Thu Jun 18 2026

Logo

ગાંધીધામ રેલવેનું નવું સીમાચિહ્ન, દેશભરમાં LPG પહોંચાડવા ૪૧૩ રેકનું રેકોર્ડબ્રેક લોડિંગ

2026-04-02 12:07:00
Author: Mumbaisamachar Team
Article Image

ભુજઃ ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા હતા. જોકે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પાર કરીને એલપીજી જહાજો સુરક્ષિત રીતે ભારતીય બંદરો પર લાંગર્યા બાદ હવે તેને દેશના ખૂણેખૂણે પહોંચાડવામાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને નોંધપાત્ર સફળતા મેળવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ગાંધીધામ વિસ્તારમાંથી વિક્રમી ૪૧૩ જેટલા એલપીજી ભરેલા રેક ભરીને દેશભરમાં રવાના કરવામાં આવ્યા છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ લોડિંગ છે.

રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, ગાંધીધામ વિસ્તારમાં એલપીજી લોડિંગની કાર્યક્ષમતામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. અગાઉના વર્ષે રેલવેએ મહત્તમ ૨૭૩ રેકનું લોડિંગ કર્યું હતું. તેની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં ૪૧૩ રેકનો આંકડો હાંસલ કરીને અમદાવાદ ડિવિઝને પોતાના જ તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ સિદ્ધિ રેલવેની ઓપરેશનલ ક્ષમતામાં થયેલા જંગી વધારાને સૂચવે છે.

ગાંધીધામ વિસ્તાર એલપીજી સપ્લાય ચેઈન માટે દેશનું અત્યંત વ્યૂહાત્મક કેન્દ્ર બની રહ્યું છે. અહીંથી ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ રાજ્યોમાં ઘરગથ્થુ અને ઔદ્યોગિક વપરાશ માટે ગેસનો જથ્થો મોકલવામાં આવે છે. રેલવેના આ મજબૂત નેટવર્કને કારણે દેશના આંતરિયાળ વિસ્તારોમાં પણ કોઈપણ અવરોધ વગર ઇંધણનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

એલપીજી લોડિંગમાં આવેલો આ ઉછાળો માત્ર આંકડા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે રેલવેની સુરક્ષિત અને ઝડપી પરિવહન વ્યવસ્થાને પણ પ્રમાણિત કરે છે. પ્રતિકૂળ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ છતાં ભારતે ઘરઆંગણે ઈંધણની તંગી સર્જાવા દીધી નથી, જેમાં પશ્ચિમ રેલવેની આ કામગીરી કરોડરજ્જુ સમાન સાબિત થઈ છે.

(ઉત્સવ વૈદ્ય)