એકસ્ટ્રા અફેરઃ ભરત ભારદ્વાજ
શંકરાચાર્ય વિવાદમાં ફસાયેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે નાનાં બાળકોનું જાતીય શોષણ કરવાનો પોલીસ કેસ થતાં આ વિવાદમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. પ્રયાગરાજના ઝૂંસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં શંકરાચાર્યના શિષ્ય મુકુંદાનંદનું પણ આરોપી તરીકે નામ છે, બીજા ત્રણ અજાણ્યા લોકો સહિત પાંચ લોકો સામે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
જગદગુરૂ રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારી મહારાજે અવિમુક્તેશ્વરાનંદ સામે પોક્સો કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો હતો કે, અવિમુક્તેશ્વારનંદે ગુરૂ સેવાના નામે સગીર શિષ્યોને હવસનો શિકાર બનાવ્યા છે. કોર્ટે બાળકોને એકલા બોલાવીને તેમનાં નિવેદન લીધાં તેમાં બાળકોએ એવું કહ્યાનું મનાય છે કે, બાળકોએ જણાવ્યું કે અવિમુક્તેશ્વરાનંદ અને તેમનાં ચેલા એક વર્ષથી તેમની સાથે કુકર્મ કરતા હતા. મહાકુંભ 2025 દરમિયાન અને 2026ના માઘ મેળામાં પણ તેમને હવસનો શિકાર બનાવાયા હતા. અવિમુક્તેશ્વરાનંદ પોતે કારમાં શિષ્યો સાથે જબરદસ્તી કરતા હતા અને શિષ્યોને અવિમુક્તેશ્વરાનંદ સાથે સૂવા માટે ફરજ પડાતી હતી.
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સગીર શિષ્યોનું જાતીય શોષણ કર્યું છે કે નહીં એ કોર્ટ નક્કી કરશે તેથી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના ચારિત્ર્ય વિશે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી પણ આ કાંડ પરથી હિંદુ ધર્મના નામે કેવો અધર્મ ચાલી રહ્યો છે એ સમજવાની જરૂર છે. હિંદુઓએ જાગવાની પણ જરૂર છે અને પોતાના ધર્મના બની બેઠેલા ઠેકેદારોને ઓળખવાની પણ જરૂર છે.
અવિમુક્તેશ્વરાનંદ વર્સીસ આશુતોષ મહારાજનો ઝગડો બહુ જૂનો છે ને આ ઝગડાનું કારણ વર્ચસ્વની લડાઈ છે. અવિમુક્તેશ્વરાનંદ અને આશુતોષના ગુરૂ રામભદ્રાચાર્ય બંને હિંદુ સમાજ પર વર્ચસ્વ જમાવવા માટે વરસોથી લડે છે, એકબીજા પર આક્ષેપો ને કટાક્ષો કર્યા કરે છે. હવે આ લડાઈએ નવું જ સ્વરૂપ ધારણ કર્યું છે અને વાત ચારિત્ર્યહનન સુધી પહોંચી ગઈ છે.
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને આશુતોષ મહારાજમાંથી કોણ સાચું છે ને કોણ ખોટું છે એ ખબર નથી પણ બંનેમાંથી કોઈ એક અધર્મ આચરી રહ્યા છે એ સ્પષ્ટ છે. અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ શિષ્યોનું જાતીય શોષણ કર્યું હોય તો એ અત્યંત આઘાતજનક કહેવાય અને આ કુકર્મ બદલ તેમને ઉઠાવીને જેલમાં નાખી દેવા જોઈએ. અવિમુક્તેશ્વરાનંદને એવી આકરી સજા થવી જોઈએ કે જિંદગીભર જેલની બહાર ના આવી શકે ને બીજો કોઈ બાવો આવી હરકત કરતાં પહેલાં સો વાર વિચાર કરે.
માનો કે અવિમુક્તેશ્વરાનંદ સાચા છે અને આશુતોષ મહારાજે તેમની સામે ખોટો કેસ કર્યો છે તો આશુતોષને સજા થવી જોઈએ. આશુતોષને એવી સજા થવી જોઈએ કે, ફરી કોઈ બાવો આ રીતે વર્ચસ્વની લડાઈમાં આવી નીચ હરકત કરતાં પહેલાં સો વાર વિચાર કરે.
આ કામ ન્યાયતંત્રનું છે અને ન્યાયતંત્ર પોતાનું કામ કરશે પણ હિંદુઓએ વિચારવું જોઈએ કે, આ લોકો સંત કે સાધુ કહેવડાવવાને પણ લાયક છે ખરા ? જે લોકો હિંદુઓને ભૌતિક સુખોથી અલિપ્ત થઈને મોક્ષ માર્ગે જવાનું જ્ઞાન પિરસે છે એ લોકો પોતે સત્તાની ને સંપત્તિની લડાઇમાં અટવાયેલા છે ત્યારે હિંદુ સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવાના દાવા કરતા આ નીચ લોકોને હિંદુત્વની વાત કરવાનો પણ અધિકાર છે ખરો ? સંત તેને કહેવાય કે જે કોઈ પણ વાદ-વિવાદથી પર હોય ને ધર્મગુરૂ એ કહેવાય કે જેનું આચરણ જ ધર્મ મનાય જ્યારે અહીં તો જે કંઈ થઈ રહ્યું છે તેને ધર્મ તો કોઈ રીતે કહી જ શકાય તેમ નથી.
