અમદાવાદ: થોડા દિવસ પહેલા વડોદરાના નર્મદા ભવનમાં થયેલી વાયરોની ચોરી બાદ હવે રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટર 25માં કાર્યરત અમૂલ ફેડ પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટમાંથી લાખો રૂપિયાની કિંમતના કોપર વાયરની ચોરી થવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. સુરક્ષિત મનાતા આ પ્લાન્ટના કમ્પાઉન્ડમાં મુકેલા ત્રણ ડ્રમમાંથી અજાણ્યા તસ્કરોએ રૂપિયા 7.16 લાખની કિંમતના વિવિધ સાઇઝના કોપર કેબલ વાયરોની ઉઠાંતરી કરી હોવાની પોલીસ ફરિયાદ ચોપડે નોંધાઈ છે. આ મામલે ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, અમૂલ ફેડ પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવતા અજીતકુમાર રાણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2024માં આયાત કરાયેલા કોપર કેબલ વાયરો પ્લાન્ટના કમ્પાઉન્ડમાં અલગ અલગ ત્રણ ડ્રમમાં મુકવામાં આવ્યા હતા. આ વાયરોને મુખ્ય ડેરી ભાટ ખાતે મોકલવાના હોવાથી, 7 ઓગસ્ટના રોજ તેઓ કોન્ટ્રાક્ટરને સાથે રાખીને આ વાયરોના ડ્રમ કેવી રીતે મોકલવા તે જોવા ગયા હતા. જોકે, ત્યાં પહોંચતા જ ત્રણેય ડ્રમ ખાલી હાલતમાં જોવા મળ્યા હતા. ચોરાયેલા મુદ્દામાલમાં મુખ્યત્વે 46 મીટરનો કોપર કેબલ કે જેની કિંમત રૂ.3,82,812 અને 68 મીટરનો કોપર કેબલ જેની કિંમત રૂ. 303144 અને 25 મીટરનો કોપર કેબલ જેની કિંમત રૂ. 30825 મળીને કુલ રૂપિયા 716781 ના કિંમતી કોપર વાયરોનો સમાવેશ થાય છે.
આ ઘટના બાદ તાત્કાલિક ધોરણે કંપનીના માણસો અને કોન્ટ્રાક્ટરોની આંતરિક પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ વાયરો અંગે કોઈ નક્કર માહિતી મળી શકી ન હતી. ત્યારબાદ ઉપરી કચેરીને આ બાબતની જાણ કરવામાં આવી હતી અને ચોરી થઈ હોવાનું નિશ્ચિત થતાં 11 ઓગસ્ટના રોજ સાંજે પોલીસમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સેક્ટર 21 પોલીસે અજીતકુમાર રાણાની ફરિયાદને આધારે અજાણ્યા ચોર ઇસમો સામે બી.એન.એસ.ની કલમ 305 (એ) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
થોડા દિવસ પહેલા, વડોદરાના નર્મદા ભવન કચેરીના રૂમ નંબર 620ના મુખ્ય દરવાજાની નીચેના ભાગનું પ્લાય તોડીને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. તેઓ રૂમમાંથી ક્રોમ્પ્ટન કંપનીના 10 સિલિંગ ફેન જેની કિંમત રૂ. 10,000 અને એન્કર કંપનીની 12 એલઇડી લાઈટો જેની કિંમત રૂ. 6000 મળીને કુલ રૂ. 16,000ની મત્તાની ચોરી કરી ગયા હતા. પોલીસ ભવનની નજીક આવેલા સરકારી સંકુલ નર્મદા ભવનમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી.