Sun Sep 13 2026

Logo

વડોદરાના ટાટા પ્લાન્ટમાં તૈયાર થયું ભારતનું પહેલું 'મેડ ઇન ઇન્ડિયા' સૈન્ય વિમાન, જુઓ વીડિયો

2026-05-13 17:35:52
Author: Mumbai Samachar Team
વડોદરાના ટાટા પ્લાન્ટમાં તૈયાર થયું ભારતનું પહેલું 'મેડ ઇન ઇન્ડિયા' સૈન્ય વિમાન, જુઓ વીડિયો

વડોદરાઃ ભારત હવે માત્ર સંરક્ષણ સાધનોનો આયાતકાર જ નહીં, પણ ઉત્પાદક પણ બની રહ્યો છે. ગુજરાતના વડોદરામાં સ્થિત ટાટા-એરબસ પ્લાન્ટ (Tata-Airbus Plant)માંથી પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' C-295 સૈન્ય પરિવહન વિમાન બનીને તૈયાર થઈ ગયું છે. આ ભારત માટે ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે પ્રથમ વખત કોઈ ખાનગી ક્ષેત્રની કંપની પૂર્ણ સૈન્ય વિમાનનું ઉત્પાદન કરી રહી છે. 

સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં આની પહેલી ઝલક સામે આવી છે. ભારતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ ખાનગી કંપની સંપૂર્ણ લશ્કરી વિમાન બનાવી રહી છે. 28 ઓક્ટોબર, 2024 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનિશ વડા પ્રધાન પેડ્રો સાંચેઝે વડોદરામાં ટાટા-એરબસ પ્લાન્ટ (ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને એરબસ વચ્ચેનું સંયુક્ત સાહસ)નું ઉદ્ઘાટન કર્યું છે.

C-295 પ્રોજેક્ટની મુખ્ય વિગતો

ભારત અને સ્પેન વચ્ચે 56 સી-295 વિમાનની ડીલ થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 16 વિમાન સીધા સ્પેનથી ફ્લાય-અવે કન્ડિશનમાં આવશે. જ્યારે 40 વિમાન મેડ ઇન ઇન્ડિયા અંતર્ગત વડોદરાના પ્લાન્ટમાં બનાવવામાં આવશે. 

વડોદરાના હરણીમાં ફાઈનલ એસેમ્બલી લાઈન (FAL) બનાવવામાં આવી છે, જ્યાં મેન્યુફેક્ચરિંગથી લઈને મેન્ટેનન્સ (MRO) સુધીનું કામ થશે. આ સુવિધા વિમાનના ઉત્પાદન, એસેમ્બલી, પરીક્ષણ અને જાળવણી (MRO)નું સંચાલન કરશે. આ પ્લાન્ટમાં પ્રથમ C-295 વિમાનનું ઉત્પાદન થઈ ચૂક્યું છે. આ 'મેક ઇન ઇન્ડિયા'ના ક્ષેત્રમાં એક મોટી છલાંગ છે.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પીએમ નરેન્દ્ર મોદીએ આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તે ભારતના સંરક્ષણ ઉત્પાદનને વેગ આપશે અને 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ' ના મંત્રને સાકાર કરશે. જે સ્વપ્ન હવે સાકાર થતું હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાત ભાજપ પોતાના એક્સ એકાઉન્ટ પર 'મેડ ઇન ઇન્ડિયા' C-295 એરક્રાફ્ટનો વીડિયો પણ શેર કર્યો છે. વડોદરામાં આ પ્લાન્ટ ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે, અને ભવિષ્યમાં અહીંથી અન્ય દેશોમાં પણ એરક્રાફ્ટની નિકાસ કરવામાં આવશે.