Wed Aug 19 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ મોદી માટે ગંદી ભાષા અક્ષમ્ય પણ કંગના-દુબેનું શું?

2026-08-05 07:44:48
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના નીક પેપર લીક મુદ્દે થયેલા આંદોલન દરમિયાન કેટલાક આંદોલનકારીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનાં માતા માટે ગંદી ભાષા વપરાઈ તેનો મુદ્દો ચર્ચામાં છે. મોદીએ રીલ બનાવીને આ મુદ્દો છેડ્યો પછી અચાનક જ જેન-ઝીની આ હરકતોની ટીકા કરવાનો વાવર ચાલ્યો છે. ભાજપના નેતા તો જેન-ઝીની ગાળાગાળીની ટીકા કરી જ રહ્યા છે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીથી માંડીને ભૂમિ પેડણેકર સહિતની કોઈ પૂછતું નથી એવી કહેવાતી સેલિબ્રિટીઝ જેન-ઝીની આ હરકતની ટીકા કરી રહ્યાં છે.

આ દેશના યુવાઓએ વડા પ્રધાન માટે કે તેમનાં માતા માટે અપમાનજનક ભાષા ના જ વાપરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ માટે અભદ્ર કે અશ્ર્લીલ ભાષા સભ્ય સમાજનું લક્ષણ નથી જ એ જોતાં કેટલાક યુવાઓએ વાપરેલી ભાષાનો બચાવ થઈ શકે તેમ નથી. આ ભાષાપ્રયોગને નાદાનિયતમાં પણ ના ખપાવી શકાય કેમ કે 15-17 વર્ષનાં છોકરા-છોકરીને નાદાન ના ગણી શકાય.

આ દેશમાં 18 વર્ષની ઉંમરે યુવાઓને મતદાનનો અધિકાર મળે છે ને તેનાથી પણ નાની ઉંમરે એ લોકો રીલેશન્સમાં હોય છે. યુવાઓ પોતાની અંગત જિંદગીના નિર્ણયો લેવામાં પોતાની મરજી ચાલે એ સ્વતંત્રતામાં માનતા હોય તો કોના માટે કેવી ભાષા વાપરવી તેની સમજ પણ તેમનામાં હોવી જ જોઈએ. અધિકારની સાથે ફરજની સભાનતા પણ હોવી જ જોઈએ ને પરિપક્વતા પણ હોવી જ જોઈએ.

આંદોલન સાથે સંકળાયેલો યુવાઓનો એક વર્ગ આ પરિપક્વતા ના બતાવી શક્યો, આ દેશના વડા પ્રધાન માટે ગંદી ભાષા વાપરીને વિવેક ચૂક્યો એ અક્ષમ્ય કહેવાય. નરેન્દ્ર મોદીએ મોટપ બતાવીને તેમને માફ કરી દીધા ને તેમની હરકતોને નાદાનિયતમાં ભલે ખપાવી પણ આ નાદાનિયત નથી એ જોતાં તેમનો બચાવ થઈ શકે તેમ નથી. આશા રાખીએ કે, યુવા પેઢી આ ઘટનાઓમાંથી બોધપાઠ શીખશે, ભવિષ્યમાં આવી ગંદી ભાષા વાપરવાથી દૂર રહેશે. બાકી આ દેશમાં કાયદો છે જ ને કાયદા પ્રમાણે કામ થાય તો કોઈના પર દોષારોપણ નહીં કરી શકાય.

જો કે મુખ્ય સવાલ એ છે કે, આપણે માત્ર યુવાઓની જ ટીકા કરીશું ? આ આંદોલન વખતે ભાષાનો બધો વિવેક બાજુ પર મુકાઈ ગયેલો ને માત્ર આંદોલનકારીઓએ જ આ વિવેક બાજુ પર મૂકી દીધેલો એવું નથી. સીજેપીના આંદોલન વખતે ભાજપના નેતાઓ અને ભાજપ સમર્થકોએ યુવાનોને દેશદ્રોહી ગણાવ્યા, તેમના માટે ગંદી નહીં પણ અસભ્ય અને અશ્ર્લીલ કોમેન્ટ્સ કરી તેનું શું ?

ભાજપના સાંસદ નિશિકાન્ત દુબેએ 23 જુલાઈએ સંસદની બહાર કહેલું કે, આ આંદોલન હવે દેશદ્રોહી પરિબળો ચલાવી રહ્યાં છે ? દુબેએ ખુલ્લેઆમ અભિજિત દીપકે અને તેમના સાથીઓને દેશદ્રોહી ગણાવી દીધા ને તેની કોઈ સેલિબ્રિટી કેમ ટીકા કરતી નથી ? આ દેશના યુવાઓ દેશદ્રોહી છે ? કોઈના પર દેશદ્રોહીઓના એજન્ટ હોવાનું આ મૂકવાથી મોટું કોઈ આળ ના હોઈ શકે. કોઈ પણ પ્રકારના પુરાવા વિના દેશના યુવાઓને દેશદ્રોહી ગણાવનારા દુબે જેવા નમૂના સામે કેમ કોઈ કશું બોલતું નથી ? દુબેના સંસ્કારની કોઈ વાત કેમ કરતું નથી?

કંગના રનોત ભારતની જેન-ઝીને ગટર જનરેશન ગણાવીને કહ્યું કે, આંદોલનમાં સામેલ છોકરીઓ બેફામ સેક્સ માણે છે, દારૂ પીવે છે ને ડ્રગ્સ લે છે. આ દેશની ભાવિ પેઢી માટે આટલા ગંદા શબ્દો વાપરનારી કંગનાને ના ભાજપે ઠપકો આપ્યો કે નથી કોઈ સંસ્કાર-સંસ્કૃતિની વાતો કરનારા જ્ઞાની બાબાઓ કશું બોલતા.

