ભુજઃ સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અકાળ મૃત્યુના ચાર અલગ-અલગ બનાવોએ સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરાવી દીધી છે. ગાંધીધામમાં ભાજપના એક યુવા મંત્રીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા રાજકીય આલમમાં ચકચાર મચી ગઈ છે, જ્યારે અંજાર, મુંદ્રા અને ભુજ તાલુકામાં બનેલી દુર્ઘટનાઓમાં કિશોર સહિત ત્રણ અન્ય લોકોના કરૂણ મોત નીપજ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આદિપુરના વોર્ડ નંબર ૨/બીમાં રહેતા અને ગાંધીધામ શહેર ભાજપના મંત્રી તરીકે કાર્યરત ૩૯ વર્ષીય દીપેશ મિનાક્ષીબેન ભટ્ટએ ગત તા. ૫-૩ના રોજ બપોરના સુમારે પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આશાસ્પદ યુવાન અને સક્રિય રાજકીય કાર્યકર એવા દીપેશભાઈએ કયા સંજોગોમાં આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી. પોલીસ હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.
બીજી બાજુ, અંજારના મેઘપર બોરીચી સ્થિત એક લાકડાના બેન્સામાં રહેતા ૧૫ વર્ષીય કિશોર કિશોર હસીબુલ જલાલુદીન મોહમદએ પણ કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનું આયખું ટૂંકાવી લીધું હતું. અંજાર સરકારી હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બીજી તરફ, ભુજ-કુકમા માર્ગ પર લેર ગામ પાસે પૂરપાટ ઝડપે આવતી મારુતિ અલ્ટો કારના ચાલકે બાઈક સવાર શંકરભાઈ ખેતાભાઈ મહેશ્વરી (૫૪)ને અડફેટે લીધા હતા. માથામાં ગંભીર ઈજા થતા શંકરભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. પદ્ધર પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
આ ઉપરાંત, મુંદ્રા પોર્ટ સિટી વિસ્તારમાં ઉભેલા એક ટ્રેઈલર પાછળ મિલર વાહન ધડાકાભેર અથડાતા તેમાં બેઠેલા હેલ્પર ઉદેશ્વર યાદવનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી મિલર ચાલક પવનકુમાર રમેશરામ નાસી છૂટ્યો હતો, જેની શોધખોળ મુંદ્રા પોલીસે હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)