Sun Jul 26 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ અયોધ્યા પછી વૈષ્ણોદેવીમાં ચોરી: હિંદુઓ ક્યારે જાગશે?

2026-07-15 07:48:18
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

અયોધ્યામાં ભગવાન શ્રીરામના ધામમાં થયેલી ચોરીનો આઘાત શમે એ પહેલાં હિંદુઓની આસ્થાનાં બીજાં એવાં જ મોટાં ધામ મા વૈષ્ણોદેવીના ધામમાં માતાજીને ચઢાવાયેલી ચાંદીની ચોરીની ઘટના બહાર આવી છે. મા વૈષ્ણો દેવીના મંદિરમાં ભક્તો દ્વારા 20 ટનથી વધુ ચાંદી અર્પણ કરવામાં આવી હતી. 20 ટન ચાંદીની કિંમત અત્યારે લગભગ 550 કરોડ રૂપિયા થાય પણ આ ચાંદી બારોબાર પગ કરી ગઈ છે અને તેની જગાએ નકલી ચાંદી મૂકી દેવાઈ છે. 

આ ઘટનામાં પણ અયોધ્યાની ચોરીનું પુનરાવર્તન જ છે. જમ્મુના એડવોકેટ દીપક શર્માએ મદિર સાથે સંકળાયેલાં લોકોએ માતાજીને ચઢાવાતી ચાંદીની ચોરી કરાતી હોવાની વિગતો આપતો પોલીસમાં ફરિયાદ કરેલી. દીપક શર્માએ  9 મેના રોજ પોલીસ મહાનિરીક્ષક (ક્રાઈમ બ્રાન્ચ) અને જમ્મુની આર્થિક ગુના શાખા (EOW) ના વડાને વિગતવાર ફરિયાદ રજૂ કરીને એફઆઈઆર નોંધવાની અને તપાસની માગ કરેલી પણ પોલીસે ઉપરથી આવેલા આદેશના કારણે તપાસ ના કરતાં શર્માએ કોર્ટમાં જવું પડ્યું. 

કોર્ટે દાવાની સત્યતા ચકાસવા માટે ચાંદી ઓગાળવા ફરમાન કર્યું. કોર્ટનો આદેશ હતો એટલે આ ફરમાન માન્યા વિના બોર્ડનો છૂટતો નહોતો. તટસ્થ સાક્ષીઓની હાજરીમાં  ચાંદીને ગાળવામાં આવી તો માત્ર પાંચથી છ ટકા ચાંદી મળી જ્યારે બાકીનું  કેડમિયમ અને લોખંડ હોવાનું બહાર આવ્યું. મતલબ કે, ચાંદી નકલી હતી. ભાંડો ફૂટ્યો પછી પોલીસે જખ મારીને ફરિયાદ નોંધવી પડી ને તપાસ પણ કરવી પડી. આ તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો તેમાં વૈષ્ણોદેવી માતાના મંદિરમાં ચાલતા પાપાચારની ઘણી સ્ફોટક વિગતો બહાર આવી છે. 

આ રિપોર્ટના પગલે જમ્મુના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તપાસ અધિકારીને 29 જુલાઈએ સંપૂર્ણ રેકોર્ડ સાથે અદાલતમાં રૂબરૂ હાજર રહેવાનો આદેશ આપ્યો છે તેથી હવે પછી શું થાય છે તેના પર સૌની નજર છે પણ આ ઘટનાએ હિંદુ મંદિરોને કેટલાક લુખ્ખાઓએ અધર્મના અડ્ડા બનાવી દીધા છે એ ફરી સાબિત કરી દીધું છે. મંદિરની પવિત્રતા જાળવવાના બદલે કમાણીનો અડ્ડો બનાવી દીધો છે એ સાબિત થયું છે. કમનસીબે આ અનાચાર અયોધ્યા કે વૈષ્ણોદેવી પૂરતો મર્યાદિત નથી. બદ્રીનાથ, અંબાજી, નાગૌર વગેરે ઘણાં મંદિરોમાં આ રીતે શ્રધ્ધાળુઓએ આપેલા દાનની ચોરી થઈ છે. 

હિંદુઓએ આ ઘટનાઓ પરથી બોધપાઠ લેવાની જરૂર છે. અયોધ્યાનું રામમંદિર, વૈષ્ણોદેવી ધામ, બદ્રીનાથ, અંબાજી મંદિર  વગેરેમાં ચાલતો પાપાચાર તો છાપરે ચડીને પોકાર્યો તેથી સોનું ધ્યાન ગયું પણ તેના કારણે બીજાં ધર્મસ્થાનો પણ શંકાના દાયરામાં આવી જ ગયાં છે. 

ધર્મસ્થાનોમાં શ્રદ્ધાથી અપાતું દાન ખરેખર ધર્મ માટે વપરાવાના બદલે ધર્મસ્થાનોનો કારભાર કરતાં લોકોનાં ઘરોમાં જાય ને તેમના માટે વપરાય તો એવા દાનનો અર્થ નથી. હિંદુઓ દ્વારા ધર્મના નામે અપાતું દાન  ચોરો ચાઉં કરી જવાના હોય તો દાનનો હેતું સરવાનો નથી. આ સંજોગોમાં હિંદુઓએ તમામ ધર્મસ્થાનોને રોકડ કે બીજા કોઈ પણ સ્વરૂપે દાન આપવાનું બંધ કરવું જોઈએ. જે ધર્મસ્થાન કે મંદિર ઓનલાઈન દાન સ્વીકારતું હોય તેને દાન આપી શકાય કેમ કે તેનો હિસાબ રખાતો હોય છે. તેમાં ઘાલમેલ કરવી શક્ય નથી પણ રોકડાનો વહેવાર બંધ કરવાની જરૂર છે. 

