Sat Sep 05 2026

Logo

યાત્રિકો માટે ખુશખબર: પાટા પર ફરી દોડશે ગાંધીધામ-ભાગલપુર એક્સપ્રેસ, જાણો ક્યારથી થશે શરૂ?

2026-04-03 13:11:14
Author: Mumbai Samachar Team
યાત્રિકો માટે ખુશખબર: પાટા પર ફરી દોડશે ગાંધીધામ-ભાગલપુર એક્સપ્રેસ, જાણો ક્યારથી થશે શરૂ?

ભુજઃ સરહદી જિલ્લા કચ્છથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોની વર્તાઈ રહેલી અછત વચ્ચે મુસાફરો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. પૂરતો ટ્રાફિક હોવા છતાં માર્ચ મહિનાથી બંધ કરી દેવાયેલી ગાંધીધામ-ભાગલપુર (૦૯૪૫૧) ટ્રેનના ફેરા લંબાવવાનો રેલવે વિભાગ દ્વારા સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ટ્રેન મે મહિનાથી જૂન મહિનાના અંત સુધી કાર્યરત રહેશે, જેથી ઉનાળુ વેકેશન ગાળવા વતન જનારા હજારો પ્રવાસીઓને મોટી સુવિધા મળશે.

ઉલ્લેખનીય છે કે, બિહાર અને ઉત્તર ભારતને જોડતી આ મહત્વની ટ્રેન બંધ થતા પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. આ ગંભીર પ્રશ્ને 'ઉત્તર ભારતીય કચ્છ સમાજ'ના પ્રતિનિધિ મંડળે સાંસદ વિનોદભાઈ ચાવડાની આગેવાનીમાં દિલ્હી ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી હતી. રેલવે મંત્રીએ આ ટ્રેન પુનઃ શરૂ કરવા તેમજ અન્ય ટ્રેનો લંબાવવા અંગે આપેલી ખાતરી બાદ રેલવે તંત્ર હરકતમાં આવ્યું છે.

દરમ્યાન, રેલવેના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દર શુક્રવારે ઉપડતી ગાંધીધામ-ભાગલપુર (૦૯૪૫૧) ટ્રેન આગામી 18 મે થી ૨૬ જૂન સુધી કાર્યરત રહેશે જયારે દર સોમવારે ઉપડતી ભાગલપુર-ગાંધીધામ (૦૯૪૫૨) ટ્રેન ૧૮ મે થી ૨૯ જૂન સુધી દોડશે.


ગુજરાતથી ભાગલપુર જવા માટે હાલ માત્ર સુરત અને ગાંધીધામથી જ સીધી ટ્રેન સુવિધા ઉપલબ્ધ છે. ગાંધીધામ-ભાગલપુર ટ્રેન બંધ હોવાને કારણે રાજકોટ અને સુરતથી ઉત્તર ભારત જતી અન્ય ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ ખૂબ લાંબુ થઈ ગયું હતું. હવે આ ટ્રેન ફરી શરૂ થવાથી કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના મુસાફરોનું ભારણ પણ ઘટશે અને પ્રતીક્ષા યાદીમાં રાહત મળશે.

(ઉત્સવ વૈદ્ય)