Fri Jun 19 2026

Logo

ગુજરાતમાં હવે નકલી FCI ડિરેક્ટર ઝડપાયો, સાતમું ભણેલા ભરત પરમારે કઈ રીતે કરોડોનો ચૂનો લગાડ્યો ?

2026-06-04 09:37:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં નકલીની બોલબાલા હોય તેમ એક બાદ એક નકલી લોકો પકડાઈ રહ્યા છે.  હવે નકલી FCI ડિરેક્ટર ઝડપાયો હતો. સાતમું ભણેલા ભરત પરમારે કરોડોનો ચૂનો લગાડ્યો હતો.

મળતી વિગત પ્રમાણે, હાલોલનો ભરત પરમાર રાજ્યમાં સરકારી નોકકરી અપાવવાના બહાને લોકોને છેતરતો હતો. તેણે અત્યાર સુધીમાં 68 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી એફસીઆઈના ડાયરેક્ટર તરીકેની ઓળખ આપીને લોકોને ભ્રમીત કરતો હતો. તેણે સમગ્ર રાજ્યમાં એજન્ટોનું નેટવર્ક ઊભું કર્યું હતું.

આરોપી ભરત પરમાર લોકોને વિવિધ સરકારી વિભાગોમાં નોકરી આપવાની લાલચ આપતો હતો. એક વાર નોકરીવાંછુ તેની ઝાળમાં ફસાયા બાદ તે નકલી ઈન્ટરવ્યૂ કૉલ લેટર, નિમણૂક સંબંધિ દસ્તાવેજો આપી તગડી રકમ ખંખેરતો હતો. 68 લાખની છેતરપિંડીનો ભોગ બનેલા ત્રણ અસરગ્રસ્તોના નિવેદનો અને ફરિયાદોના આધારે તેની ધરપકડ કરી હતી. પોલીસે છટકું ગોઠવી હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર આવેલી અતિથિ હોટલ પરથી ભરત પરમારને ઝડપી પાડ્યો હતો. 

સાતમું ભણેલા ભરત પરમાર પાસેથી પોલીસે જુદી જુદી બેંકોની 15થી વધુ પાસબુકો, 8 મોબાઈલ ફોન, FCIના ડુપ્લિકેટ લેટરહેડ, ખોટા નિમણૂક પત્રો તેમજ અન્ય મહત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા. આ સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી સ્તરે ફેલાયેલું હોવાની આશંકા છે. હજુ સંખ્યાબંધ નોકરીવાંચ્છુકો કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની શક્યતા છે.  

થોડા દિવસ પહેલાં સુરતમાંથી નકલી સીબીઆઈની ઓળખ આપી લોકોને ડિજીટલ એરેસ્ટ કરનાર ઝડપાયો હતો. શહેરમાં CBIનો નકલી અધિકારી બની વૃદ્ધાને ડિજીટલ એરેસ્ટ કરનાર ઝડપાયો હતો. 90 વર્ષના વૃદ્ધા પાસે 1.34 કરોડ રૂપિયા પડાવ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે અમરોલી વિસ્તાર માંથી જીગ્નેશ વઘડિયાની ધરપકડ કરી હતી.