ભરત ભારદ્વાજ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને ધારણા પ્રમાણે જ ભાજપનું રોલર ફરી વળ્યું છે. રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપનો ભગવો ફરક્યો છે જ્યારે 84 નગરપાલિકામાંથી મોટા ભાગની નગરપાલિકામાં ભાજપે જીત મેળવી છે. તમામ 34 જિલ્લા પંચાયતો પણ ભાજપે કબજે કરી છે જ્યારે 260 તાલુકા પંચાયતોમાંથી 250થી વધુ પંચાયતો ભાજપે કબજે કરી છે. 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકની પેટાચૂંટણીમાં પણ ભાજપે સપાટો બોલાવીને બધી બેઠકો જીતી લીધી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપ જ્યાં જીત્યો છે એમાંથી મોટા ભાગની સંસ્થાઓમાં બે તૃતિયાંશ બહુમતીથી જીત્યો છે ને વિપક્ષોનાં સૂપડાં સાફ કરી દીધાં છે એ જોતાં ભાજપની આ જીત ભવ્ય છે.
ગુજરાતમાં ભાજપની જીત પહેલેથી સામી ભીંતે લખાઈ ગયેલી તેથી કોઈને શંકા નહોતી ને ચર્ચા પણ નહોતી પણ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું શું થાય છે એ જાણવામાં સૌને રસ હતો. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને માટે આ પરિણામો અત્યંત નિરાશાજનક છે. આ પરિણામોએ સાબિત કર્યું છે કે, આપ કે કૉંગ્રેસ બંનેમાંથી કોઈમાં ગુજરાતમાં ભાજપ સામે ટક્કર લેવાની ત્રેવડ નથી. ગુજરાતમાં આવતા વરસે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી છે. એ પહેલાં આખા રાજ્યમાં મોટા ભાગના મતદારો મતદાન કરે એવી આ છેલ્લી ચૂંટણી હતી તેથી આપ અને કૉંગ્રેસ બંને માટે પોતાની તાકાતનો ભાજપને પરચો આપવાની મોટી તક હતી પણ બંને ફુસ્સ થઈ ગયા છે.
ગુજરાતમાં કૉંગ્રેસ હજુય મુખ્ય વિરોધ પક્ષ છે પણ તેનો દેખાવ મુખ્ય વિરોધ પક્ષ કહેવડાવવાને જરાય લાયક નથી. શહેરી વિસ્તારોમાં તો કૉંગ્રેસનું વર્ચસ્વ નથી એ વરસોથી સાબિત થયેલું જ છે પણ આ પરિણામોએ કૉંગ્રેસ ગ્રામીણ વિસ્તારોમાં પણ પકડ ગુમાવી રહી હોવાનું સાબિત કર્યું છે. રાજ્યની 15 મહાનગરપાલિકામાંથી એક પણ મહાનગરપાલિકામાં કૉંગ્રેસે એવો દેખાવ કર્યો નથી કે જેના કારણે કૉંગ્રેસી કાર્યકરોને પણ ધરવ થાય. રાજકટમાં ડીમોલિશન કરાયેલું એ જંગલેશ્વરમાં કૉંગ્રેસની આખી પેનલ જીતી કે અમદાવાદના બહેરામપુરામાં કૉંગ્રેસની આખી પેનલ જીતી એવા અપવાદરૂપ ચમકારાઓને બાદ કરતાં બીજે બધે કૉંગ્રેસનું રામ બોલો ભાઈ રામ થઈ ગયું છે.
જિલ્લા પંચાયતોમાં વડોદરા, અરવલ્લી બનાસકાંઠા, ભરૂચ સહિતની કેટલીક જિલ્લાા પંચાયતોમાં કૉંગ્રેસે બેઠકો જીતી પણ એટલો સારો દેખાવ પણ કર્યો નથી કે સત્તા હાંસલ કરી શકાય. નગરપાલિકાઓમાં તો કૉંગ્રેસ પાસેથી સારા દેખાવની આશા નહોતી જ તેથી કૉંગ્રેસ ક્યાંય ના જીતી તેનું આશ્ચર્ય નથી પણ તાલુકા પંચાયતોમાં કૉંગ્રેસ સારો દેખાવ કરશે એવું લાગતું હતું પણ ત્યાંય શક્કરવાર આવ્યો નથી. આદિવાસી વિસ્તારોમાં કૉંગ્રેસ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં સારો દેખાવ કરશે એવો ઘણાંને ભરોસો હતો પણ આ ભરોસાની ભેંસે પણ પાડો જણ્યો છે. એકંદરે કૉંગ્રેસનું રાજકીય અસ્તિત્વ ખતરામાં છે એવો સ્પષ્ટ સંકેત આ પરિણામો આપે છે.
આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતી. ગુજરાતમાં આપ બહુ જલદી કૉંગ્રેસને હટાવીને મુખ્ય વિપક્ષનું સ્થાન લઈ લેશે એવી આગાહીઓ થાય છે પણ કમ સે કમ આ ચૂંટણીમાં તો આ આગાહી સાચી નથી પડી. આમ આદમી પાર્ટીએ 2021ની ચૂંટણીમાં સુરતમાં જોરદાર દેખાવ કરીને 27 બેઠક જીતેલી ને કૉંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખેલાં. આપ એ ઈતિહાસ દોહરાવી શકી નથી ને સુરતમાં સાફ થઈ ગઈ. બીજી મહાનગરપાલિકામાં તો આપ ક્યાંય ચિત્રમાં જ નથી.
સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ ઘણે ઠેકાણે ચમકારા બતાવ્યા છે પણ આ ચમકારા મોટા ભાગે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું વર્ચસ્વ છે એવા વિસ્તારોમાં જ છે. આમ આદમી પાર્ટીએ બગસરા અને ચિકદા એ બે તાલુકા પંચાયત કબજે કરી પણ તેનું કારણ ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવાનું વર્ચસ્વ છે. પક્ષ તરીકે આપ કોઈ છાપ છોડી શક્યો નથી.
આમ આદમી પાર્ટીના નેતાઓએ લેવું હોય તો એટલું આશ્વાસન લઈ શકાય કે, આપ સાથે ગદ્દારી કરીને ગયેલા ઘણા નેતાઓને લોકોએ લાત મારીને તગેડી મૂક્યા છે. વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જે પાંચ મુરતિયા જીતેલા તેમાં એક ભૂપત ભાયાણી હતા. ભાયાણી વિસાવદર બેઠક પરથી જીતેલા પણ પછી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયેલા. વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં ભવ્ય જીત મેળવીને ગોપાલ ઈટાલિયાએ ભાજપનું નાક વાઢી લીધેલું. ભાજપે ભાયાણીને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ટિકિટ આપેલી પણ ભાયાણી ભૂંડી રીતે હારી ગયા છે.
વિધાનસભાની બેઠક પર 1700 મત જીતો તો સારી લીડ કહેવાય ત્યારે ભાયાણી જિલ્લા પંચાયતની બેઠક પર 1700 મતે હાર્યા છે એ જોતાં લોકોને કેવા અળખામણા લાગ્યા હશે તેની કલ્પના કરી જુઓ. ભાયાણી માટે તો ઘા પર મીઠું ભભરાવ્યા જેવી વાત એ છે કે અલબત્ત ભાયાણી જેવી જ હાલત ખેડૂત આગેવાન રાજુ કરપડાની ના થઈ તેનો આમ આદમી પાર્ટીને અફસોસ પણ હશે.
ખેડૂતોની સમસ્યાઓના મુદ્દે હોહા કરીને છવાઈ ગયેલા કરપડાને ભાજપ સરકારે જેલભેગા કરી દીધેલા. જેલમાંથી બહાર આવવા કરપડાએ ભાજપ સાથે સોદાબાજી કરીને આપને રામ રામ કર્યા પછી ગોપાલ ઈટાલિયા સામે બેફામ આક્ષેપો કરેલા. ભાજપે કરપડાને સુરેન્દ્રનગરની મૂળી બેઠક પરથી ટિકિટ આપેલી ને કરપડા જીતી ગયા છે. પહેલાં કરપડા હારી ગયાના સમાચાર આવેલા પણ એ પડીકું સાબિત થતાં આપનો આનંદ ઓસરી ગયો.
અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએએ છેલ્લી સ્થાનિક ચૂંટણીમાં જ ગુજરાતમાં એન્ટ્રી કરીને અમદાવાદ મહાનગરપાલિકામાં સાત બેઠક જીતેલી. આ વખતે પાર્ટીએ પોતાનો પ્રભાવ વિસ્તારીને ભુજ, પાટણ વગેરે શહેરોમાં પણ બેઠકો જીતી છે. તેનો અર્થ એ થયો કે, ગુજરાતના મુસ્લિમોમાં ઓવૈસીની પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે. સ્થાનિક ચૂંટણીમાં જીતનો આધાર ઉમેદવાર પર પણ હોય છે ને જીતી શકે એવા ઉમેદવારો ઓવૈસીની પાર્ટી તરફ વળી રહ્યા છે એ કૉંગ્રેસ માટે સારી નિશાની નથી.
ગુજરાતમાં ભાજપે 1990ના દાયકાથી ખીલા ઠોકેલા છે અને અપવાદરૂપ બે ચૂંટણીને બાદ કરતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપ જ જીત્યો છે. આ પરિણામોએ સાબિત કર્યું છે કે, ગુજરાતમાં ભાજપને હરાવવો બહુ મુશ્કેલ છે અને કમ સે કમ એક દાયકા લગી તો તેને કોઈ હલાવી શકે તેમ નથી.
ભાજપની આ મજબૂતાઈમાં વિપક્ષોનું યોગદાન છે જ કેમ કે વિપક્ષો સ્થાનિક સમસ્યાઓેને અસરકારક રીતે નથી ઉઠાવી શકતા પણ તેના કારણે ભાજપની જીતનું મૂલ્ય ઘટતું નથી. ભાજપની વરસોની મહેનત અને હિંદુવાદી પક્ષ તરીકેની છાપના કારણે ગુજરાતમાં તેની વફાદાર મતબેંક છે ને એ જ તેને જીતાડે છે એ વાત ફરી સાબિત થઈ છે.