Sun Aug 23 2026

Logo

100% નેચરલ', 'ઓર્ગેનિક' કે 'ઝીરો મેંદો'... શું તમે પણ પેકેટ પર લખાણ જોઈને ખરીદો છો સામાન? FSSAIએ ફૂડ કંપનીઓને પાઠવી નોટિસ!

2026-08-04 14:51:00
Author: Darshana Visaria
Article Image

આજના સમયમાં બજારમાં મળતા મોટાભાગના પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સના પેકેટ પર "100 'ke નેચરલ", "ઓર્ગેનિક", "હાર્ટ-હેલ્ધી", "ડિટોક્સ" અને "ઝીરો મેંદો" જેવા શબ્દો મોટા અક્ષરે લખેલા જોવા મળે છે. પેકેટ પરના આ શબ્દો જોઈને ગ્રાહકોને લાગે છે કે પ્રોડક્ટ સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉત્તમ છે. પરંતુ વાસ્તવમાં હંમેશાં એવું હોતું નથી. ભારત સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ છેલ્લા કેટલાક અઠવાડિયામાં દેશની અનેક મોટી ફૂડ કંપનીઓને નોટિસ ફટકારી છે અને પૂછ્યું છે કે પેકેટ પર કરાતા આ દાવાઓ પ્રોડક્ટની સાચી ગુણવત્તા સાથે મેળ ખાય છે કે નહીં!

FSSAI ના રડારમાં કઈ-કઈ પ્રોડક્ટ્સ અને દાવાઓ આવ્યા?
FSSAI એ બ્રેડ, નૂડલ્સ, ચોકલેટ, જ્યૂસ, કૂકિંગ ઓઇલ, હેલ્થ સપ્લીમેન્ટ્સ, પેકેજ્ડ પીવાનું પાણી અને કેફીન યુક્ત ડ્રિંક્સ જેવી કેટેગરીની જાણીતી કંપનીઓને નોટિસ મોકલી છે. બન, બ્રેડ અને નૂડલ્સ પર નેચરલ, પ્યોર, ફ્રેશ લખવા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે શું તેમની બનાવટ અને સામગ્રી ખરેખર આ દાવાઓને યોગ્ય ઠેરવે છે? આ સિવાય સ્પ્રેડ્સ અને સપ્લીમેન્ટ્સ પર ઓર્ગેનિક લખવા બદલ સર્ટિફિકેશનની માંગણી કરાઈ છે. આ ઉપરાંત તેલ, ટોફૂ અને પાણી પર હેલ્ધી કે ડિટોક્સ જેવા શબ્દોનો વગર પુરાવે ઉપયોગ કરવા બદલ ખુલાસો માંગવામાં આવ્યો છે. 

ગ્રાહકો કઈ રીતે બને છે છેતરપિંડીનો ભોગ? 
ન્યુટ્રિશન એક્સપર્ટ્સના મતે, કંપનીઓ પેકેટની આગળના ભાગે કોઈ એક સારો શબ્દ લખી દે છે, જેથી આખી પ્રોડક્ટ હેલ્ધી લાગે છે. મોટાભાગના ગ્રાહકો પેકેટની પાછળ આપેલી વિગતો વાંચતા નથી, જેનો ફાયદો કંપનીઓ ઉઠાવે છે.

ડાયેટિશિયન અને ફૂડ ટેસ્ટિંગ એક્સપર્ટ્સની સલાહ અનુસાર કોઈ પણ સામાન ખરીદતા પહેલાં પેકેટને ઊલટાવીને તેની પાછળ આપેલી સામગ્રી અને ન્યુટ્રિશન ચાર્ટ ચોક્કસપણે વાંચવો જોઈએ. તેમાં ખાંડ, સોડિયમ, ફેટ અને પ્રોટીનની માત્રા ચકાસવી. જો આગળ મોટો દાવો કરાયો હોય પણ પાછળ તેનો કોઈ તબીબી કે વૈજ્ઞાનિક પુરાવો ન હોય, તો તે ખરીદતા પહેલાં સાવચેત રહેવું વધારે હિતાવહ છે.