Mon Oct 05 2026

Logo

સિંહ પરિવારથી માત્ર પાંચ ફૂટ દૂર ચાલતા ખેડૂતનો વીડિયો વાયરલ

2026-08-03 19:04:10
Author: Pooja Shah
સિંહ પરિવારથી માત્ર પાંચ ફૂટ દૂર ચાલતા ખેડૂતનો વીડિયો વાયરલ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની શાન ગણાતા સિંહ હવે સાસણ ગીરના જંગલ વિસ્તારમાંથી બહાર નીકળી માનવ વસાહતોમાં આવવા લાગ્યા છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સિંહ અને માનવ વસાહત વચ્ચેનો સંઘર્ષ ચર્ચાનો વિષય બન્યો છે. સિંહ દ્વારા શિકાર થયાના અને ઈજાગ્રસ્ત થયાના કેસોમાં પણ વધારો થયો છે. આવા સમયે માનવ અને વન્યજીવો વચ્ચેના તાલમેલનો એક વીડિયો વાયરલ થયો છે. 

આ વીડિયો ગીર-સોમનાથ જિલ્લાના ઉનાના નાનકડા ગામનો છે. પાતાપુર ગામમાં સિંહોની વસતી છે અને માનવ વસાહત પણ છે. તાજેતરમાં જોવા મળેલા વીડિયોમાં ખેડૂત મસરીભાઈ માત્ર પાંચ ફૂટના અંતરે સિંહ પરિવારની પાછળ નિર્ભયતાથી પોતાના ઘરે જતા જોવા મળે છે. તેમની થોડે ડ આગળ સિંહ-સિંહણ અને સિંહબાળ ચાલે છે, છતાં તેમણે કોઈ ગભરાટ નથી. કારણ કે બંને વચ્ચે વિશ્વાસ અને સમજણ છે. 

પાતાપુર ગામમાં સિંહનો કાયમી વસવાટ છે. છતાં આજદિન સુધી માનવ પર હુમલાની કોઈ નોંધપાત્ર ઘટના જાણવા મળી નથી. ગ્રામજનોની જાગૃતિ અને સાવચેતીને લીધે આ શક્ય બન્યું છે, તેમ રહેવાસીઓ જણાવે છે.



ગામના મહિલા સરપંચ અરુણાબેન છોડવડિયાના માર્ગદર્શન હેઠળ ગામમાં 50થી વધુ  સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સિંહ ગામમાં પ્રવેશે કે તરત જ સમગ્ર ગામને જાણ કરવામાં આવે છે, જેથી દરેક વ્યક્તિ સતર્ક રહે અને સિંહોને પણ કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે. 

આ સાથે વન વિભાગ અને ગ્રામજનો વચ્ચે પણ સતત વાતચીત થતી રહે છે. વન્યજીવનને લીધે જો કોઈ પણ સમસ્યા સર્જાય તો ગ્રામજનો અને વન વિભાગ સાથે મળી તેનો ઉકેલ લાવે છે. 

માત્ર સાસણગીર આસપાસ નહીં, દેશભરમાં વન્ય વિસ્તાર આસપાસ રહેતા લોકો માટે પાતાગામ એક ઉદાહરણ છે. પ્રકૃતિ અને વન્યજીવોનો આદર કરી, તેમને રંજાડ્યા વિના સહ-અસ્તિત્વ શકય છે, તેવું આ વીડિયો જોયા પછી લોકો કહી રહ્યા છે.