આપણે તો માનવસેવા એ જ પ્રભુ સેવામાં માનનારી પ્રજા છીએ તેથી મંદિરોમાં દાનના બદલે જનસેવા માટે દાન આપીને પણ ભગવાનને રાજી કરી શકીએ. હિંદુઓ પોતાની આસ્થાના કારણે દાન આપવા માગતા જ હોય તો તેના માટે બીજા વિકલ્પો છે જ. મંદિરોમાં પણ સત્તાવાર પહોંચ આપીને દાન સ્વીકારાય છે ને એ રીતે દાન આપી શકાય. જે મંદિરોને દાન જોઈતું હોય એ દાનપેટીઓ દૂર કરીને પહોંચ વિનાનું દાન નહીં લેવાનો નિયમ બનાવે. ઘણાં ધર્મસ્થાનો કે તેમની સાથે સંકળાયેલી જનકલ્યાણનાં કામો કરતી સંસ્થાઓને પણ દાન આપી શકાય.  આ વ્યવસ્થામાં ધર્મના નામે અપાતું દાન ધર્મનાં કામમાં વપરાશે ને ધર્મસ્થાનોનું નામ પણ નહીં ખરડાય. 

હિંદુ ધર્મસ્થાનોએ પણ આ શંકાઓ દૂર કરીને લોકોની શ્રદ્ધાને જીવંત રાખવા માટે થોડાક બદલાવાની જરૂર છે. આપણે ત્યાં મોટાં મંદિરો એટલાં ધનિક છે કે તેમને નવા દાનની જરૂર જ નથી હોતી. અબજો રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ્સ ધરાવતાં આ મંદિરોનો વહીવટ માત્ર વ્યાજમાંથી ચાલી શકે તેથી સ્વૈચ્છિક રીતે જ દાન સ્વીકારવાનું બંધ કરી શકાય. લોકો પ્રસાદ, નારિયેળ વગેરે શ્રદ્ધાથી ચડાવે તેનો સ્વીકાર કરી લેવાનો, બાકી રોકડ કે બીજી ચીજોની પ્રેમથી ના પાડી દેવાની. શ્રદ્ધાળુઓનો અતિ આગ્રહ હોય તો આ મંદિરોએ પોતે બનાવેલી હૉસ્પિટલો, શિક્ષણ સંસ્થાઓ કે બીજાં જનકલ્યાણની સંસ્થાઓ તરફ આ દાનને વાળી શકે પણ તેના માટે પાકી રસીદ આપવાનો નિયમ બનાવવો જોઈએ. 

આ વ્યવસ્થાને અપનાવાય તો આપોઆપ જ પારદર્શકતા આવી જાય. ભારતમાં ઘણાં ધર્મસ્થાનો આ રીતે ચાલે જ છે. ગુજરાતના વીરપુરમાં આવેલું જલારામ ધામ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. દરરોજ સેંકડો લોકોને ભોજન કરાવતા જલારામ ધામમાં કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારાતું જ નથી ને છતાં કદી કોઈ વાતની ખોટ પડી નથી કે જલારામ બાપાના આંગણે આવેલો કોઈ માણસ ભૂખ્યો પાછો ગયો નથી. વીરપુર ધામ કરી શકે એ અયોધ્યા, વૈષ્ણોદેવી, તિરુપતી કે બીજાં ધર્મસ્થાનો પણ કરી જ શકે પણ કરતાં નથી કેમ કે આ મંદિરોના કારભારમાં ધનના ભૂખ્યા ગૂંચળાં વાળીને બેસી ગયા છે. તેમને ધર્મમાં રસ નથી પણ પોતાનું ઘર ભરવામાં રસ છે. 

હિંદુઓએ પણ બાયલાગીરી છોડીને મરદ બનવાની જરૂર છે. ધર્મ એ કોઈનો ઠેકો નથી કે ચાર ચૌદશિયા ધર્મના નામે દુકાન ખોલીને બેસી જાય કે લોકોને લૂંટે ને આપણે ચૂપચાપ તમાશો જોયા કરીએ. અયોધ્યા, વૈષ્ણોદેવી કે બીજે જ્યાં પણ અધર્મના કાંડ થયા તેના માટે હિંદુઓની કાયરતા જવાબદાર છે. ભગવાન રામના ધામમાં થયેલી ચોરી સામે પ્રચંડ આક્રોશ પેદા થવો જોઈએ પણ તેના બદલે હિંદુઓ બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેઠા છે. આઘાત તો એ જોઈને લાગે કે, રામના ધામનો વહીવટ સ્વચ્છ રીતે ચાલે એ જોવાની જેની જવાબદારી હતી એવા ચંપત રાય જેવા લુખ્ખાઓનો બચાવ કરાઈ રહ્યો છે ને હિંદુઓને કંઈ થતું નથી. 

હિંદુઓએ આ કાયરતા છોડવી પડે ને ભગવાન કૃષ્ણે ગીતામાં આપેલા ઉપદેશને અનુસરીને અધર્મ સામે લડવું પડે. સોશિયલ મીડિયા પર મુસલમાનોને ગાળો દેવી કે કોઈ ફિલ્મમાં પાકિસ્તાની આતંકવાદી હિંદુઓને કાયર ગણાવે ને હીરો તેને મારી નાંખે ત્યારે ઝૂમીને સીટીઓ મારવી એ હિંદુત્વ નથી. ધર્મના નામે અધર્મ કરનારા સામે સામી છાતીએ લડવું. તેમને તેમનાં કુકર્મોની સજા અપાવવી એ અસલી ધર્મ છે, અસલી હિંદુત્વ છે.