપક ઉપયોગ કરી શકાશે, જે પાટનગરની સુરક્ષા વ્યવસ્થાને પણ મજબૂતી આપશે.

રાજ્ય સરકાર આ પ્રોજેક્ટને પીપીપી (Public-Private Partnership) મોડલ પર વિકસાવવાનું વિચારી રહી છે, જેમાં ખાનગી ઓપરેટરોને પ્રોત્સાહન આપવામાં આવશે. કેન્દ્ર સરકારની 'ઉડે દેશ કા આમ નાગરિક' યોજના હેઠળ હેલિકોપ્ટર સેવાઓને વધુ સસ્તી અને સુલભ બનાવવાનો લક્ષ્યાંક છે, જેનો સીધો લાભ ગાંધીનગરને મળશે. રાજ્યના બજેટમાં પણ એર-કનેક્ટિવિટી વધારવા માટે કરોડોની જોગવાઈ કરવામાં આવી છે. વાયબ્રન્ટ ગુજરાત જેવી મોટી સમિટ્સ દરમિયાન વિદેશી મહેમાનોને એરપોર્ટથી સીધા ગાંધીનગર લાવી શકાશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે અને ગુજરાતના પર્યટન તેમજ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને નવી ઊંચાઈ મળશે