Thu Jul 23 2026

Logo

દુષ્ટ આત્મા ભગાડવાને બહાને સગીરા સાથે દુષ્કર્મ: ‘બાબા’ની ધરપકડ

2026-05-12 19:11:00
Author: Yogesh C. Patel
Article Image

Ai Generated Image


થાણે: ઘરમાં દુષ્ટ આત્માનો ઓછાયો હોવાનું મહિલાના મગજમાં ઠસાવ્યા પછી તેની સગીર દીકરી સાથે કથિત દુષ્કર્મ કરવા બદલ પોલીસે ‘બાબા’ની ધરપકડ કરી હતી. કલ્યાણમાં બનેલી આ ઘટનામાં વિધિને બહાને બાબા ઘરમાં ઘૂસ્યો હતો અને મહિલાની ગેરહાજરીમાં સગીરા સાથે કુકર્મ આચર્યું હતું.

ગયા સપ્તાહે બનેલી ઘટના પ્રકરણે ગુનો નોંધી પોલીસે સોમવારે અંબરનાથમાં રહેતા શાહિદ મોહમ્મદ વાહિદ શેખ (78)ની ધરપકડ કરી હતી. સ્થાનિક અદાલતે શેખને 13 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ 15 વર્ષની સગીરા તેની માતા સાથે કલ્યાણ શહેરમાં રહે છે. અમુક મહિના પહેલાં જ સગીરાના પિતા અને દાદીનું નિધન થયું હતું. મહિલા દીકરી સાથે એકલી રહેતી હોવાથી શેખે તેને વાતોમાં ફોસલાવી હતી. તેણે ઘરમાં દુષ્ટ આત્માનો વાસ હોવાનું મહિલાના મગજમાં ઠસાવ્યું હતું.

ઘરમાંથી દુષ્ટ આત્માને દૂર કરવા અમુક વિધિ કરવાને બહાને શેખ મહિલાના ઘરે આવવા લાગ્યો હતો. બાદમાં બેથી છ મે દરમિયાન આરોપીએ મહિલાની ગેરહાજરીનો લાભ ઉઠાવી સગીરાનો કથિત વિનયભંગ કર્યો હતો અને દુષ્કર્મ પણ આચર્યું હતું, એવું અધિકારીએ જણાવ્યું હતું.

આ બાબતની જાણ સગીરાની માતાને થતાં તેણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ફરિયાદને આધારે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ તેમ જ બ્લૅક મૅજિક ઍક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી પાડ્યો હતો.

(પીટીઆઈ)