આ માહોલમાં હિંદુઓએ જાગવાની જરૂર છે. ગમે તે આલિયા, માલિયા, જમાલિયા મઠ જમાવીને બેસી જાય ને હિંદુત્વના ઠેકેદાર બની જાય છે એવું ના ચાલવા દેવું જોઈએ. જેને પણ ધર્મ સાથે જોડાવું હોય એ સંપત્તિ કે સત્તાના વિવાદમાં પડ્યા વિના ધર્મ અને સમાજ માટે કામ કરે એવી સ્થિતિ પેદા કરવી જોઈએ. પરંપરાના નામે આ સાધુ મોટો ને આ નાનો ને આ સંત મહાન ને આ ઓછો મહાન એ બધા તાયફા બંધ કરવા જોઈએ.
ભગવાન સામે બધા સરખા જ છે ને કોઈ મોટું કે નાનું નથી એ હિંદુ ધર્મના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે ધર્મને લગતા કાર્યક્રમો વગેરે ચાલવું જોઈએ. આપણે ત્યાં તો કુંભ જેવા ભક્તિ અને શ્રદ્ધાંના કાર્યક્રમમાં પણ પહેલાં ફલાણા સાધુ નહાશે ને પછી બીજા ન્હાશે એવા ભેદભાવની રેખાઓ દોરી દેવાઈ છે. તેમાં સામાન્ય માણસનો તો કોઈ ક્લાસ જ નથી. સામાન્ય માણસ સાધુઓ કરતાં ઊતરતો હોય એમ તેમની પહેલાં સ્નાન ના કરી શકે ને એવા જાત જાતના નિયમો ઠોકી બેસાડાયા છે.
આ નિયમો ભગવાને બનાવ્યા છે ? નથી જ બનાવ્યા તો બધું મૂકો ઉંચું ને બધાંને સમાન ગણવાનું શરૂ કરો. કહેવાતા સાધુ-સંતોમાં પણ સત્તાની સાઠમારી બહુ છે ને પરંપરાના નામે ધર્મને સત્તાની સાઠમારીનો અખાડો બનાવી દેવાયો છે એ જોતાં એ બધાંને પણ સમાન સ્તરે લાવી દેવાની જરૂર છે. તેની શરૂઆત ધર્મના નામે અપાતાં તમામ બિરૂદો કે ટાઈટલ રદ કરીને કરી શકાય. ના કોઈ શંકરાચાર્ય કે ના કોઈ મઠાધિપતિ, ભગવાનની સામે બધા સમાન ને સામાન્ય લોકોની નજરમાં પણ બધા સમાન.
સવાલ એ છે કે આ બધું કરે કોણ ? હિંદુઓમાં જે બિનવિવાદાસ્પદ અને સાચા અર્થમાં સાધુ-સંત છે એ લોકોએ આ કરવું પડે. આ દેશમાં રાજકીય પક્ષોના લાભાર્થે બહુ ધર્મસંસદો ભરાઈ છે તો એક ધર્મસંસદ હિંદુ ધર્મની શુદ્ધિ માટે પણ કરી નાખવી જોઈએ અને ધર્મમાં સમાનતાના નવા માપદંડ સ્થાપિત કરવા જોઈએ. આ ધર્મસંસદે સૌથી પહેલો નિયમ તો એ જ બનાવવો જોઈએ કે, કોઈ પણ વિવાદમાં ફસાય એ સાધુ નિર્દોષ સાબિત ના થાય ત્યાં સુધી ધર્મથી સાવ વેગળો રહે ને હિંદુત્વના નામે દુકાન ચલાવવાનું બંધ કરે. ધર્મના નામે ધંધો કરી કરીને જે પણ સંપત્તિ એકઠી કરાઈ છે એ સ્વૈચ્છિક રીતે જ હિંદુઓમાં વહેંચીને હિંદુઓનું ભલું કરવા સહિતનાં પુણ્યકાર્ય પણ ધર્મસંસદ કરી શકે.
હિંદુઓમાં બહુમતી સાધુઓ હજુય ધર્મના રસ્તે ચાલે છે. અવિમુક્તેશ્વરાનંદ કે આશુતોષ મહારાજ જેવા બહુ ઓછા છે પણ નાગાની પાંચ શેરી ભારે એ હિસાબે આવા લોકોની બોલબાલા છે. સાચા સાધુ-સંતોએ આગળ આવીને આવા લોકોને બહાર કરવાની જરૂર છે. તેની સામે દેકારો પણ થશે કેમ કે જેમનાં હિતો જોખમાતાં હશે એ સ્વૈચ્છાઓ કશું છોડશે નહીં. એવા નમૂનાઓને બહાર કરવા લાલ આંખ પણ કરવી પડે તો કરવી જોઈએ. આખરે એ પણ ધર્મ છે ને? ભગવાન કૃષ્ણે ગીતામાં આપેલા અધર્મ સામે લડવાના ઉપદેશને સાધુ-સંતો અમલમાં નહીં મૂકે તો કોણ મૂકશે?