કશું જ ન કરવાના અપરાધભાવે આપણી પાસેથી કવિતા છીનવી લીધી છે
અભિમન્યુ મોદી
એક જમાનો હતો જ્યારે બપોરના સમયે ઓસરીના હીંચકે ઝૂલતાં ઝૂલતાં આકાશમાં તરતાં વાદળોને જોયા કરવા એ સાવ સામાન્ય વાત હતી. ઘરના ઓટલે બેસીને રસ્તા પરથી પસાર થતા લોકોને નિહાળવા કે વરસાદ પછી ભીની થયેલી માટીની સુગંધ શ્વાસમાં ભરતાં ચૂપચાપ બેસી રહેવું એવી બધી અનાયાસ પ્રવત્તિ એ સમયનો બગાડ નહોતો ગણાતો. એ ફુરસદ હતી. એવો સમય જ્યારે ઘડિયાળના કાંટા મગજ પર સવાર નહોતા. એ ખાલી સમય જ હતો, જેમાં કવિતાઓ રચાતી, વિચારો ઘૂંટાતા અને માણસ દુનિયાની ભીડથી દૂર જઈને પોતાની જાતને મળતો, પણ આજના આધુનિક સમયમાં આપણે આ ફુરસદની કાયમી હત્યા કરી નાખી છે. આજે કશું જ ન કરવું એ એક મોટો સામાજિક અને માનસિક અપરાધ બની ગયો છે. ઉત્પાદકતા અને સતત વ્યસ્ત રહેવાની એવી આંધળી દોટ શરૂ થઈ છે કે જેમાં ખાલી બેસી રહેનાર માણસને નિરર્થક કે આળસુ માની લેવામાં આવે છે.
આધુનિક માણસ બે મિનિટ માટે પણ નવરો પડે એટલે તેના હાથમાં તરત જ મોબાઇલ આવી જાય છે. બસ સ્ટૉપ પર વાટ જોતી વખતે, લિફ્ટમાં ઉપર જતાં દસ સેક્નડ માટે કે ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ હોય ત્યારે પણ આપણે કશુંક જોતા રહેવા, વાંચતા રહેવા કે સ્ક્રીન સ્ક્રોલ કરતા રહેવા માટે જાણે મજબૂર છીએ. હકીકતમાં આ વ્યસ્તતા નથી, આ ખાલીપાનો ભય છે.
પોતાની જાત સાથે એકાંતમાં બેસવાનો અને પોતાના જ વિચારોનો સામનો કરવાનો ડર આપણને એટલો બધો સતાવે છે કે આપણે સતત કોઈ ને કોઈ ડિજિટલ ઘોંઘાટથી મનને ભરેલું રાખવા માગીએ છીએ. આપણે બહારની માહિતીઓથી મગજને એટલું બધું ઠાંસી ઠાંસીને ભરી દીધું છે કે અંદરથી કોઈ નવા વિચારને ઊગવા માટે કોઈ જમીન જ નથી બચી. યંત્રોએ આપણો શારીરિક શ્રમ ઓછો કર્યો, પણ બદલામાં આપણી પાસેથી આપણી માનસિક મોકળાશ છીનવી લીધી છે.
સંગીતમાં બે સૂર વચ્ચે જે ખાલી જગ્યા આવે છે તે મૌન જ સંગીતને મધુર બનાવે છે. ચિત્રમાં બધે જ રંગો પૂરી દેવાને બદલે અમુક જગ્યા કોરી છોડવામાં આવે તો જ આકાર ઊપસી શકે છે. જીવનનું પણ એવું જ છે. સતત દોડતા રહેવાથી જીવન સમૃદ્ધ નથી થતું. જીવનની ખરી સમૃદ્ધિ એ વિરામમાં છુપાયેલી છે. જ્યારે માણસ કશું જ નથી કરી રહ્યો હોતો ત્યારે તેનું અર્ધજાગ્રત મન સૌથી વધુ સક્રિય હોય છે. ન્યુટનને સફરજન પડતું જોઈને ગુત્વાકર્ષણનો વિચાર ત્યારે જ આવ્યો હતો, જ્યારે તે ઝાડ નીચે સાવ ફુરસદમાં બેઠો હતો. જો તે સમયે તેના હાથમાં સ્માર્ટફોન હોત તો કદાચ તે સફરજન પડ્યાની નોંધ જ ન લઈ શક્યો હોત. સર્જન હંમેશાં ખાલીપામાંથી જન્મે છે. જ્યાં સુધી મનમાં થોડી ખાલી જગ્યા ન હોય ત્યાં સુધી કોઈ નવો વિચાર કે કોઈ નવી કવિતા જન્મ લઈ જ ન શકે.
આપણે કશુંક કરતા રહેવાના રોગમાંથી મુક્ત થવાની જરૂર છે. ક્યારેક કોઈ જ ઉદ્દેશ્ય વિના ચાલવા નીકળી જવું, માત્ર વૃક્ષોનાં પાંદડાંઓને પવનમાં લહેરાતાં જોવાં કે આંખો બંધ કરીને માત્ર પોતાના શ્વાાસની આવનજાવન પર ધ્યાન આપવું. આ ક્રિયાઓ ભલે બહારથી નકામી લાગતી હોય, પણ તે આત્માને જીવંત રાખવા માટેનો ખોરાક છે. આપણે સમયને વાપરવાની જીદ છોડીને ક્યારેક સમયને માત્ર વહેવા દેવાની કળા શીખવી પડશે, કારણ કે દુનિયાની બધી જ સફળતાઓ અને સિદ્ધિઓ મેળવ્યા પછી પણ જો માણસ પાસે પોતાની સાથે બેસવાની ફુરસદ ન હોય, તો એનાથી મોટો કોઈ ગરીબ નથી. સાચો માણસ એ જ છે જે આંખમાં કોઈ જ અધીરાઈ વિના સમયના ખાલીપણાને પચાવી શકે અને એ ખાલીપામાંથી પણ કોઈ અદ્ભુત અર્થ શોધી શકે.