Fri Jun 19 2026

Logo

ગાંધીધામ-આદિપુરમાં પીવાના પાણીની ગંભીર કટોકટી: અસહ્ય ઉનાળા વચ્ચે અઠવાડિયે માંડ થતું વિતરણ, ટેન્કર રાજનો પ્રારંભ

2026-05-22 10:52:00
Author: Mumbai Samachar Team
Article Image

 

ભુજઃ કચ્છમાં વૈશાખી તાપ અને અસહ્ય ઉકળાટ વચ્ચે ગાંધીધામ અને આદિપુર જોડિયા શહેરોમાં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાતાં જનજીવન ત્રસ્ત બન્યું છે. સુપર અલનીનોને પ્રતાપે તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને વટાવીgandhidham-adipur-drinking-water-crisis-kutch-summer રહ્યો છે, ત્યારે નાગરિકોને નિયમિત અને પૂરતું પાણી ન મળતાં સ્થાનિક તંત્ર સામે પ્રચંડ જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરમાં સામાન્ય દિવસોમાં દર ચોથા દિવસે થતું પાણી વિતરણ ખોરવાઈ ગયું છે અને હાલ લોકોને છથી આઠ દિવસે માંડ પાણી મળી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક બોજ વધ્યો છે અને તેઓ મોંઘા ભાવના ખાનગી પાણીના ટેન્કરો મગાવવા મજબૂર બન્યા છે.

હાલમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટપ્પર અને વરસામેડીથી ગાંધીધામને દૈનિક માત્ર ૨૯ એમ.એલ.ડી. પાણી આપવામાં આવે છે, જે વર્તમાન ઉનાળાની સિઝનમાં અત્યંત અપૂરતું છે. પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ગાંધીધામને કેમ ઓછું પાણી અપાય છે તે એક મોટો સવાલ છે. અગાઉ તત્કાલીન કમિશનર મનીષ ગુરુવાણીએ પાણી પુરવઠા બોર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જથ્થો વધારવા સૂચના આપી હતી, પરંતુ વહીવટી ઉદાસીનતાને કારણે હજુ સુધી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. બીજી તરફ, મહાનગરપાલિકાના અધિકારીઓ પણ અપૂરતા જથ્થાને કારણે લાચાર હોવાનું જણાવી રહ્યા છે.

જોડિયા શહેર આદિપુરમાં પરિસ્થિતિ વધુ પડતી વિકટ બની છે. અહીંના અનેક વિસ્તારોમાં અઠવાડિયા સુધી પાણીના દર્શન થતા નથી, અને જ્યાં પાંચમા કે છઠ્ઠા દિવસે પાણી આવે છે ત્યાં પણ લો-પ્રેશર અને અપૂરતા સમયને કારણે કટોકટી યથાવત્ રહે છે. સ્થાનિકો મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ અંગે રાજ્ય સરકાર સ્તરે રજૂઆત કરી તાકીદે જથ્થો વધારે તેવી માંગ કરી છે.

દરમ્યાન, હાલમાં ગાંધીધામ-આદિપુર મહાનગરપાલિકાનો ૧૮૮ ચોરસ કિલોમીટરનો વિશાળ વિસ્તાર પીવાના પાણી માટે માત્ર ને માત્ર ટપ્પર ડેમ પર નિર્ભર છે. નિષ્ણાતોના મતે, જો સ્થાનિક શિણાય ડેમને તાત્કાલિક સક્રિય કરવામાં આવે અને ત્યાંથી કોઈ એક ચોક્કસ ઝોનમાં પાણી વિતરણની સમાંતર વ્યવસ્થા ઊભી કરાય, તો ટપ્પર ડેમ પરનું ભારણ નોંધપાત્ર રીતે ઘટી શકે છે. શિણાય ડેમ ખાતે જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની જાહેરાતો અગાઉ થઈ ચૂકી છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી જમીની સ્તરે પગલાં ન ભરાતા નાગરિકોમાં ભારે નારાજગી વ્યાપી છે.

(ઉત્સવ વૈદ્ય)