કંગના જેવી બે બદામની નટી આપણાં સંતાનોને ગટર જનરેશન કહે, આપણી દીકરીઓને સ્વચ્છંદી ને નશેડી ગણાવે તેની ટીકા કરવા માટે કેમ કોઈ આગળ આવતું નથી ? કંગનાએ તો જેન-ઝીનું નહીં પણ તેમનાં માતા-પિતાનું ઘોર અપમાન કરી નાખ્યું. આપણે વિચારવું જોઈએ કે, આપણે ગટર જનરેશન પેદા કરી છે ? કંગના જેવું છાપેલું કાટલું આપણા સંતાનોને આટલી મોટી ગાળ આપે ને આપણે ચૂપ રહીએ તેના કરતાં વધારે મોટી માનસિક નપુંસકતા બીજી કઈ કહેવાય ?

નિશિકાન્ત દુબે અને કંગના ભાજપ સાંસદો છે તેથી તેમના બકવાસની વાતો કરી પણ એ સિવાય બીજા ઘણા નમૂનાઓએ જેન-ઝી વિશે એલફેલ ભાષા વાપરી છે. આંદોલનને તોડી પાડવા માટે મેદાનમાં આવેલા ભાજપ સમર્થકોએ 18-20 વર્ષની દીકરીઓનાં કપડાં કાઢીને નગ્ન કરીને શું શું કરવાનું કહ્યું તેના પણ વીડિયો છે. આંદોલનમાં સામેલ દીકરીઓ માટે અહીં લખી ના શકાય એવી ભાષાના વીડિયો પણ ફરી રહ્યા છે ને એઆઈ જનરેટેડ ફોટો પર વિકૃત્તિની ચરમસીમા જેવી કમેન્ટ્સ કરીને દીકરીઓનું ચારિત્ર્યહનન કરનારા હલકટોની પોસ્ટ પણ ઉપલબ્ધ છે જ. આ ‘મહાસંસ્કારી’ લોકોની ટીકા કરવા કેમ કોઈ આગળ આવતું નથી ને જેન-ઝીને જ સંસ્કાર ને સભ્યતાના પાઠ ભણાવાય છે ?

બીજું એ કે નીટનું પેપર લીક થયું એ વાત ધર્મેન્દ્ર પ્રધાન સ્વીકારવા જ તૈયાર નહોતા. અઠવાડિયાં લગી તેમણે પેપર લીક થયું જ નથી એ રેકર્ડ વગાડીને બચાવ કર્યો. નક્કર પુરાવા સામે મુકાયા પછી છૂટકો નહોતો એટલે છેક નવ દિવસ પછી પ્રધાને પેપર લીક થયાની વાત જખ મારીને સ્વીકારવી પડી. કોઈ શાણો માણસ હોય તો તપાસ કર્યા પછી ચોક્કસ નિવેદન કરીશ એવું કહે પણ ધર્મેન્દ્ર પ્રધાન આખા દેશ સામે જૂઠાણું ચલાવતા રહ્યા. કોઈ તેની ટીકા નથી કરતું ને આ જૂઠ્ઠા માણસે દેશનાં લોકોની માફી માગવી જોઈએ એવું કહેતું નથી. નીટના પેપર લીકના કારણે 21 વિદ્યાર્થીઓએ આપઘાત કરી લીધો. આ વિદ્યાર્થીઓના પરિવારોની માફી કોણ માગશે ? આ મુદ્દે કોઈ બોલતું નથી.

મોદીએ પોતાના માટે વપરાયેલી ગંદી ભાષા માટે પોતે યુવાઓને માફ કરે છે તેની રીલ બનાવીને મૂકી પણ તેમની જ પાર્ટીના સાંસદો જેન-ઝીને દેશદ્રોહીઓના એજન્ટ ગણાવે, ગટર જનરેશન ગણાવે, સેક્સ મેનિયાક ગણાવે કે બીજી ગાળો આપે તેની ટીકા ના કરી. તેનો અર્થ એ થયો કે, આ ભાષાને મોદીની મંજૂરી છે. ભાજપના આઈટી સેલે આંદોલનકારીઓ માટે કરા ગંદા આક્ષેપો ને ભાજપ સમર્થકોએ વાપરેલી ગંદી ભાષાને તેમનું સમર્થન છે. એવું ના હોય તો મોદીએ જેન-ઝી માટે વપરાયેલી ગંદી ભાષાની પણ ટીકા કરવી જોઈએ, જેમણે આ ગંદી ભાષા વાપરી તેની સામે કેસ કરાવવા જોઈએ ને નિશિકાન્ત દુબે તથા કંગના જેવા ભાજપના હલકટો સામે પગલાં લેવાં જોઈએ.

મોદી આખા દેશના વડા પ્રધાન છે, ખાલી ભાજપ કે ભાજપ સમર્થકોના નથી તેથી દેશની યુવા પેઢી માટેની ગંદી ભાષા ના ચલાવવી જોઈએ, પોતાના માટે ગંદી ભાષા વપરાય તેનાથી તેમને દુ:ખ થતું હોય તો આપણી યુવા પેઢીને પણ દુ:ખ થાય જ એ વાત તેમને સમજાવી જોઈએ. યુવા પેઢીને ‘ફ્રેન્ડ’ માનતા હોય તો આ ‘ફ્રેન્ડ્ઝ’ની લાગણીને મોદી સમજશે એવી આશા રાખીએ.