Thu Sep 10 2026

Logo

ગાંધીધામની મુખ્ય બજારમાં મગફળીની આડમાં ગાંજો વેચતી ત્રણ મહિલાઓ ઝડપાઈ

2026-07-03 09:41:00
Author: Mumbai Samachar Team
ગાંધીધામની મુખ્ય બજારમાં મગફળીની આડમાં ગાંજો વેચતી ત્રણ મહિલાઓ ઝડપાઈ

ભુજઃ પૂર્વ કચ્છના પંચરંગી ગાંધીધામ શહેરમાં મુખ્ય બજારની એક રેંકડીમાં મગફળીની આડમાં વેચાતો માદક પદાર્થ ગાંજાનો જથ્થો પૂર્વ કચ્છ એસ.ઓ.જી. પોલીસ ટુકડીએ ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ટ્રાફિક પોલીસ ચોકી પાછળ રેંકડીઓ પર મગફળીના ઢગલા નીચે છુપાવીને માદક પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે, જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન રેંકડીમાંથી મગફળીના ઢગલા નીચે છુપાવેલી ગાંજા ભરેલી નાની-નાની ૮૮ કોથળીઓ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી આશરે ૧૧ હજાર રૂપિયાની કિંમતનો ૨૦ ગ્રામ ગાંજો, ૧૧ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને ૭,૮૦૦ રૂપિયાની રોકડ રકમ સહિત કુલ ૩૦,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

આ ગેરકાયદે પ્રવૃત્તિ બદલ કાજલબેન ગોપાલ દેવીપૂજક, પાયલબેન ભીમા દેવીપૂજક અને શારદાબેન પરેશ દેવીપૂજક નામની ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)